એક મહાન રાજાને ત્રણ પુત્ર હતા. ત્રણે પુત્ર બહુ
બુદ્ધિશાળી હતા. મહારાજને વિચાર આવ્યો કે લાવ આજ
તો મારા પુત્રોની પરીક્ષા કરું, જેથી મારા ગયા પછી એ
લોકો રાજ્યને કેમ ચલાવશે એની ખબર પડે. ત્રણે પુત્રને
બોલાવે છે અને કહે છે કે, આવડા મોટા રાજ્યમાં સેળનું
ઝાડ નથી, તો તમે ત્રણમાંથી એકએક જણ ચારચાર
મહિનાને અંતરે બાજુના રાજ્યમાં જઇને તપાસ કરી આવો
કે આ સેળનું ઝાડ કેવું હોય છે, જેથી ભવિષ્યમાં આપણા
રાજ્યમાં લાવવું હોય તો ખબર પડે. પહેલો પુત્ર ચાર
મહિના બાજુના રાજ્યમાં ફરીને આવે છે. પછી બીજો પુત્ર
ચાર મહિના ફરીને આવે છે. છેલ્લે ત્રીજો પુત્ર ચાર મહિના
માટે બાજુના રાજ્યમાં તપાસ કરીને આવે છે.
મહારાજ ત્રણે દીકરાને સાથે બોલાવીને મોટા દીકરાને
સૌથી પહેલા પૂછે છે કે સેળનું ઝાડ કેવું છે.
મોટો દીકરો જવાબ આપે છે કે, સેળનું ઝાડ મેં જોયું.
એ તો વાંકુંચૂંકું-સુકાયેલ લાગ્યું.
પછી બીજા દીકરાને રાજા પૂછે છે કે, તને બેટા કેવું
લાગ્યું? બીજા દીકરાએ કહ્યું, પિતાજી! ઝાડ તો લીલુંછમ
હતું, પણ ઝાડમાં ફળ નહોતાં. ત્રીજો દીકરા તરત બોલ્યો,
પિતાજી! ભાઇઓ કોઇ બીજું ઝાડ જોઇ આવ્યા લાગે છે,
કારણ, મેં જે ઝાડ જોયું તે તો બહુ જ સુંદર હતું. ફળ
પણ લાગેલાં હતાં. લીલુંછમ હતું.
ત્રણે ભાઇએ પોતાની વાત સાચી છે એ સાબિત કરવા
દલીલો કરવા લાગ્યા.મહારાજ દલીલો સાંભળી બોલ્યા, બંધ કરો બોલવાનું!
તમે ત્રણે ભાઇઓ નકામા વિવાદ કરો છો, હું જાણું છું કે
તમે ત્રણે સાચ્ચો છો.
સાંભળો, મેં તમને જાણી જોઇને અલગઅલગ સમયે
ચારચાર મહિનાને અંતરે મોકલ્યા હતા. હું જાણતો હતો કે
ચારચાર મહિને મોસમ બદલાય છે તેની સાથે ઝાડનો
દેખાવ પણ બદલાય છે.
હવે હું તમને આના પરથી માણસની પ્રકૃતિ વિષે કંઇક
કહેવા માગું છું.
પહેલી વાત, કોઇ પણ માણસને જાણવા માટે લાંબા
સમયની જરૂર છે. ઉતાવળે બીજી વ્યક્તિ માટે કોઇ પણ
અભિપ્રાય બાંધવો નહિ.
બીજી વાત, જેવી રીતે મોસમ એકસરખી હોતી નથી,
એવી રીતે માણસનું જીવન પણ સુખ-દુઃખ, ઉતાર-ચઢાવ
વગેરેથી ભરેલ છે, એટલે સારા સમયમાં ગર્વ કે ઘમંડ ન
કરવો અને ખરાબ સમયમાં હિંમત ન હારવી, કારણ,
સમય બદલાતો રહે છે.
ત્રીજી અને છેલ્લી વાત, પોતાની વાત જ સાચી છે
એમ પકડીને બેસવું નહિ. બીજાના વિચારો પણ જાણો.
સંસાર જ્ઞાનનો ભંડાર છે. તમે એકલા જ બધું જ્ઞાન
ઉપાર્જન ન કરી શકો. એટલે કોઇ વાતમાં શંકા હોય તો
બીજા જ્ઞાનીની સલાહ લેવામાં સંકોચ ન રાખવો.
થોડા દિવસ પછી રાજા મૃત્યુ પામે છે. ત્રણે ભાઇઓએ
પિતાની સલાહનું પાલન કરી રાજ ર્ક્યું અને પિતાજીની
જેમ નામના મેળવી.
વડીલોની સલાહ માનનાર આખર સુખી થાય છે.