૧: ૮૮ - “અહમ્ જાય – કામ થાય”

એક વખત એક સંત પાસે પાંચ વિદ્યાર્થી ભણવા આવ્યા. એક વર્ષ અભ્યાસ કર્યા બાદ જવાનો સમય થયો. એટલે ગુરુને વંદન કરી બધાએ કહ્યું કે ગુરુદેવ અમો તમને ગુરુદક્ષિણા આપવા માંગીએ છીએ. તમે જે માંગશો એ અમે આપશું.

પેલા સંત વિચારમાં પડી ગયા. વિચાર કરીને પહેલા શિષ્યને કીધું તું મને ગુલાબનું ફૂલ આપજે, બીજાને કીધું તું મને ગરમ ધાબળો આપજે. ત્રીજાને કીધું કે તું કલમ આપજે. ચોથાને કીધું કે તું મને કોરો કાગળ આપજે અને પાંચમાંને કીધું કે તું કંઈ પણ નકામી વસ્તુ આપજે.

પાંચે શિષ્યો બજારમાં વસ્તુ લેવા નીકળી પડ્યા. પાચમા શિષ્ય વિચાર કર્યો કે મારે તો નકામી વસ્તુ આપવી છે એટલે બજારમાં જવાની જરૂર નથી. એટલે એ ઊભો રહી ગયો. એણે જમીન ઉપરથી ધૂળ લેવાનો વિચાર કર્યો કે ધૂળની કોઈ કિંમત નથી. ચાલ એક ચપટી ધૂળ લઈને ગુરુને આપી દઉં. જયાં ધૂળ ઉપાડવા જાય છે ત્યાં ધૂળ બોલે છે. ભાઈ તું મને નકામી સમજીને ઉપાડે છે પણ હું નકામી નથી. મારી માટીમાંથી વૃક્ષને નવું જીવન મળે છે. તમારા માટે ધાન્ય પેદા કરવામાં મારો મોટો હિસ્સો છે. વરસાદમાં પહેલી સુગંધ માટીની–મારી હોય છે. માટે મને તું નકામી સમજતો નહિ. આગળ વધતાં એક ઉકરડો જુએ છે. એને વિચાર આવે છે કે ઉકરડો તો નકામો છે. લાવ એમાંથી એક ડબ્બો કચરો ભરી લઉં, જેવો કચરો ઉપાડવા જાય છે ત્યાં ઉકરડો બોલે છે કે તું મને નકામો સમજી ઉપાડતો નહીં. મારો ખાતર તરીકે ઉપયોગ થાય છે. આગળ જતાં રસ્તામાં નાના નાના ગોળ પત્થર જોયા એટલે વિચાર આવ્યો કે આ પત્થર તો સવ નકામા છે. એ જ લઈને ગુરુને આપી દઉં. પત્થર ઉપાડવા જાય છે ત્યાં પત્થર બોલે છે. ભાઈ તું અમને નકામા ન સમજ. જ્યારે તું નાનો હતો ત્યારે તારું બાળપણ અમારી સાથે ગાળેલ અને હજુ પણ તારા જેવા કેટલાય બાળકોની સાથે અમે ગેલ કરશું.

પાંચમો શિષ્ય ગભરાણો કે દુનિયામાં નકામું કંઈ મળતું નથી. બીજે દિવસે ગુરુના પગમાં પડીને કહે છે કે ગુરુદેવ બધે ફરી આવ્યો પણ નકામું કંઈ મળ્યું નહિ. સાંભળ ભાઈ દુનિયામાં નકામું કંઈ નથી. નકામું છે તો માણસનો અહંકાર. જે એની પાસે જ છે. તું તારી જાતને જો કે તારામાં કેટલો અહંકાર છે, કારણ કે તારામાં જ્ઞાન ઘણું છે પણ એટલો જ મોટો અહંકાર છે. આથી જ તારા ભલા માટે મેં તને શિખામણ મળે એ માટે તને નકામી વસ્તુ લાવવા કહ્યું અને જેને મેં ફૂલ લાવવા કહ્યું હતું એ શિષ્ય ફૂલ જેવો કોમળ અને બીજાને ઉપયોગી થાય તેવો હતો એટલે ફૂલ લઈ આવવા કહેલ.

બીજાને મેં ગરમ ધાબળો લઈ આવવા કહ્યું. એ બીજો શિષ્ય બીજાને હૂંફ આપવાની આવડતવાળો હતો. એટલે એને ધાબળો લઈ આવવા કહ્યું.

ત્રીજાને કલમ લાવવા કહ્યું, કારણ કે તેનામાં લેખનશક્તિ અજોડ હતી.

ચોથાને મેં કાગળ લઈ આવવા કહ્યું, કારણ કે બાળક જેવો નિર્દોષ કોરા કાગળ જેવો હતો અને મેં તને નકામી વસ્તુ લાવવા કહ્યું, કારણ કે તું નકામા એવા અહંકારથી ભરેલ હતો.

બસ જિંદગીમાં નકામું હોય તો એ અહંકાર છે. અહંકાર જાય આત્માનું કલ્યાણ થઈ જાય.