જયારે આપણે કોઈપણ તપ કરીએ છીએ ત્યારે “તપ” પહેલાં ફાયદા શું થાય છે? એ પહેલા જોઈએ છીએ. ધારો કે કોઈ સંત આપણને કહે કે તપથી કોઈ ફાયદો થતો નથી પણ શરીર માટે તપ સારું તો આપણે કેટલાં તપ કરીએ? ના તો આપણે તપમાં રસ ન લઈએ. ફળ પહેલાં નક્કી હોય તો જ આપણે એમાં ઇચ્છા કરીએ. આ આપણી મનોદશા છે. મહાવીર ઉપરની આ શ્રદ્ધાને શું કહેશો? નહીં, ક્યાંય આપણી બુનિયાદી ભૂલ થઈ ગઈ છે. મહાવીરના શબ્દોનો મર્મ અંદરથી જાણ્યો નથી. આપણને ખરેખર શબ્દો ઉપર શ્રદ્ધા નથી. આપણે મહાવીરના શબ્દોને કાં તો નરકના ડરથી, મૃત્યુના ડરથી અથવા તો આપણે કરેલ કુકૃત્યના પ્રાયશ્ચિત્ત રૂપ કરતા હોઈએ છીએ. નહીં કે ભગવાન મહાવીર પરની અડગ શ્રદ્ધાથી. જ્યારે સાચી શ્રદ્ધા હોય છે ત્યારે આપણો રાહ બદલાઈ જાય છે.
એક વખત એક સંતના વ્યાખ્યાનમાં એક યુવાને તપનું મહત્ત્વ સાંભળ્યું. સંતે કહ્યું કે તપ એ કર્મની નિર્જરા છે અને એટલે પારણાંમાં પોતાની મહેનતના ન્યાય અને નીતિથી કમાયેલ રૂપિયાથી જે મળેલ હોય એ પૈસાથી જ પારણું થાય અને એનો લાભ અનેરો હોય છે.
આ યુવાને એક વખત આઠમ કર્યો. પારણાં માટે ખિસ્સામાં રૂપિયા નહીં એટલે ફરતા ફરતા નદીકિનારે જઈને બેસે છે એવે વખતે નદીના પાણીમાં નાળિયેર તરતું આવતું જોયું. નાળિયેર તોડીને નાળિયેરનું પાણી પીને પારણું કર્યું. પાણી પીધા પછી થયું કે આ નાળિયેર તો મારું નથી. આ બીજાના નાળિયેરથી મારે પારણું ન થાય. ચાલ, આગળ જઈને જોઉં કે આ કોનું નાળિયેર છે? એટલે યુવાન નદીના કિનારે કિનારે જોતો જોતો જાય છે ત્યાં તેને એક નાળિયેરનું ઝાડ જોયું. ઝાડની બાજુમાં એક ભાઈ ઊભો હતો. એને પૂછ્યું કે ભાઈ આ ઝાડનો માલિક કોણ છે? પેલાએ જવાબ આપ્યો કે હું જ આ ઝાડનો માલિક છું. તારે શું કામ છે? ભાઈ વાત એમ છે કે મારા ગુરુએ શિખામણ આપી છે કે કોઈની વસ્તુ ઉપર આપણો અધિકાર નથી અને જેની વસ્તુ હોય તેની કિંમત ચૂકવ્યા વિના ઉપયોગ ન કરવો. મેં તમારું નાળિયેર લીધું અને મારા ત્રણ દિવસના ઉપવાસનું પારણું એ નાળિયેરનું પાણી પીને કર્યું પણ નાળિયેરની કિંમત ચૂકવવા માટે મારી પાસે રૂપિયા નથી એટલે ઋણ ચૂકવવા માટે તમે જે કહેશો તે કામ કરીને તમારું ઋણ ચૂકવીશ.
ઝાડના માલિકે કીધું કે હજુ વિચાર કરી લે જે હું કહીશ તે કરીશ?
યુવાન બોલ્યો હું વચનબદ્ધ છું. બોલો તમારે મારી પાસે શું કામ કરાવવું છે?
મારી પુત્રી સાથે લગ્ન કરે તો તારું ઋણ ચૂકતે. યુવાન વિચાર કરે છે કે આ પુરસ્કાર કે પ્રાયશ્ચિત્ત?
પેલો માણસ કહે છે કે પહેલાં એક વાત સાંભળ. મારી પુત્રી ક્યારેક સાંભળે છે અને ક્યારેક નથી સાંભળતી. ક્યારેક એને દેખાય છે અને ક્યારેક નથી દેખાતું. ક્યારેક બોલે છે અને ક્યારેક નથી બોલતી. ક્યારેક ચાલે છે અને ક્યારેક નથી ચાલતી. બોલ હવે તારો શું વિચાર છે? યુવાને કીધું કે હું વચનબદ્ધ છું.
યુવાન જવાબ સાંભળી પેલા માણસે પોતાની પુત્રીને બોલાવી. યુવતી જોઈને યુવાન તો મુગ્ધ થઈ ગયો. અપ્સરા જેવી યુવતીને જોઈને માલિકને કહે છે કે તમારી પુત્રી તો સર્વસંપન્ન દેખાય છે. ક્યાંય તલભર ખામી નથી તો તમે મને ખોટું કેમ કીધું?
તો હવે સાંભળ મારી પુત્રી
જ્યાં સંતવાણી હોય ત્યાં સાંભળે
જયાં નિંદા થતી હોય ત્યાં નથી સાંભળતી
જ્યાં જોવા જેવું લાગે ત્યાં જ જુએ છે
જ્યાં ન જોવા જેવું હોય ત્યાં આંખ બંધ કરી દે છે.
જયાં બોલવા જેવું (સત્ય) લાગે છે ત્યાં જ બોલે છે "
જ્યાં નહીં બોલવા જેવું લાગે (અસત્ય) ત્યાં ચૂપ રહે છે.
સારા કામ કરવા દોડે છે.
ખરાબ કામ માટે લંગડી થઈ જાય છે.
- હિતમાં દોડે અહિતમાં લંગડી થઈ જાય છે.
સત્ય બોલે છે અસત્યમાં મૂંગી થઈ જાય છે.
- બીજાની ખૂબી સાંભળે બીજાની ખામીમાં મૂંગી થઈ જાય છે.
- જોવા જેવું જુએ ન જોવા જેવું લાગે ત્યારે આંધળી થઈ જાય.
આટલું સાંભળી યુવકે કીધું કે તમારી પુત્રીમાં આટલા બધા ગુણ છે તો પછી મારા જેવા સામાન્ય ગરીબ અસંસ્કારી યુવાનને તમે કેમ તમારી પુત્રી પરણાવવા માંગો છો.
સાંભળ આજ-કાલ તારા જેવા સંસ્કારી યુવાન ક્યાં દેખાય છે? જે વ્યક્તિ નાળિયેરની કિંમત ચૂકવવા માટે આટલે સુધી આવીને પોતાના ગુરુનું વચન પાળવા કટિબદ્ધ થતો હોય તેના જેવો યુવાન આ યુગમાં ક્યાં મળે? બધા દરરોજ નાળિયેર ભગવાનને ચડાવે છે પણ બધા સ્વાર્થ માટે જ. ૨૫ રૂપિયાનું નાળિયેર ચડાવી ભગવાન આગળ ૨૫ હજાર માંગે છે. તારા જેવા નિઃસ્વાર્થ યુવાનને મારી દીકરી સોંપી હું ધન્યતા અનુભવું છું. લે આ મારી દીકરીનો હાથ આજ તને તારા હાથમાં આપું છું. સાથે સાથે આ બધી મિલ્કત પણ તને આપું છું. જુઓ જે શ્રદ્ધાપૂર્વક સંતના શબ્દોનું પાલન કરે છે એ સુખી થાય છે. યુવાન યુવતીનો હાથ પકડી નદીના કિનારે જાય છે ત્યારે પંખીઓએ ગીત ગાયાં, મોરલાએ ટહુકો કર્યો અને ફૂલોએ સુગંધ પ્રસરાવી અને નદીના ખળખળ વહેતા પાણીએ સ્વાગત કર્યું.