૧: ૯૯ - “આકર નાહના જાકર નાહના બીચમેં દો ઘડી કા નાટક દેખકર જાના”

બાળકને જ્યારે મેટર્નિટી હોમમાં જન્મ થાય છે ત્યારે આયા બાળકને નવરાવી-ધોવરાવી માના ખોળામાં મૂકે છે અને એ જ બાળક યુવા થાય છે અને છેલ્લે વૃદ્ધ થઈને એક દિવસ મૃત્યુને આધીન થાય છે. મૃત્યુ વખતે પણ નવરાવીને તૈયાર કરાય છે. આમ માણસને જન્મ વખતે અને મૃત્યુ વખતે નવરાવાય છે અને વચ્ચે બે ઘડીનું નાટક ભજવવાનું રહે છે એ નાટક મા-બાપ તરીકે, ભાઈ-બહેન તરીકે, કાકા-કાકી, મામા-મામી વગેરે સંબંધથી જીવન પૂરું કરવાનું હોય છે અને ખરેખર આ સંસાર એક નાટકશાળા જ છે અને આપણે એના મહા કલાકાર છીએ. આપણા ભાગે દરેક પાત્ર આવે છે. દીકરા-દીકરી તરીકે અને માતા-પિતા તરીકે, ભાઈભાભી તરીકે અને મિત્ર તરીકે પણ બધાં જ પાત્રો ભજવતાં ભજવતાં એક દિવસ વિદાય કરવાની રહે છે પણ આપણે આપણા આ પત્રને આબેહૂબ ન્યાય આપીએ છીએ. નાટકનો કલાકાર તો માત્ર ત્રણ કલાક પૂરતો જે પાત્ર આપેલ હોય એ પાત્ર ભજવીને થિયેટર બહાર નીકળતાં એક સામાન્ય વ્યક્તિ તરીકે દેખાય છે પણ આપણે તો જાણે સહજતાથી બધાં જ પાત્રો ભજવતાં ભજવતાં સંસાર છોડીએ છીએ. વાહ માણસ તારા જેવા કલાકાર સંસારમાં બીજો કોઈ નથી.