ભૂલો પડી ભગવાન એકદિ તું આવજે
જોઈ દશા અમારી કાંઈક રસ્તો બતાવજે..
- કપડાં બદલી સાધુ થયો
સાધુતા જીવનમાં આવી નહીં,
પોશાક તારો પહેરી કામ અમારું કર્યું
શરમ આવે છે પણ હવે શું કામનું...ભૂલો
- ઘરઘર ફરી ગોચરીએ ગયો
સાધુની ગરિમા જાળવી નહીં
ભવકટી માટે બહુ ભમ્યો
સાચું જ્ઞાન પામ્યો નહિ. ભૂલો
- લોચ કરી કરી લાંબો થયો
લોભ છોડી શક્યો નહિ
નકલ તારી બહુ કરી પ્રભુ
પણ અક્કલ સાચી આવી નહીં.. ભૂલો
- વિહાર કરી કરી વાંકો વળ્યો
વાસનાઓ છોડી શક્યો નહિ
બીજાને છોડવા રીઝવીયા
હું કાંઈ છોડી શક્યો નહિ. ભૂલો
- વ્યાખ્યાન આપી આપી બહુ વરસ્યો
સાંભળનાર તો ભીંજાયા હું કોરો ને કોરો રહ્યો
ન જાણે હવા કેવી પ્રભુ જમાનાની
બન્યો સાધુ પણ સંસાર છૂટ્યો નહિ...ભૂલો
- પૈસા કરી મધલાળમાં હું ફસાયો
બહારથી ન દેખાય એવા પાપમાં પડ્યો કીર્તિ કેરી આગમાં હું હોમાયો
પાછો ફરી જોવાનો વારો ન આવ્યો. ભૂલો
- આયખાના અંધારા ઓળા ઉતરીઆ
પડે સાંજ પહેલાં પાર ઉતારો
મળે નહી કિનારો સંસારસાગર કેરો
માજી બની પ્રભુસંસાર પાર ઉતારો...ભૂલો
‘સાધુવ્યથા’ આ કાવ્યના શબ્દો જે સાધુઓને લાગુ પડતું ન હોય તેઓને મારા તરફથી મચ્છામિ દુક્કડમ્. બાકી જેને આમાંના કોઈપણ શબ્દો અસર કરતા હોય તેઓ માટે
“આ વિપુલ ઝરણું વર્ધમાને મોકલ્યું
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.”
આ પંક્તિ કદાચ જીવનનો રાહ બદલાવી દે.