માનવી છોડીને બધા પશુ-પક્ષીની કામવાસના વિશેષ ઋતુમાં જાગ્રત થાય છે. માત્ર માનવી એક એવું પ્રાણી છે જેની કામવાસના આખું વર્ષ જાગ્રત રહે છે. માનવીની કામપીડા માનસિક છે અને આથી જ આપણા જીવનમાં વિકૃતિ આવે છે. આપણને પોતાને જ નથી ખબર પડતી કે આપણી કામવાસના સ્વાભાવિક છે કે જૈવિક (Biological) છે કે માનસિક છે. આપણે જૈવિક કામવાસનાને ઓળખી જ નથી, કારણ કે એ જાગે એ પહેલાં માનસિક કામવાસના જાગી ગઈ હોય છે. આજના સસ્તા સાહિત્ય ટી.વી., સિનેમા, જાહેરાત, પોષાક વગેરે જોઈને ચૌદ વર્ષ પહેલાં જ કામાતુરતા જાગ્રત થઈ ગઈ હોય છે. કામાતુરતા એવી મગજ ઉપર સવાર થઈ ગઈ હોય છે કે જિંદગીભર પીછો છોડતી નથી. આપણી જૈવિક વાસનાનું ભાન થાય એ પહેલાં માનસિક કામાતુરતાએ કબજો લઈ લીધો હોય છે. એવી ઘટના ઘટે છે કે માણસની માનસિક કામાતુરતા તૃપ્ત થતી જ નથી. અસલી ભૂખ તૃપ્ત થાય. જૂઠી ભૂખ તૃપ્ત થઈ શકે નહિ.
પછી પક્ષી વાસનામાં જીવે છે પણ તે એવા તનાવગ્રસ્ત નહીં દેખાય જેટલાં આપણે દેખાઈએ છીએ, કારણ કે તેના માટે કામાતુરતા એક જરૂરિયાત છે. જે પૂરી થતાં જ નિર્દોષ બાળકની જેમ વર્તવા લાગે છે. ગાયની આંખમાં જોશો તો એક સરળતા અને નિર્દોષતા દેખાશે. જે કોઈ સંતમાં દેખાતી હોય તેવી અને જયારે આજના સામાન્ય માણસમાં ગમે ત્યારે નજર કરો તો કામની લોલુપતા જ દેખાશે.