એક વખત ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે બાજુના ગામમાં હેલી નામનો ખેડૂત રહે છે. તેને જઈને ઉપદેશ આપી આવો. તેનો સમય (કાળ) પાકી ગયો છે તારો એ ઉપદેશ સાંભળી ધર્મમાં વળી જશે અને દીક્ષા લેવા તૈયાર થઈ જશે.
ભગવાનનો આદેશ થતાંજ ગૌતમસ્વામી હેલી ખેડૂતને ઉપદેશ આપવા માટે તેને ગામ જવા નીકળ્યો. હેલી આગળ જઈને ગૌતમસ્વામીએ ધર્મની થોડી વાતો કરી. હેલીનો ઉત્સાહ જોઈને હેલીને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. બે-ત્રણ દિવસમાં ગૌતમ સ્વામીના ઉપદેશની અસર હેલી ઉપર જબરજસ્ત થઈ અને હેલી દીક્ષા માટે તૈયાર થઈ ગયો. ગૌતમસ્વામીએ હેલીને દીક્ષાના (સાધુનાં) બધા ઉપકરણો આપી કહ્યું કે હવે ચાલ. તને હું મારા ગુરુ પાસે લઈ જાઉં. તેઓ સાક્ષાત ભગવાન છે. ગૌતમસ્વામીના મુખે તેના ગુરુની વાત સાંભળી હેલી ખુશ ખુશ થઈ ગયો. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ગૌતમસ્વામી આટલા વિદ્વાન છે. તો તેના ગુરુ કેટલા વિદ્વાન હશે ! હેલી તુરત તૈયાર થઈ ગયો અને બંને જણા ભગવાનને મળવા નીકળ્યા. રસ્તામાં “હેલી” મહાવીર વિષે પૂછતો જતો હતો અને ગૌતમસ્વામી એને જવાબ આપતા જતા હતા. હેલી બધું સાંભળતા બહુ જ ઉત્કંઠા અનુભવતો હતો. મનમાં વિચારતો હતો કે જ્યારે ભગવાનને મળું. ત્યાં તો સમોસરણમાં પહોંચી ગયા. દૂરથી હેલીએ ભગવાનની દેહ આકૃતિ જોઈ અને નજીક આવીને જોતાં જ તેના મનના ભાવ બદલાઈ ગયા અને ગૌતમસ્વામીને કહે છે કે આ જ તમારા ગુરુ છે. નથી લેવી મારે દીક્ષા, આની પાસે, લો. આ તમારા ઉપકરણ આટલું કહી હેલી ત્યાંથી ચાલ્યો ગયો.
ગૌતમસ્વામીને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિ મારાથી બોધ પામે છે અને ભગવાનને જોઈને ઉપકરણનો ઘા કરી ચાલી નીકળી છે એમ કેમ બન્યું !
ભગવાનને જઈને પૂછે છે કે આ હેલી ખેડૂત મારાથી બોધ પામી તમને મળવા માટે આપેલ એકાએક ઉપકરણ ફેંકી ચાલી ગયો કેમ?
ભગવાન કહે છે કે સાંભળો. ગૌતમ એક ભવમાં હું શક્તિશાળી રાજા હતો. તે વખતે આ હેલી સિંહના ભવમાં હતો. તે સમયે આપણે બંને જંગલમાં શિકાર કરવા નીકળેલ. ત્યારે આ હેલીના સિંહના ભવમાં મેં તેનું મોઢું ફાડી નાખેલ અને તેના મૃત્યુની અંતિમ અવસ્થામાં તે તેને પાણી આપી શાતા ઉપજાવેલ. તેથી તારા ઉપર એનો રાગ છે અને મારા ઉપર દ્વેષ છે. આથી જ તારાથી એ બોધ પામ્યો હતો અને મને જોઈને એકદમ ક્રોધિત થઈ ગયો.
મને ખબર હતી એટલે જ મેં તને ઉપદેશ માટે મોકલ્યો હતો. સંસારમાં કોક પ્રત્યે આપણને અકારણ પ્રેમ થાય છે અને અકારણ દ્વેષ થાય છે. આનું કારણ ગત કોઈ જન્મના સંબંધને હિસાબે જ થાય છે. માટે કોઈ ઉપર અતિ રાગદ્વેષ કરવા પાછળ કારણ હોય છે. અકારણ કશું જ થતું નથી. જન્મોજન્મના હિસાબ હોય છે. આટલું સમજી ધર્મમાં સ્થિર થવું.