પ્રભુ ગોતતો હતો તને ગગનની ગહેરાઈમાં
મળી ગયો તું તો વરસતા વરસાદની ધારમાં
દેખાય છે તું તો બાળકના આંગળીના ટેરવા પર
જ્યારે ફરે છે એ “મા”ના ગુલાબી ગાલો પર
વાછરડાને જોઈ ધાવતાં ને માથું મારતાં થાનને
જાણે તે તો કરી કમાલ માને આપી આંચળ કેરા દાનને
પુષ્પોની સુગંધ માણતાં, જાણે આત્મા સંતોષાય છે
જાણે તારી જ ખુશબોથી, વિશ્વ આખું લહેરાય છે.
ટહુકો સાંભળી કોયલ કેરો દોડું છું જોવા એને
હાથતાળી આપી છોડી જાય છાપ તારી લાગે એવું મને
જોઈ કોઈ યુવાનને પિતાનો હાથ પકડી બેઠો મંદિર મહીં
જાણે લાગે, રામ બેઠો દશરથનો હાથ પકડી દરબાર મહીં
ગગનમહીં અંધારી રાતમાં ચમકતા તારલા જોઈને
કે તું જ જાણે ચમકે છે (વિધવાના કપાળમાં ચાંદલો બનીને)
કળા મોર તણી જોઈ, ફફળાટ ચકલી તણો માણતા
કોણ કરે છે આ બધા જાદુ પૂરી રંગ પંખીઓની પાંખમાં
રેતી કેરી ડમરી, જાણે કોઈ કરતી નર્તકી નૃત્ય આસમાને
ફરી પાછી ફરતી એ પાથરતી સાજ સાજન કાજે
બસ નથી પૂછવું હવે ક્યાં સ્થાન છે તારું અહીં
તું તો રહે છે, રમે છે, અસ્તિત્વના કણેકણ મહીં.