૧: ૪૬ - “ખરાબ દેખાતામાં પણ ગુણ હોય છે”

એક ખેડૂત હંમેશાં કાવડ લઈને ખેતરે જતો. કાવડમાં બે ઘડા પાણીના હોય. એક ઘડામાં નાનું કાણું. આથી ખેતરે પહોંચે ત્યાં સુધીમાં માટલું ખાલી થઈ જાય. કાણાવાળા માટલાને એક દિવસ વિચાર આવ્યો કે, ચાલ આ ખેડૂતને પૂછી જોઉં કે તું ખેતરે પહોંચે છે. ત્યાં સુધીમાં મારામાં ભરેલ પાણી તો કાણા વાટે ખલાસ થઈ જાય છે. તો નાહકનો મને ભરીને શા માટે ભાર ઊંચકે છે. જેટલું પાણી તને જોઈએ છે એટલું તો એક માટલું ભરીને લઈ આવે તો પણ ચાલે એમ છે.

બસ એક દિવસ હિંમત કરી માટલાએ ખેડૂતને પૂછ્યું કે, ભાઈ હું તને કંઈ કામ આવતું નથી તો પણ તું મને ભરીને આ કાવડમાં દરરોજ મારો ભાર ઉપાડીને ખેતરે શા માટે લઈ આવે છે. તું ખેતરે પહોંચે છે ત્યાં મારા ઘડાનું પાણી તો રસ્તાની કિનારે બધું ઢોળાઈ જાય છે.

ત્યારે ખેડૂત કહે છે કે તને ખબર નથી. મેં રસ્તાના કિનારે નાનાનાના ગુલાબના છોડ વાવ્યા છે અને હું જયારે ત્યાંથી પસાર થાઉં છું ત્યારે તારા ઘડાના નાના નાના કાણામાંથી બધાને થોડું થોડું દરરોજ પાણી મળે છે અને આજ છોડમાં એક દિવસ ગુલાબનાં ફૂલ ઉગશે અને ફૂલ મારે ભગવાનને ચડાવવાનાં છે. માટે તું જે કામ કરે છે એ મારું સારું માટલું નથી કરી શકતું. માટલું ચૂપ રહ્યું. ખેડૂતની ભાવના કેવી ઊંચી હતી. આ દૃષ્ટાંત એટલા માટે છે કે દરેક વસ્તુને કિંમત હોય છે. વસ્તુ સારી હોય કે નરસી પણ કંઈક ને કંઈક એની કિંમત હોય છે. માણસ ગમે તેટલો ખરાબ હોય પણ કોઈક ગુણ સારા પણ હોય છે.