૧: ૯૫ - “શ્વાસ તૂટ્યો સંબંધ છૂટ્યા”

એક વખત એક યુવાન ફકીર પાસે આવ્યો ને ફકીરને કહ્યું કે મારે પણ તમારી જેમ સંસાર છોડી ફકીર બનવું છે. ફકીર બોલ્યો તો શું વિચાર કરે છે ? એક તકલીફ છે બાબા શું તકલીફ છે બોલ બચ્ચા.

મારા ઘરવાળા બધા મને બહુ પ્રેમ કરે છે. મારી પત્ની, મારા માતા-પિતા, મારા ભાઈ-પ્લેન, મારા મિત્રો દરેક મને બહુ ચાહે છે. મારા નાના દીકરા-દીકરી પણ મને બહુ પ્રેમ કરે છે.

“બચ્ચે દેખ દુનિયામેં કોઈ કિસીસે પ્રેમ નહીં કરતા” તુ બડા ભોલા છે. તને મારા શબ્દોમાં વિશ્વાસ ન હોય તો તને એક તરકીબ શીખવું છું. આ તરકીબમાં માત્ર તને હું શ્વાસ પંદર મિનિટ માટે કેમ રોકવો એ શીખવીશ. પંદર મિનિટ શ્વાસ રોકી રાખીશ એટલે ઘરવાળા સમજશે કે તું મૃત્યુ પામ્યો છે પણ ખરેખર તું મૃત્યુ પામ્યો નહીં હો.

યુવાન ફકીર પાસે આ કલા શીખીને ઘેર ગયો. બીજા દિવસે સવારે બરાબર ૮ વાગે પેલા ફકીરે કીધું હતું, એમ શ્વાસ રોકી સૂતો રહ્યો.

સવાર પડી. આઠ વાગ્યા એટલે દરરોજના ક્રમ પ્રમાણે પત્ની યુવાનને ઉઠાડવા આવી. યુવાન જાગ્યો નહિ. એટલે પત્ની નજીક જઈને જુએ છે તો યુવાન બેભાન હાલતમાં પડ્યો છે. શ્વાસ બંધ છે. પત્નીએ બૂમાબૂમ કરી મૂકી. ઘરવાળા બધા ભેગા થઈ ગયા, આ બાજુના પાડોશી પણ પહોંચી આવ્યા. બધાને ચિંતા હતી કે એકાએક યુવાનને શું થઈ ગયું? એટલીવારમાં પ્લાન કર્યો હતો તે પ્રમાણે ફકીર આવી પહોંચ્યો.

ઘરના બધા માણસો ફકીરને જોઈને ખુશ થઈ ગયા. ફકીરને જોઈને ઘરવાળાઓએ વિનંતિ કરી કે બાબા અમારા આ યુવાનને ગમે તેમ કરી જીવતો કરી આપો. પત્ની બોલી બાબા મારા પતિને જીવતો કરી દો તો તમે માંગશો એ આપીશ. મા-બાપ જુવાનજોધ દીકરાની જિંદગી માટે કરગરવા લાગ્યા. બાળકો રોતા રોતા પોતાના પિતાની જિંદગી માટે કરગરતાં હતાં.

ફકીર આ લોકોની આજીજી સાંભળી બોલ્યો, જુઓ, તમારો આ યુવાન એક શરતે જીવંત થશે પણ આને બદલે તમારામાંના કોઈ પણ એક જણે મરવા માટે તૈયાર થવું પડશે. ફકીરે તેના પિતાને પૂછયું, જો તમે મરવા તૈયાર હો તો તમારા દીકરાને જીવંત કરી આપું. બોલો શું વિચાર છે? આટલું સાંભળતાં જ યુવાનનો પિતા બોલ્યો, હજુ મારી નાની બે દીકરીને અને એક દીકરાને પરણાવવાના છે. એટલે ઘરમાં મારી બહુ જરૂર છે.

ભાઈ-બહેનોને પૂછ્યું તો ભાઈ-બહેનો બોલ્યા કે, અમે તો હજુ જિંદગી જોઈ જ નથી. જિંદગી શું છે એ થોડી ઘણી પણ માણી નથી. ભાભીને પૂછો.

પત્નીને છેલ્લે ફકીરે પૂછ્યું કે તમારો શું વિચાર છે? પત્ની બોલી કે નાના બાળકો મૂકી ગયા છે. એને મોટા કરવા માટે મારું જીવવું બહુ જરૂરી છે. “એ ગયા તો ભલે ગયા અમે સુખે દુઃખે ચલાવી લેશું.” આટલી વાત પૂરી થતા પંદર મિનિટ પૂરી થઈ. પેલો યુવાન જાગી ગયો. એણે ઘરવાળાની બધી જ વાતચીત સાંભળી હતી. યુવાન ઊભો થઈને સીધો ફકીરના પગે પડીને કહે છે, “આપ સહી કહતે થે કે સંસાર મેં કોઈ કિસીકા નહિ.”

યુવાન ઘર છોડી એ જ વખતે ફકીર સાથે ચાલી નીકળ્યો.

જતાં જતાં બોલતો ગયો –

શ્વાસ તૂટ્યો સંબંધ છૂટ્યા

એકલો આવ્યો એકલો ચાલ્યો”