એક વખત એક ફકીર રાજમહેલ આગળ ઊભો રહી બૂમ પાડતો હતો કે ધર્મશાળાનો દરવાજો ખોલો. કોઈ આ ધર્મશાળાનો દરવાજો ખોલો. આ સાંભળી અંદરથી સંત્રી આવ્યો, ફકીરને કહે છે કે ભાઈ આ કોઈ ધર્મશાળા નથી. આ તો રાજાનો મહેલ છે.
ફકીર પોતાની વાતમાં ટસના મસ ન થયો. એ પોતાની વાતમાં અડગ હતો. તેણે સંત્રીને કીધું કે હું બરાબર જાણું છું કે આ રાજમહેલ નથી પણ એક ધર્મશાળા જ છે. બંને વચ્ચે મોટો વાદવિવાદ ચાલતો હતો. એ રાજકુમાર દૂરથી સાંભળતો હતો. રાજકુમારે સંત્રીને હુકમ કર્યો કે ફકીરને અંદર આવવા દે.
ફકીર રાજકુમાર આગળ આવ્યો એટલે રાજકુમારે કીધું, ભાઈ, આ મારો મહેલ છે. આ કોઈ ધર્મશાળા નથી કે જ્યાં તું ઉતરવા માંગે છે.
ફકીર કહે છે કે, ભાઈ, હું આમ તો બુટ્ટો થઈ ગયો છું. પણ એક વાત મને યાદ છે કે જ્યારે હું તારી જેમ યુવાન હતો ત્યારે આ મહેલમાં આવેલ. ત્યારે એક જાડા સરખો બુદ્ધો માણસ આ ગાદી ઉપર બેઠેલ મેં જોયો હતો. તે બુઢો માણસ ક્યાં છે? એ મારા દાદા હતા. એનો સ્વર્ગવાસ થઈ ગયો. હું જ્યારે પચાસેક વર્ષનો હતો ત્યારે આવેલ. ત્યારે અહીં એક દુબળો પતલો દાઢીવાળો માણસ બેસતો હતો તે કોણ હતો ? રાજકુમાર બોલ્યો કે એ મારા પિતાજી હતા. તેઓનો હમણાં જ દેહાંત થયેલ છે. તો હવે તું પણ સાંભળ. હવે જયારે ફરી કદાચ હું પાછો આવીશ ત્યારે તું પણ આ ગાદી ઉપર હશે કે તારો પુત્ર હશે એ તો અલ્લા જાણે ! પણ એક વાત ચોક્કસ છે કે આ ગાદી ઉપર પચાસ-સાંઠ વર્ષમાં કોઈ ને કોઈ આવે છે અને જૂના જતા રહે છે. રહેવું અને જવું એ થોડા સમયનો મામલો છે. તું પણ સમયની સાથે વિદાય થઈશ. રહી સમયની વાત. જેમ ધર્મશાળામાં કોઈ થોડા સમયમાં ખાલી કરી જતું રહે છે તેમ અહીં થોડો વધારે સમય રોકાય તે જાય છે. માત્ર સમયનો ફર્ક છે. એટલે મહેલ પણ એક ધર્મશાળા જ છે. આ વાત જ્યાં પૂરી સાંભળી. રાજા મહેલની અંદર જાય છે અને પોતાના શયનખંડમાં રાજકુમારના વસ્ત્રો બદલી સાધુના વસ્ત્ર ધારણ કરી બહાર નીકળે છે અને ફકીરની સાથે નીકળી પડે છે. એને સમજાઈ ગયું કે જેને હું મહેલ સમજતો હતો એ પણ આખર એક ધર્મશાળાથી વિશેષ નથી. કહેવાય છે કે ઈસ્લામમાં આ રાજા એક મોટો ફકીર થઈ ગયો. આજે પણ લોકો તેને યાદ કરે છે.