૧: ૭૨ - “સ્મશાન એ જ મંદિર”

ઘણાં વર્ષો પૂર્વે મને એક વિચાર આવ્યો હતો કે મંદિર માટે, ઉપાશ્રય માટે, દેવળ માટે, મસ્જિદ માટે લખલૂટ રૂપિયા આપણે દાન આપીએ છીએ. તો સ્મશાન માટે કેમ કોઈ આટલા રૂપિયા આપતા નથી ! સ્મશાન તો ગામમાં એક હોય, મંદિર, મસ્જિદ, ગુરુવાર, ચર્ચ વગેરે તો ઘણા હોય. માટે જો સ્મશાન માટે થોડા ઘણા માણસો દાનમાં રૂપિયા આપવા તૈયાર થાય તો પણ સુંદર મઝાનું સ્મશાન થઈ જાય.

મને આવેલ આ વિચારને મેં મારા બગીચામાં આવતા બીજા બધા મિત્રોને કહી. મારી વાત સાંભળી બધા હસ્યા પણ એ લોકોનું હાસ્ય શમ્યું એટલે મેં કહ્યું કે આખર જયાં આપણે જવાનું છે એ જગ્યાને જીવતા જોઈ લઈએ કે એ કેટલી સુંદર છે, જેથી આખરે આપણે આવીએ ત્યારે ચિંતા ન થાય.

આમ પણ આપણે જીવતાં હોઈએ છીએ ત્યારે એવાં કયાં સુખ માણીએ છીએ. ભલે લાખોના ખર્ચે ઇન્ટીરીઅર કરેલ બંગલો હોય કે ફલેટ હોય. લાખો રૂપિયાની ગાડી હોય પણ બધામાં શાંતિની ઝલક કેટલી?

યુવાનીમાંથી દાદા-દાદી સુધી પહોંચતાં ન જાણે કેટલી આધિવ્યધિમાંથી પસાર થઈએ છીએ પણ સંસારમાં ઘરનો રાગ છૂટતો નથી. પણ મોત આવે છે ત્યારે નાછૂટકે રાગ છોડવો પડે છે. મારી વાતમાં મિત્રોને થોડો રસ પડવા લાગ્યો. એટલે મેં પ્રસ્તાવ મૂક્યો કે આપણા ગામમાં એક એવું સુંદર સ્મશાન બનાવીએ કે લોકોને જોઈને મરવાનું મન થઈ જાય. જોકે મરવાનું મન મહાત્માઓને પણ થતું નથી.

મેં પ્રસ્તાવ મૂક્યો કે આ સ્મશાન માટેનો ફાળો કરવાનું આજથી શરૂ કરીએ. હું મારા પચાસ હજાર લખાવું છું. મેં આટલું કીધું ત્યાં બાજુમાં બેઠેલ મારા મિત્રે તુરત તેના પચાસહજાર લખાવ્યા. જોતજોતામાં બધા મિત્રોએ યથાશક્તિ ફાળામાં લખાવ્યા. એક મિત્ર તો તુરંત બોલ્યો કે આપણે સ્મશાનના નામ માત્રથી ડર અનુભવીએ છીએ. પણ સ્મશાન એ તો જીવન માટે એક સંદેશ છે. જિંદગીનો ધર્મ સમજાવે છે. મંદિર અને મસ્જિદ કે ચર્ચ જે ઉપદેશ નથી આપી શકતા એ સ્મશાન આપી શકે છે. બુદ્ધ પોતાના શિષ્યોને ત્રણ મહિના સ્મશાનમાં મોકલતા અને કહેતા કે જો જો માણસ જે શરીરનો આટલો મોહ રાખે છે એ શરીરની અંતિમ દશા રાખ થઈને રહી જાય છે. ત્રણ મહિના પૂરા થતાં થતાં આ સંન્યાસી સાચો સંન્યાસી બની જાય છે. જે સંદેશ ધર્મગુરુઓને સમજાવતાં વાર લાગે છે એ સ્મશાન સેકન્ડમાં સમજાવી જાય છે. બધા મિત્રોના સહકાર માટે આભાર માની છૂટા પડ્યા. આમાંના ઘણા મિત્ર આજે સ્મશાનની રાખમાં ભળી ગયા પણ તેમની યાદ સદાને માટે મૂકતા ગયા.