એક વખત એક ફકીર એક ગામથી બીજે ગામ જતો
હતો. કોઇ કારણસર એ રસ્તો ભૂલી ગયો અને એક
નદીના કિનારે પહોંચી ગયો. નદીના કિનારે એક માછીમાર
જાળ બિછાવી માછલી પકડતો હતો. ફકીરે માછીમારને
પૂછ્યું કે, ભાઇ! મારે મલકાપુર જવું છે, એનો રસ્તો હું
ભૂલીને અહીં નદીકિનારે આવી ચડ્યો છું. પેલો માછીમાર
માછલી પકડવામાં એટલો તલ્લીન હતો કે ફકીરની વાત
સાંભળી નહીં. ફકીરને માછીમારનો વ્યવહાર ગમ્યો નહીં,
પણ જેવી માછલી જાળમાં ફસાઇ ગઇ કે એને ખયાલ
આવ્યો કે કોઇ પાછળથી કંઇક પૂછે છે. એણે પાછળ
વળીને જોયું તો ફકીર ઊભો હતો.
માછીમાર પૂછે છે કે, ભાઇ! શું કામ હતું, તમે મને કંઇ
પૂછ્યું, હું માછલી પકડવામાં એવો તલ્લીન હતો કે મને
કંઇ સંભળાયું નહીં. ફકીરે કહ્યું કહીં નહીં, એમ કહી એ
આગળ નીકળી ગયો અને વિચાર કરવા લાગ્યો કે આ
માછીમાર એક સંસારી આટલો એકાગ્રતાથી માછલી પકડતો
હતો અને હું એક સાધુ એના જેટલી એકાગ્રતા ન સાધી
શક્યો, જીવનભર ભટકતો રહ્યો. અલ્લાહમાં તલ્લીન ન થઇ
શક્યો. બસ, મારે પણ માછીમારની જેમ અલ્લાહમાં
એકાકાર બની જવું છે. આમ વિચારતાવિચારતા ફકીર
પોતાના રસ્તે આગળ નીકળી ગયો. કોણ કોને ક્યારે
બોધ આપી જાય છે એ કોણ જાણે?