મહારાજા વિશ્વામિત્રનું એક મોટું રાજ્ય હતું. રાજ્ય
ચારેબાજુ ફેલાયેલ હતું. રાજ્યની આજુબાજુમાં નાનાંનાનાં
રાજ્યો હતાં અને ત્યાં નાનાનાના રાજકર્તાઓ રાજ કરતા
હતા, પણ વિશ્વામિત્ર બધા સાથે મૈત્રી રાખતા. કોઇ પણ
રાજાને તકલીફ થાય તો મદદ કરતા.
સમય જતાં રાજાનો દેહાંત થયો અને તેની ગાદી પર
તેનો રાજકુમાર સુશીલસિંહ આવ્યો. સુશીલસિંહ પણ તેના
પિતાની જેમ બહુ જ સુશીલ અને દયાળુ હતો.
એક વખત એની પાસે એક સમસ્યા આવી, એટલે
એણે વિચાર કર્યો કે, ચાલ માતા ભદ્રાદેવીને પૂછી આવું.
રાજકુમાર માતા ભદ્રાદેવી સામે આવી હાથ જોડી પૂછે
છે કે, માતા મારી પાસે એક એવી સમસ્યા આવેલ છે કે
જેનો ઉકેલ હું શોધી શકતો નથી. આપ આનો રસ્તો
બતાવશો એવી આશા રાખું છું.
બોલ શું છે એવી સમસ્યા? માતાએ પૂછ્યું.
માતા, આપણી રાજ સીમાની બાજુમાં એક નાનું
રાજ્ય છે. તેની રાણી રાજ્યનો કારભાર સંભાળે છે. આ
રાણી પર બીજા રાજાની નજર ખરાબ થઇ છે અને
રાણીના રૂપમાં મોહિત થઇ એને પોતાના રાજમહેલમાં
બિરાજમાન કરવા માગે છે અને આ રાણીએ આપણી
મદદ માગી છે. તો હવે મારે શું કરવું? મારે રાણીને મદદ
કરવી કે પછી એ બન્નેના ઝઘડામાં ન પડવું. આ માટે
આપની સલાહ લેવા આવેલ છું.
માતા પુત્રનો સવાલ સાંભળી સ્તબ્ધ થઇ ગઇ. કંઇક
બોલે એ પહેલાં જ પુત્રે પૂછ્યું, માતે! આપ એકાએક
ગુમસૂમ કેમ થઇ ગયાં.
માતાએ કહ્યુંઃ
સાંભળ પુત્ર, તું જ્યારે એક વર્ષનો હતો ત્યારે તને
પારણામાં મૂકી હું હોજમાં સ્નાન માટે ગયેલ. તને ભૂખ
લાગતાં તેં રડવાનું શરૂ ર્ક્યું, પણ હું નાહવામાં એટલી વ્યસ્ત
અને મસ્ત હતી કે તારા રોવાનો અવાજ હું સાંભળી ન
શકી. એવે સમયે એક દાસી ત્યાં ઊભી હતી તે તારું રુદન
જોઇ ન શકી અને તે દાસીએ એના થાનનું દૂધ તને પાયું.
હજુ હું નાહીને-સ્નાન કરીને બહાર આવીને જોઉં છું તો
દાસી પોતાના થાનનું દૂધ તને પાઇ રહી હતી. મેં તરત જ
તારા મોઢામાં આંગળી નાખી દાસીનું દૂધ ઓકાવી નાખ્યું
હતું, પણ લાગે છે કે તું જે સવાલ પૂછવા આવેલ છે
એના પરથી હું અનુમાન કરું છું કે દાસીના દૂધનાં થોડાં
ટીપાં તારા શરીરમાં રહી ગયાં લાગે છે, નહીં તો કોઇ પણ
ક્ષત્રિય કોઇ પણ સ્ત્રીની લાજ લૂંટાવાની હોય ત્યારે એની
રક્ષા કરવાના અવસરે માને પૂછવા ન જાય.
બેટા, બસ આ જ વાતનો મને અફસોસ રહી ગયો કે
નાહવાની લાયમાં મેં મારા પુત્રને થોડો નમાલો બનાવી
દીધો.
રાજકુમારે વધુ ન સાંભળતાં તુરત કક્ષમાંથી બહાર
નીકળી સેનાને હુકમ ર્ક્યો કે પાડોશી રાજા જે બાજુના
રાજ્યની રાણી પર આક્રમણ કરી તેને શરણાગતિ સ્વીકારવા
મજબૂર કરનાર છે તેના પર હુમલો કરો. રાણીને મદદ કરી
ક્ષત્રિય ધર્મની રક્ષા કરો. રાણીમાતાને સમાચાર મળતાં
ખુશખુશાલ થઇ ગઇ. આજ નવા જમાનાની બહેનો પોતાનું
સૌંદર્ય સંભાળવા કાયાની માયામાં પુત્રને થાનપાન કરાવવામાં
સંકોચ અનુભવે છે, પણ સમય જતાં આ બાળકો નમાલાં
થાય તો તેની જવાબદારી માતાઓની રહેશે.
આજનું સાયન્સ પણ આ વાતને પુષ્ટિ આપે છે કે
માતાના દૂધ જેવું સંસારમાં બીજું દૂધ નથી. માતાનું દૂધ
શક્તિ સાથે સંસ્કાર પણ આપે છે. આજ આટલું બસ.