૧: ૮૧ - “આજનો યુવાન”

દીકરો મોટો થયો એટલે એક પતિ-પત્ની ભેગા બેસી એના વિશે વિચાર કરતા હતા. આપણો લાડીલો મોટો થઈને શું થશે? પત્નીએ પતિને કહ્યું કે તમે ચકાસી તો જુઓ. એને શેમાં રસ છે? તો આપણે એને એ લાઈનમાં મૂકીએ. પતિએ પત્ની સલાહ માની એક દિવસ વિચાર આવ્યો કે ચાલ આ છોકરાની રૂમમાં બાયબલ મૂકું, જો એ બાયબલ વાંચવામાં રસ લેશે તો ધાર્મિક થશે અને બીજી વસ્તુમાં રૂપિયા ૧૦OO- ની એક નોટ મૂકું તો નોટ ઉપાડશે. તો સમજવાનું કે એ વેપારી થશે અને એક દારૂની બોટલ મૂકું. જો બોટલ ઉપાડશે તો દારૂડિયો થઈ જશે.

છોકરો બહારથી આવ્યો એ પહેલાં પિતાએ તેના રૂમમાં બાયબલ, દારૂ અને ૧OOO/- ની નોટ એક ટેબલ ઉપર મૂકી. પોતે બાજુના રૂમના દરવાજાની તડમાંથી જોવા માટે ઊભો રહ્યો. એવામાં દીકરો પોતાના રૂમમાં આવે છે. ૧૦૦૦/- ની નોટ ટેબલ ઉપર જોઈ એટલે તેને નોટ ખિસ્સામાં મૂકી. બાયબલને બગલમાં મૂક્યું અને શરાબની બોટલ જોઈ મોઢે મૂકીને ગટગટાવી ગયો. પછી આરામખુરશી ઉપર બેસી T.V. જોવા લાગ્યો. બાપ બિચારો જોઈને વિચારમાં પડી ગયો. આ દીકરો શું કરશે એ નક્કી ન કરી શક્યો. બીજે દિવસે પત્નીએ પૂછ્યું કે તમે દીકરાની કંઈ પરીક્ષા કરી કે નહીં તેને એમાં રસ છે? પતિ બોલ્યો મેં પરીક્ષા કરી પણ મને કઈ સમજમાં આવતું નથી કે દીકરાને શેમાં રસ છે. આખી વાત પતિએ પત્નીને કરી પત્ની કહે છે, એમાં શું વિચાર કરવાનો. એ એક “મહા પોલિટિશીયન થશે.” પત્ની સમજી ગઈ એ પતિ ન સમજી શક્યો. આજના યુગની આ એક દુઃખદાયક કહાની છે.