૨ : ૦૧ - મારા મતે...

આ ગુલઝાર છે, અહીં ક્યાંક ગુલાબનાં ફૂલ છે, તો ક્યાંક જૂઇનાં ફૂલ છે, તો વળી ક્યાંક ચમેલીનાં તો વળી ક્યાંક કમળનાં ફૂલો પણ દેખાય છે. અહીં ક્યાંક મારા વિચારો છે તો ક્યાંક તમારા વિચારો પણ છે અને ક્યાંક બધાના વિચારો મેળવીને આ ‘‘બાગ’’ મેં સજાવ્યો છે. દરેકને અલગઅલગ ખુશ્બો ગમે છે, આ સમજી અલગઅલગ શબ્દોને અલગઅલગ રીતે શણગાર્યા છે. ક્યાંક શબ્દોને કાવ્યમાં, તો ક્યાંક  કથારૂપે, તો ક્યાંક શાયરીમાં તો વળી ક્યાંક લેખમાં સજાવ્યા છે. હું ખુશ થઇશ જો આ ખુશ્બો તમારા આત્માને સ્પર્શે અને ચહેરા પર એક મુશ્કુરાહટ આવે એ જ જોવાની મારી અભિલાષા છે.

કોઇ પણ લેખક હોય, કવિ હોય કે પછી શાયર હોય, બધા જ પોતાના વિચારોને શબ્દો દ્વારા વ્યક્ત કરવા કોશિશ કરતા હોય છે. એમાં ઘણા વિચારો બીજાના વિચારો સાથે ભળી જતા હોય એમ લાગે, પણ આવું તો દરેક માટે હોય છે. મારા માટે પણ આવું જ માનજો, કારણકે મેં પણ બીજાના વિચારો માણ્યા હોય, જાણ્યા હોય, ગમ્યા હોય અને મારા હૃદયને સ્પર્શેલ હોય અને આ વિચારો મેં મારી રીતે કલમ દ્વારા વ્યક્ત કરેલ હોય. વિચારો મારા હોય કે બીજાના હોય એનું મહત્ત્વ નથી, પણ વાંચનારને વિચારો જીવન જીવવાની, જીવન બદલાવવાની કળા બતાવતા હોય એ જ વિચાર વિચારવા જેવો છે. બાકી તો જગત વિશાળ છે અને વિશાળ જગતમાં એટલું બધું ભર્યું છે કે હું કે તમે કેટલું લઇ શકીએ અને કેટલું આપી શકીએ? 

સમુદ્રના એક બુંદ જેટલું પણ આપણે ન આપી શકીએ. આપણા બધાના વિચારોના બિંદુને ભેગા કરી ‘‘જેમ ટીપેટીપે સરોવર ભરાય’’ તેમ ટીપેટીપે સાહિત્ય સર્જાય. આમ જ મેં પણ શબ્દો ક્યાંક લેખમાં ગુંથેલ છે, ક્યાંક સુવિચારમાં તો ક્યાંક કાવ્યમાં. આપણે આનંદ એ વાતનો માનવાનો કે જગતમાં આપણે આવ્યા અને ઇશ્વરે આપણને માનવદેહ આપ્યો તો ઇશ્વરનું આપણે કઇ રીતે ૠણ ચૂકવવું? આમ શબ્દોની ગોઠવણી પણ ૠણ ચૂકવવા જેટલી મહત્ત્વ ધરાવે છે. માત્ર રૂપિયાથી જ ૠણ ચૂકાવાય એવું નથી.

મેં પણ વિચારી કલમનો સહારો લઇ મારાથી જેટલું મારા વિચારો દ્વારા સમાજને આપી શકાય એ આપવા કોશિશ કરેલ છે.

આજે આ ‘‘ગુલઝાર ભાગ-૨’’ તમારી સમક્ષ મૂકતા અત્યંત આનંદ અનુભવું છું. માળી જેમ બગીચાને પાણી પાય ને પોતાની મહેનતથી સુંદર બનાવે છે અને જ્યારે એ ગુલઝારમાં કળી ફૂલ બની ખુશ્બો આપે છે ત્યારે માળીને જે આનંદ થાય છે એ માળી જ જાણે છે. બસ, આવો જ આનંદ આજ મને થાય છે. માળીને પોતાને હાથે બનાવેલ બાગ જોઇને ખુશી થાય છે, એટલું જ નથી હોતું, બીજા
જોનારાને પણ ખુશી અને આનંદનો એહસાસ થાય છે અને આ બધું જોઇને માળી ખુશીથી ધન્યતા અનુભવે છે.

વિશેષમાં અંતે એટલું જ કહીશ કે, આ ‘‘ગુલઝાર ભાગ-૨’’ તમને ખુશ્બોથી ભરી દે એ જ આભ્યર્થના સાથે.

- લલિત ઠક્કર
(સ્વામી પ્રેમ અનુરાગી)