૨ : ૬૬ - કોણ કોને પકડે છે

સંસારમાં જોઇશું તો આપણને લાગશે કે, દરેક વ્યક્તિ
એમ જ કહેતો હોય કે, મારે તો સંસારમાંથી મુક્ત થવું છે,
પણ મોહ મને છોડતો નથી. ખરેખર આપણે મોહને
છોડતા નથી કે મોહ આપણને છોડતો નથી. બહારથી ભલે
લાગે કે મોહે આપણને જકડી રાખેલ છે, પણ ખરેખર તો
આપણે મોહને પકડીને બેઠા છીએ.
જો મોહ જ પકડી રાખતો હોત તો આજે જે વ્યક્તિ
સંસારમાં ઘરબાર છોડી સાધુ થાય છે, સંત થાય છે, ફકીર
બને છે એ કેમ બને! એ પણ આપણા જેવા જ માણસ
છે. એને પણ મોહે કેમ જકડી રાખ્યા નહીં? ખરેખર તો
આપણને સંસાર બહુ જ ગમે છે. આપણે એના
મોહપાસમાંથી અલગ થવા ઇચ્છતા જ નથી.
આપણે ઉપરઉપરથી બધું કરીએ છીએ, અંદરથી બદલવા
માગતા જ નથી. પુત્રમોહ છે, ગાડી-બંગલાનો મોહ છે,
સંપત્તિ ને સત્તાનો મોહ છે. બહારથી આપણે દેખાઇએ
છીએ એવા હોતા નથી અને અંદર છીએ એવા બહાર
દેખાતા નથી.
એક ગામડાની નાની એવી શેરીમાં એક ફકીર અને
તેના શિષ્યો જતા હતા. એવે સમયે એક માણસ પોતાની
ગાયને ખેંચીને લઇ જતો હતો. ગાયને ખેંચતા માણસને
જોઇને ફકીરે તેના શિષ્યોને પૂછ્યું કે, જુઓ! અહીં માણસ
ગાયને ખેંચે છે કે ગાય માણસને ખેંચે છે?
શિષ્યો તરત બોલ્યા, ગુરુદેવ! માણસ ગાયને ખેંચે છે.
ફકીરે પોતાના ઝોલામાંથી એક કાતર કોઢીને ગાયના ગળામાં જે દોરી બાંધી હતી તે કાપી નાખી. દોરી છૂટતાં
જ ગાય ભાગવા લાગી. માણસ ગાય પાછળ દોડ્યો.
ફકીરે શિષ્યોને પૂછ્યું હવે જુઓ, કોણ કોની પાછળ દોડે
છે, માણસને ગાય ખેંચે છે કે ગાય માણસને ખેંચે છે?
શિષ્યો જોતા રહી ગયા. તેમની પાસે કોઇ ઉત્તર
નહોતો. બસ, આવું જ આ સંસારમાં છે.
આપણે કહીએ કે મોહ અમને ખેંચે છે. વાસ્તવમાં
આપણે મોહને પકડીને બેઠા છીએ. પુત્ર પર મોહ હોય ને
જ્યારે તમારાથી અલગ થાય છે, ત્યારે તમને સમજાય છે
કે પુત્રમોહે તમને પકડેલ ન હતા, તમે પુત્રમોહને પકડેલ
હતા. કોઇ સત્તાધિકારી કહે કે, ખુરશીએ મને પકડી
રાખેલ છે, પણ જ્યારે સત્તા જાય છે ત્યારે કોણે ખુરશી
પકડી હતી. ખુરશીને તમે પકડી હતી કે ખુરશીએ તમને.
સમયે જે સમજી જાય છે એ સમયના સકંજામાંથી બહાર
નીકળી જાય છે.