૧: ૯૧ - “મારી “મા”ના સંસ્કાર”

એક ગુજરાતી અને પંજાબી બે ખાસ મિત્રો હતા. એક દિવસ બંને મિત્રો સમુદ્રકિનારે ફરવા નીકળ્યા. ફરતા ફરતા બંને વચ્ચે કંઈક બોલચાલ થઈ. બોલાચાલીમાંથી બંને વચ્ચે ઝઘડો થયો. એટલે પંજાબીને ગુસ્સામાં આવીને ગુજરાતીને થપ્પડ મારી દીધી. ગુજરાતીએ આગળ ચાલતાં ચાલતાં રેતી ઉપર લખ્યું કે “મારા ખાસ મિત્રે મને થપ્પડ મારી. આથી મને બહુ જ દુઃખ થયું છે અને હું એને માફ નહીં કરું.” આગળ જતાં જતાં સમુદ્રમાં નાહવાનો વિચાર આવ્યો એટલે બંને સમુદ્રમાં નાહવા પડ્યા. ગુજરાતીને તરતાં આવડતું નો'તું એટલે જરા ઊંડુ પાણી આવતાં ગુજરાતી ડૂબવા લાગ્યો. આ જોઈને પંજાબીએ દોડીને એને પકડીને બહાર કાઢ્યો. બંને મિત્રો પાછા આગળ ચાલતા હતા ત્યાં ગુજરાતીએ એક પત્થર ઉપર લખ્યું કે “મારો મિત્ર એ ખરેખર બહુ જ લાગણી વાળો છે. એનો ઉપકાર કદી હું ભૂલીશ નહીં. જો મને એને ડૂબતા બચાવ્યો ન હોત તો હું આજ ડૂબી ગયો હોત.”

આ પંજાબીએ વાંચ્યું અને ગુજરાતીને પૂછે કે જયારે મેં થપ્પડ મારી ત્યારે તે રેતી ઉપર લખ્યું હતું અને હવે પત્થર ઉપર કેમ લખ્યું?

ત્યારે ગુજરાતીએ જવાબ આપ્યો કે મારી “મા”એ એવા સંસ્કાર આપ્યા છે કે કોઈ મારું ખરાબ કરે એ રેતી ઉપર લખવું અને કોઈ સારું કરે એને પત્થર ઉપર લખવું, કારણ કે રેતી ઉપર લખેલ હવામાં ઊડી જાય છે અને પત્થર ઉપર લખેલ રહી જાય છે.