એક વખત રાજા અને મંત્રી ફુરસદના સમયમાં ગપ્પાં
મારતા બેઠા હતા. બન્ને પોતપોતાના વિચારો એકબીજાને
કહેતા હતા. કહેવાય છે કે, હંમેશાં રાજા કરતા મંત્રી
હોશિયાર હોય. અહીં પણ જે રાજા હતો તેના કરતાં તેનો
મંત્રી બહુ બુદ્ધિાશાળી હતો.
વાતવાતમાં મંત્રી રાજાને પ્રશ્ન કરે છે કે, રાજન્! તમે
તમારી રૈયત (પ્રજા) માટે શું વિચાર ધરાવો છો? તમે
જેટલા પ્રામાણિક અને દયાળુ છો એટલી જ તમારી રૈયત
પ્રામાણિક છે એમ તમે ધારો છો?
રાજા બોલ્યો બેશક!
નહીં રાજન્! હું તમારી સાથે સહમત નથી. તમે હજુ
માણસના મનને બરાબર ઓળખતા નથી. જે દેખાય છે
એ અસત્ય હોતું નથી અને સત્ય છે એ દેખાતું નથી.
આપણે બહારથી પિતા-પુત્ર, ભાઇ-બહેન, પતિ-પત્ની, ગુરુિ
શષ્ય, રાજા-રૈયત બધા જ સંબંધો સ્વાર્થની દીવાલના
સહારે ઊભા છે. દીવાલ તૂટતાં બધા સંબંધો જમીનદોસ્ત
થઇ જાય છે.
રાજા મંત્રીની વાત સાંભળી કહે છે કે, હું તારી વાત
સાથે સંમત નથી. મારી રૈયત મને ઘણુંબધું માન આપે છે.
રસ્તે નીકળું છું ત્યારે ખમ્માખમ્મા કરી સન્માન કરે છે.
મારી સાથે ખૂબ પ્રેમથી વર્તે છે. મારી પ્રજા પર મને પૂરો
ભરોસો છે. મને રૈયત માટે કોઇ શંકા નથી.
રાજન્! તમે હજુ માણસના મનની દશાને ઓળખવામાં
થાપ ખાવ છો. માણસ પોતે પોતાના મનને ઓળખી
શકતો નથી તો બીજાની ક્યાં વાત કરવી.
મંત્રી બોલ્યા, તમને મારામાં વિશ્વાસ ન હોય તો એક
દિવસ આપણે બન્ને વેશપલટો કરી શહેરમાં જઇને જોઇએ
કે પ્રજા તમારા માટે શું બોલે છે.
રાજા મંત્રીની વાતમાં સંમત થયા અને બન્ને એક
રાત્રિના ઘોર અંધકારમાં વેશપલટો કરી શહેરમાં ફરવા
નીકળ્યા. નાની એવી ગલીમાં ઘૂસીને દીવાલની ઓથે
મકાનની અંદર બે-ત્રણ જણા વાત કરતા હતા તે દીવાલને
કાન લગાડી સાંભળવા લાગ્યાઃ
આપણો રાજા ભલે બહારથી સારો દેખાય, પણ અંદરથી
બહુ લોભી વૃત્તિનો છે. છૈયા-છોકરા તો છે નહિ, તોપણ
કોના ખાતર આટલા રૂપિયા ભેગા કરે છે! એને કરનો
બોજ પ્રજા પર નાખવામાં અને કર વધારવામાં જ રસ છે.
મહેનત રાત-દિવસ આપણે કરીએ અને રૂપિયા આપણી
મહેનતના રાજા લઇ જાય.
રાજા સાંભળી સ્તબ્ધ થઇ ગયો. મંત્રી બોલ્યા, રાજન્!
હજુ બે-ત્રણ ઘર વધારે જોઇએ જેથી તમારી મનની
ભ્રમણા દૂર થઇ જાય. બીજા ઘરમાં વાતો ચાલતી હતી કે,
આપણો રાજા નપુંસક છે. એ મરશે ત્યારે આપણને કોના
ભરોસે મૂકી જશે, ભગવાન જાણે. રાજાએ બીજાં લગ્ન
કરી લેવા જોઇએ જેથી રાજ્યને વારસદાર મળે અને
આપણને રાજા મળે.
રાજાને આશ્ચર્ય થયું કે જે પ્રજા માટે મેં મારી જિંદગીનો
ભોગ આપ્યો એ પ્રજા મારા માટે આવું બોલે! દિવસના
અજવાળામાં માણસ શું બોલે છે અને રાતના અંધારામાં
શું બોલે છે એની આજ ખબર પડી.
રાજાએ મંત્રીને કહ્યું, તું સાચો છે, પણ ચાલ હજુ એક
વધુ તપાસ કરીએ પછી નિર્ણય કરીશ. ભલે રાજન્ ચાલો
ગામની બહાર ઝૂંપડામાં રહેતા પરિવારની વાત સાંભળવા.
રાજા અને મંત્રી ઝૂંપડાની બહાર ઊભા રહ્યા. અંદર પતિ-
પત્ની વાતો કરતાં હતાં કે, આપણો રાજા બહુ ભોળો છે.
પ્રજા રાજાની સામે વાહવાહ કરે છે, પાછળથી બધા વખોડે
છે. પત્ની બોલી એને ભોળો ન કહેવાય, બાયલો કહેવાય.
રાણી કહે એ પ્રમાણે ચાલે છે, રાજામાં અક્કલ ઓછી છે.
રાજાને આ બધું સાંભળી એકદમ આંચકો લાગ્યો.
મંત્રીને કહે છે કે, કાલે જ હું રાજપાટ છોડી સાધુ થઇ
જવા માટે નીકળી જાઇશ. તું અને રાણી રાજ ચલાવજો.
અને ખરેખર રાજા બીજે જ દિવસે રાજ છોડી રાણીને
કારોબાર સોંપી જંગલમાં જવા નીકળી ગયો.
વર્ષોનાં વાણાં વીતી ગયાં. એક દિવસ રાજાને વિચાર
આવે છે કે, ચાલને જોઉં કે મારું રાજ્ય કેમ ચાલે છે અને
લોકો હવે મારા માટે શું કહે છે!
રાજા રાત્રિના અંધારામાં ગામમાં પ્રવેશ કરે છે અને
સીધો મંત્રીના ઘરે જાય છે. મંત્રી રાજાને જોઇને આશ્ચર્ય
પામે છે. પૂછે છે કે, તમે અત્યારે અહીં? મારું શું કામ
પડ્યું રાજન્! રાજાએ કહ્યું, તું અત્યારે ને અત્યારે મારી
સાથે ચાલ પહેલાંની જેમ મારા માટે પ્રજા હવે શું કહે છે
એ મારે જાણવું છે!
રાજા અને મંત્રી જ્યાં પહેલાં ગયા હતા એ જ ઘરની
બહાર કાન રાખી સાંભળે છે. અંદર વાતો ચાલે છે કે,
આપણો રાજા લોભી હતો, પણ દુકાળના સમયે રૈયત માટે
ધનના ઢગલા, અનાજના ભંડાર ખુલ્લા મૂકી દેતો. આવો
રાજા મળવો મુશ્કેલ, એ તો પ્રજા માટે ભગવાન હતો.
હવે આગળ વધતાં બીજા ઘરે જાય છે, જ્યાં પહેલાં આ
જ ઘરે આવ્યા હતા. અંદર વાતો ચાલતી હતી કે, આપણે
રાજાને નપુંસક કહી રાજાનું વર્ષો પહેલાં અપમાન કરેલ.
એ આપણો રાજા નહીં, પણ રાજા-રામ જેવો હતો.
જો ધારત તો બીજાં લગ્ન કરી સંસારસુખ માણ્યું હોત.
ખરેખર એણે જીવનમાં એકપત્નીત્વ ાત પાળ્યું. પોતે રામ
બની રામ-રાજ આપણને આપ્યું.
છેલ્લે મંત્રી અને રાજા ગામની બહાર એ જ ઝૂંપડા
પાસે આવી ઊભા જ્યા પહેલાં આવ્યા હતા. પતિ-પત્ની
વાતો કરતાં હતાં કે, આપણે આપણા રાજાને બાયલો
કહી મોટું પાપ ર્ક્યું છે. આપણો રાજા તો ભોગી નહીં
જોગી હતો. મહાન સંસ્કારી હતો. રાજપાટ છોડી સંન્યાસી
બની ગયો. એ બાયલો નહીં, પણ એનો માંહ્યલો જાગ્યો
અને ચાલી નીકળ્યો રાજપાટ છોડી. મંત્રી અને રાજા
એકબીજાને ભેટી પોતપોતાને રસ્તે ચાલી નીકળ્યા.
‘‘આ છે માનવીના મનની મનોદશા.’’