આ સનેડો શબ્દ આપણને લગ્નગીતોમાં બહુ જ સાંભળવા મળે છે. “સનેડો”નો અર્થ સ્નેહ, પ્રેમ વગેરે વગેરે થાય છે. લગ્નગીતમાં વરપક્ષવાળા વરના પિતા-માતા, ભાઈ-બેન, દાદા-દાદી વગેરેના વખાણ કરવા માટે ‘સનેડો’ શબ્દનો ઉપયોગ કરે છે. સનેડો એક નિર્દોષ સ્નેહની અભિવ્યક્તિ માટે છે. મેં આ જ રીતે એ સનેડાનો ઉપયોગ પ્રભુ ઉપર સ્નેહ દર્શાવવા કરેલ છે. આપણે માનીએ છીએ કે ઈશ્વર આકાશમાં બેઠોબેઠો જગતના લોકોનું ધ્યાન રાખે છે. હિન્દુ માને છે કે કૃષ્ણ વાંસળી વગાડતો વગાડતો ઉપરથી ભક્તોનું ધ્યાન રાખે છે. તો જૈનો માનતા હોય કે મહાવીર મોક્ષમાં ધ્યાન અવસ્થામાં બેઠા બેઠા ધ્યાન રાખતા હોય અને બુદ્ધને માનવાવાળા એમ માનતા હોય કે પલોઠીવાળી બુદ્ધ ધ્યાનમગ્ન અવસ્થામાં પોતાના ભાવિકોનું ધ્યાન રાખતા હોય પણ ખરેખર આવું હોતું નથી. આ સંસારમાં બધું જ આપણા કરેલા કર્મને આધારે જ થયા કરે છે અને કર્મ ખપાવી આપણે વિતરાગ બની જતાં એક મહાજયોતમાં આપણી જ્યોત ભળી જાય છે. આપણે જેને – પ્રભુને ગોતીએ છીએ. એજ આપણે પોતે જ છીએ પણ આપણે આખી યાત્રા કરવાની છે. આપણે આ યાત્રા બહાર કરીએ છીએ. એ પ્રભુ બહાર નથી પણ અંદર જ છે અને એને ગોતવાને બદલે સમજવાનો છે. તો હવે સમજવા માટે નાનો એવો “સનેડો”ની રચના તમને ગીતમાં પ્રસ્તુત કરું છું.
સનેડો
સનેડો સનેડો પ્રભુ તારો સનેડો
સનેડો સનેડો પ્રભુ તારો સનેડો...
શેરી શેરી હું ફર્યો, ફર્યો ગામેગામ (૨)
શહેર શહેર ફરી વળ્યો, તોયે ન દીઠો ક્યાંય...સનેડો
મંદિર ગયો મસ્જિદ ગયો, ગયો ગુરુદ્વાર (૨)
ચોરે ને ચર્ચે ગયો, તોયે ન દીઠો ક્યાંય...સનેડો
સાધુ સંતોને મળ્યો, મળ્યો પૂજારીને (૨)
મૂલ્લા પાદરીને મળ્યો, તોયે ન મળ્યો ક્યાંય...સનેડો
ગંગા નાહ્યો જમના નાહ્યો, નાહ્યો સરસ્વતીમાંય (૨)
હરદ્વાર જઈ નાહી આવ્યો, તોય ન દીઠો ક્યાંય...સનેડો
પર્વત ગયો જંગલ ગયો, ગયો હિમાલયમાંય (૨)
ગિરનાર ચડી આવ્યો, તોય ન દીઠો ક્યાંય..સનેડો
ફરીફરી જગ ફર્યો, આવી સૂતો ઘેર(૨)
સપનામાં સરી પડ્યો, ન જાણે ક્યારે પડ્યું ભોર...સનેડો
હું તુંની ઝંઝટ મહીં, ભૂલ્યો હું અને તું (૨)
હું અને તું ભૂલી જતાં, રહ્યા ન હું કે તું...સનેડો