સત્તા, સંપત્તિ અને જ્ઞાન ત્રણે અહંકારની માતા છે. આ ત્રણેય અહંકારને જન્મ આપે છે. આ ત્રણેય ઉપર વિજય જે મેળવે છે એ સાધુમાંથી સંત બને છે. સંત બનવું એ એક મોટી પ્રક્રિયા છે. ખાણમાંથી હીરો નીકળે ત્યારે પત્થર જેવો હોય છે પણ જયારે પત્થરને ઘસીને તેના પાસા પાડવામાં આવે છે ત્યારે હીરાનું સાચું રૂપ દેખાય છે. આમ, સંત એ સાચા હીરા જેવા છે. સાચા સંત જ્ઞાન, સત્તા, સંપત્તિનાં પડ ઉખેડીને ફેંકી દે છે. બાકી તો નાટકના કલાકારની જેમ નાટક માત્ર કરે છે. નાટકનો કલાકાર જેમ જાણે છે કે હું કૃષ્ણનું પાત્ર ભજવું છું પણ હું કૃષ્ણ નથી. આમ જ જે લોકો સત્તા, સંપત્તિ અને જ્ઞાનના અહંકારમાં છે એ બધા આવા કલાકાર જ છે. સાચા સંત થવા માટે તો જ્ઞાન, સંપત્તિ અને સત્તાને ગળે ઉતારી નિરહંકારી બને છે ત્યારે સાધુમાંથી સંતનો જન્મ થાય છે. આ ત્રણે વિષ જેવા છે અને આ ત્રણેયને ગળે ઉતારનાર જ ખરો નીલકંઠ બને છે. આપણે પણ જીવન નીલકંઠ જેવું બનાવીએ. બાકી બધા પ્રયત્નો તો આપણે આપણા જ આત્માને છેતરવા જેવા છે. બીજાને આપણે ભલે સારા લાગીએ પણ આપણી જાતને જોઈને આપણે જ નફરત ન થાય અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ કહી શકાય – “ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા.”