૧: ૧૦૧ - “ધર્મ રાજા”

પાંચ પાંડવ અજ્ઞાતવાસમાં હતા ત્યારે ફરતા ફરતા થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. ધર્મરાજને તરસ લાગી એટલે નાના સહદેવ અને નકુલને કીધું કે પાણી ભરી આવ. ધર્મરાજ માટે બંને ભાઈઓ પાણી ભરવા માટે બહાર નીકળ્યા. આગળ ચાલતા ચાલતા દૂર એક સરોવર જોયું. સરોવર આગળ પહેચી, જયાં સરોવરમાં ઘડો પાણી ભરવા માટે નાખ્યો ત્યાં અંદરથી એક ગેબી અવાજ આવ્યો. આ અવાજ એક યક્ષનો હતો. યક્ષ બોલ્યો, ભાઈઓ પાણી ભરતા નહીં, નહીં તો તમારું મોત થશે. હું તમને એક સવાલ પૂછવા માંગું છું અને એ સવાલનો જો તમે સાચો જવાબ આપશો તો પાણી ભરી શકો છો અને જવાબ નહીં આપી શકોતો હું તમને જવા પણ નહીં દઉં અને અહીં જ મૂર્શિત કરી દઈશ. સહદેવ અને નકુલે કીધું, પૂછો સવાલ. અમે તમારા સવાલનો જવાબ આપવા તૈયાર છીએ.

યક્ષે પૂછ્યું કે, “સંસારની મહા વિચિત્રતા શું છે ?” ઘણા બધા જવાબ ભાઈઓએ આપ્યા પણ સહી ઉત્તર ન આપી શક્યા. યક્ષે બંને ભાઈઓને બેભાન કરી દીધા. ઘણો સમય થયો અને પાણી લઈને કોઈ આવ્યું નહિ એટલે યુધિષ્ઠિરે અર્જુનને કીધું કે જઈને જોઈ આવ. આ બંને જણાને આટલો સમય કેમ લાગ્યો? અર્જુન ગયો. એ ગયો એ પણ યક્ષના સવાલનો જવાબ ન આપતાં મૂછિત અવસ્થામાં યક્ષે કરી દીધો. છેલ્લે ભીમને યુધિષ્ઠિરે મોકલ્યો. એ પણ પાછો ન આવ્યો. એની પણ એના ભાઈઓ જેવી હાલત થઈ.

કોઈપણ પાછું ન આવતાં યુધિષ્ઠિરને શંકા ગઈ કે કંઈક ઘટના બની લાગે છે. ચાલ જાતે જઈને જોઈ આવું. યુધિષ્ઠિર જ્યાં સરોવર આગળ પહોંચે છે ત્યાં ચારે ભાઈઓ ચત્તાપાટ પડેલા છે. યુધિષ્ઠિરને થયું, નક્કી અહીં કોઈ વ્યક્તિ હોવી જોઈએ. જેણે મારા ચાર ભાઈઓની આવી મૂછિત દશા કરેલ છે. આટલું ધર્મરાજ વિચારે છે ત્યાં ગેબી અવાજ આવે છે કે ધર્મરાજ તારા ભાઈઓની આ દશા મેં જ કરેલ છે અને મારા સવાલનો જવાબ તું નહીં આપી શકે તો તારી દશા પણ આવી જ થશે અને સાચો જવાબ આપશે તો તારા ભાઈઓને પણ મૂછમાંથી બહાર કાઢીશ.

સાંભળો. મારો સવાલ એ છે કે સંસારની મહા વિચિત્રતા શું છે?

ધર્મરાજ કહે છે, તારા સવાલનો જવાબ છે કે “માણસ કેટલાયને સ્મશાને મૂકી આવે છે પણ પોતે એક દિવસ સ્મશાને જવાનો છે. એ કદી વિચારતો નથી અને માનવા પણ તૈયાર થતો નથી. એ હંમેશાં અહીં જ ' અમરપટો લઈને આવેલ છે એમ જીવે છે.”

ધર્મરાજ તમારો જવાબ બરાબર છે. આટલું કહી યક્ષે ચાર ભાઈઓને મૂછમાંથી બહાર કાઢી ધર્મરાજને વંદન કરી દૂર ચાલ્યો ગયો.