એક વખત રમણ મહર્ષિના શિષ્ય રમણ મહર્ષિને પૂછ્યું, ગુરુદેવ જેમ નદી સમુદ્રમાં મળી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે તેમ મૃત્યુ પણ માણસને પોતાનું અસ્તિત્ત્વ ગુમાવી પુનઃજન્મમાંથી મુક્ત કરે છે કે નહિ ?
રમણ મહર્ષિએ જવાબ આપ્યો નહિ, કારણ કે એ જ પાણી વરાળ થઈ વાદળાં બની ફરી પહાડોમાંથી નદી બની વહે છે અને ફરી સમુદ્રમાં આવી ભળી જાય છે.
જેમ એક વૃક્ષની ડાળી કાપી નાખીએ તો પણ થોડા દિવસ પછી પાછી ત્યાં બીજી નવી ડાળી ઊગી નીકળે છે, કારણ કે તેના મૂળનો જયાં સુધી નાશ થતો નથી ત્યાં સુધી ઊગતી જ રહે છે. આવી રીતે મનુષ્યના જૂના સંસ્કારો વિલીન નથી થતાં ત્યાં સુધી નવાં નવાં રૂપ ધારણ કરતો જ રહે છે.