૧: ૬૮ - “અહંકાર” “શ્રીનાથ અને જગન્નાથ

શ્રીનાથ અને જગન્નાથ બે ખાસ મિત્રો હતા. એક મહાન શિલ્પી અને બીજો મહાન જ્યોતિષ. શ્રીનાથ એવો શિલ્પી કે એનો જોટો મળે નહિ. એ જે મૂર્તિ બનાવે એ આબેહૂબ બનાવે. સાચા અને ખોટાની ઓળખ ન કરી શકાય. જ્યારે જગન્નાથ એવો જ્યોતિષી કે એ જે જયોતિષ ભાખે એમાં મીનમેખ ન થાય.

એક દિવસની વાત છે. બન્ને મિત્રો સાથે ફરવા નીકળ્યા. ત્યારે શ્રીનાથને વિચાર આવ્યો કે મારો મિત્ર મોટો જ્યોતિષી છે. એને પૂછી જોઉં કે મારું મૃત્યુ ક્યારે થશે. શ્રીનાથે પેલા જગન્નાથને પૂછ્યું કે મિત્ર તું મોટો જયોતિષી છે. મને બતાવ કે મારું મૃત્યુ ક્યારે થશે. જગન્નાથે કીધું કે તારું મૃત્યુ આજથી ૩૦મા દિવસે રાત્રિના ૧૨ વાગે થશે. આ સાંભળી શ્રીનાથ બહુ દુઃખી થઈ ગયો. બંને મિત્રો છૂટા પડ્યા. શ્રીનાથે મનમાં નક્કી કર્યું કે હું એવી મારી મૂર્તિ બનાવીશ કે સાચો શ્રીનાથ હું છું કે મૂર્તિ એ કોઈ કહી ન શકે. ર૯મા દિવસે શ્રીનાથે એવી મૂર્તિ બનાવીને ૩૦મા દિવસે બાજુમાં ચાદર ઓઢાડી સૂઈ ગયો. રાત્રિના ૧૨ વાગ્યા એટલે યમરાજનો દૂત એને લેવા આવ્યો. દૂતે મોઢા ઉપરથી ચાદર ખસેડી તો બન્ને સરખા દેખાણા. એ મૂંઝવણમાં મુકાયો. બન્ને સરખા. આમાં સાચો કોણ શ્રીનાથ અને ખોટો કોણ ! એ યમરાજ પાસે પાછો ગયો. યમરાજને કહે છે કે બે સરખા શ્રીનાથ છે. એમાં સાચો કોણ અને ખોટો કોણ ખબર પડતી નથી.

યમરાજ કહે છે, ભલે ચાલ હું જ જઈને સાચા-ખોટાની પરખ કરીશ.

યમરાજ આવીને જૂએ છે તો બન્ને સરખા શ્રીનાથ સૂતા છે. યમરાજને બે ઘડી વિચાર થયો કે આમાથી કોને ઉપાડવો પણ યમરાજ એટલે યમરાજ.

યમરાજ મોટા અવાજે બોલ્યા, શ્રીનાથ, તું મહાન શિલ્પી છો. એમાં બેમત નથી પણ તે જે મૂર્તિ બનાવી છે એમાં એક નાની ભૂલ કરી છે. તારી મૂર્તિમાં એક ખામી રહી ગઈ છે. આટલું સાંભળતાં જ પેલો સાચો શ્રીનાથ ઊભો થઈ ગયો. એ તો બોલ્યો, એવું બને જ નહિ. મારી ભૂલ થાય જ નહીં. બસ તારી આ જ મોટામાં મોટી ભૂલ. મને ખબર હતી કે તું બહુ જ અહંકારી છો. ભૂલ કહેતાં જ તું ઊભો થઈ જશે. ચાલ, તારો સમય પૂરો થઈ ગયો છે. ૧૨ના ટકોરા વાગ્યાને શ્રીનાથની વિદાય થઈ.

અહંકાર આજના માનવીની મોટામાં મોટી નબળાઈ છે.”