૧: ૧૦૩ - “તને તોડતાં આવડે છે મને જોડતાં આવડે છે”

એક વખત ભગવાન બુદ્ધ એક ગામથી બીજે ગામ વિહાર કરીને જતા હતા. વચ્ચે એક નાનું ગામ આવ્યું. એટલે ત્યાંના લોકોએ બુદ્ધને કહ્યું કે, તમે આ રસ્તે આગળ જતા નહીં, કારણ કે રસ્તામાં વચ્ચે એક નાનો પહાડ આવે છે અને એ પહાડ ઉપર અંગુલિમાલ નામનો હત્યારો રહે છે. આ હત્યારો ૯૯૯ હત્યા કરી ચૂક્યો છે. એક જ હત્યા બાકી છે. તો તમો એ રસ્તે જતા નહીં. નહીં તો એ તમારી હત્યા કરી નાખશે.

બુદ્ધ બોલ્યા, “સાધુ જે રસ્તો નક્કી કરે છે પછી એ બદલતો નથી.” આટલું કહી બુદ્ધ આગળ નીકળી ગયા. બુદ્ધ ગામની બહાર થોડું આગળ ચાલ્યા. ત્યાં દૂર એક પહાડ દેખાયો. જેવા પહાડની નજીક પહોંચ્યા ત્યાં ઉપરથી અંગુલિમાલે સાધુને આવતા જોઈ બૂમ મારી, “ઓ સાધુ તું પાછો ચાલ્યો જા. નહીં તો હું તારી હત્યા કરી દઈશ.” બુદ્ધે સાંભળ્યું પણ આગળ વધતા વધતા પહાડની બહુ જ નજીક પહોંચી ગયા. ફરી અંગુલિમાલે બૂમ પાડી, સાધુ તું પાછો જા હું કોઈ સાધુની હત્યા નથી કરવા માંગતો પણ આ તો બુદ્ધ હતા. આગળ વધતા વધતા એકદમ પહાડની નીચે પહોંચી ગયા. અંગુલિમાલ નીચે ઉતર્યો. કુહાડો હાથમાં હતો પણ જેવો એ બુદ્ધની બાજુમાં આવ્યો એનો હાથ ઢીલો થઈ ગયો. બુદ્ધને જોઈને કહે છે કે એ બ્રાહ્મણ, તને કેટલી બૂમ મારી પણ તું સાંભળતો નથી. મેં કેટલી હત્યા કરી છે તે જાણે છે? મેં ૯૯૯ હત્યા કરી છે. એક જ બાકી છે. માટે હજુ તને વિનંતિ કરું છું કે તું પાછો જા. હવે અંગુલિમાલની બોલવાની રીત બદલાઈ ગઈ હતી, કારણ કે એ બુદ્ધના શુદ્ધ વિચારના વમળમાં આવી ગયો હતો. બુદ્ધ કહે છે કે તે હત્યા કરવા માગે છે ને? કર મારી હત્યા પણ દરેક હત્યારો સામેવાળાની એક ઇચ્છા પૂરી કરે છે. બોલો તમારી શું ઇચ્છા છે ? બુદ્ધ કહે છે કે સામે એક ઝાડ છે ને એનાં ત્રણ પત્તાં તોડી લઈ આવ. અંગુલિમાલ કુહાડો લઈને જાય છે અને આખી ડાળી બુદ્ધના પગમાં મૂકે છે. બુદ્ધ ફરી કહે છે કે હવે બીજું એક કામ કર. આ ડાળ તોડી આવ્યો પણ હવે એ ફરી ત્યાં આગળ જોડી આવ. અંગુલિમાલ કહે છે કે મને જોડતાં નથી આવડતું. બુદ્ધ કહે છે કે મને જોડતાં આવડે છે. અંગુલિમાલના ભાવ હવે બદલાઈ ગયા હતા. તરત જ પૂછે છે કે મને જોડતાં શીખવાડશો. ચાલ મારી સાથે હું તને બધું જ શીખવીશ. કહેવાય છે કે એ જ દિવસે અંગુલિમાલ બુદ્ધ ભેગો મઠમાં પહોંચ્યો. બુદ્ધ અને દીક્ષા આપી. એને સાધુ બનાવી દીધો. બુદ્ધ બીજે દિવસે ભિક્ષા માટે શહેરમાં જવા માટે અંગુલિમાલને કહે છે કે તું શહેરમાંથી તને ભિક્ષા કોઈ આપે ન પણ આપે પણ તને લોકો પત્થર મારશે. તારા ઉપર થૂંકશે. તને મારશે પણ તારે કશું જ કરવાનું નથી. માત્ર સહન કરવાનું છે.

અંગુલિમાલ શહેરમાં ભિક્ષા માટે જાય છે. લોકો અંગુલિમાલને જોઈને પત્થર મારે, ધૂકે છે, ગાળો આપે છે પણ એ એક શબ્દ બોલતો નથી. આખરે લોહીલોહાણ થઈને જમીન પર ઢળી પડે છે. બુદ્ધ આવીને એને ઊભો કરતાં કરતાં બોલે છે કે “બ્રાહ્મણ અંગુલિમાલ ઊભો થા, બ્રાહ્મણ અંગુલિમાલ ઊભો થા.” જે બ્રહ્મને જાણી લે છે એ જ સાચો બ્રાહ્મણ તું આજ બ્રાહ્મણ થઈ ગયો છે. બુદ્ધ અંગુલિનાલને મઠમાં લઈ જઈ પાટાપીંડી કરી બીજે દિવસે પોતાની બાજુમાં બેસાડે છે.

તે વખતનો રાજા પ્રસન્નત બુદ્ધને મળવા આવે છે. બુદ્ધને રાજા પૂછે છે કે સાંભળ્યું છે કે હત્યારો અંગુલિમાલ તમારો શિષ્ય થઈ ગયો છે. કયાં છે ?

બુદ્ધ કહે છે કે મારી બાજુમાં બેઠો છે, એ જ અંગુલિમાલ છે. રાજા એકદમ ગભરાઈ ગયો. જેને પકડવા સૈન્ય મોકલેલ પણ સૈન્ય પણ પાછું આવેલ એ હત્યારાને બુદ્ધની બાજુમાં બેઠેલ જોઈ ક્રૂજવા લાગ્યા. અંગુલિમાલ રાજાને કહે છે, “રાજન ગભરાવ મત.” તમે જે અંગુલિમાલને ઓળખતા હતા તે અંગુલિમાલ તો ક્યારનો મરી ચૂક્યો છે. આ તો બુદ્ધનો શિષ્ય અંગુલિમાલ છે.

હતાં બુદ્ધ ભગવાનનાં શુભ વાઈબ્રેશન

જેણે હત્યારાને સાધુ બનાવી દીધો.”