૧: ૬૬ - કથાઃ “તારી ચાલ ઉપરથી કહી શકાય”

એક યુવાન એક ગામથી બીજે ગામ જતો હતો. ગામ આવ્યું નહીં એટલે એણે ઝાડ નીચે એક સંત બેઠેલા એને પૂછ્યું, ભાઈ મારે મલકાપુર જવું છે. મલકાપુર પહોંચતાં મને કેટલો સમય લાગશે?

પેલા સંત કંઈ બોલ્યા નહિ એટલે યુવાને ફરી પૂછ્યું કે ભાઈ મારે મલકાપુર જવું છે. કેટલો સમય લાગશે? સંતે કંઈ પ્રત્યુત્તર આપ્યો નહિ. ફરી યુવાને ત્રીજીવાર પૂછ્યું, ભાઈ તમે સાંભળો છો કે હું પૂછું છું કે મારે મલકાપુર જવું છે. હવે અહીંથી કેટલો સમય લાગશે? સંતે જવાબ ન આપ્યો એટલે યુવાનને વિચાર થયો કે આ માણસ સાંભળતો નહિ હોય એટલે જવાબ નથી આપતો. ચાલ આગળ બીજા કોઈને પૂછી લઈશ. આટલું વિચારીને યુવાન ચાલવા લાગ્યો. જયાં આઠ-દશ ડગલાં ભર્યા ત્યાં પેલા સંતે યુવાનને બૂમ મારી. અહીં આવ. તારા સવાલનો જવાબ હવે તને આપું. યુવાન કહે છે કે ભલા માણસ મેં તમને ત્રણ ત્રણવાર પૂછ્યું પણ તમે જવાબ આપ્યો નહિ અને હું જ્યારે ચાલવા લાગ્યો ત્યારે જવાબ આપવા પાછો બોલાવ્યો. ત્યારે સંત કહે છે કે ભાઈ તું જ્યાં સુધી ચાલે નહીં ત્યાં સુધી હું કેમ કહી શકું કે તું ક્યારે પહોંચશે. તારી ચાલ જોયા વગર હું કહી ન શકું તને કેટલો સમય લાગશે. તું હવે એક કલાકમાં મલકાપુર પહોંચી જઈશ.

બસ આપણે પણ મોક્ષે જવું છે. આપણા પુરુષાર્થની ચાલ ઉપર જ ગુરુભગવંત કહી શકે કે ક્યારે પહોંચશું.