૧: ૩૩ - “તે મારું કુળ ઉજાળ્યું” સત્ય ઘટના

ગુજરાતમાં ખાંભા ગામની આ સત્ય ઘટના છે. ખાંભા ગામની એક આયર કન્યા. નામ હતું કાશી. કાશી લગ્ન કરી બાપુના ગામમાં જાય છે. જયાં લગ્ન કરીને જાય છે એ ઘર બહુ સાધારણ હતું. પિયર ખૂબ પૈસાવાળું ને સાસરિયું બહુ ગરીબ. પણ કાશી બહુ જ સમજુ હતી. ગમે તેમ ઘર ચલાવતી હતી પણ સમય જતાં ગરીબીએ ભરડો લીધો. ઘરમાં ધાનના તૂટા પડવા લાગ્યા. ગરીબી વધતી ચાલી. એક રાત્રે કાશીનો નાનો દીકરો ઊંઘમાંથી ઊઠીને માને કહે છે કે “મા” અને “ભૂખ” લાગી છે. કાશીનું તો જાણે કાળજું કપાઈ ગયું હોય એમ લાગ્યું. ઘરમાં ખવડાવવા માટે રોટલાનો ટુકડો નહિ. ગમે તેમ સમજાવી છોકરાને સુવાડી દીધો. પણ કાશી રાત આખી સૂઈ ન શકી. સવાર પડતાં જ પતિને કહે છે કે હું આજે મારે પિયર જઈને મારા ભાઈ પાસેથી એક મહિનો ચાલે એટલું ધાન લઈ આવું. આ બાળકની ભૂખ મરાથી જોવાતી નથી. કાશી પોતાના ગામ જવા નીકળે છે. ગામમાં પહોંચતા જ પોતાના ભાઈની ઊંચી હવેલી જુએ છે અને હવેલીની અગાશીમાં પોતાના ભાઈને જુએ છે અને એના આનંદનો પાર રે'તો નથી. ભાઈ હવેલી ઉપરથી પોતાની બહેનને જોઈને વિચારે છે કે મારો બનેવી ભૂખડ થઈ ગયો છે. એટલે મારી બહેનને કંઈક મદદ લેવા માટે અહીં મોકલી લાગે છે. તરત જ એ અગાસીમાંથી નીચે ઉતરીને તેણે તેની પત્નીને બોલાવી કીધું કે જો મારી બહેન હમણાં અહીં આવી પહોંચશે. મને લાગે છે કે આપણા આગળ કંઈક માંગવા માટે આવતી હશે. એટલે તું એને કહેજે કે હું બહાર ગયો છું.

કાશી જેવી ઘરમાં પગ મૂકે છે એવી ભાભી કહે છે કે બેન બા આવી ગયાં. શું એવું કામ પડ્યું કે સવાર-સવારમાં આવી ગયાં. કંઈ વાવડ મોકલ્યા વગર. મારો ભાઈ ક્યાં છે ભાભી? તમારા ભાઈ તો બહારગામ ગયેલ છે. બોલો શું કામ છે ? કાશી સમજી ગઈ કે ભાઈ ઘરમાં હોવા છતાં ભાભી જૂઠું બોલે છે. કાશીએ મન-કમને ભાભીને બધી વાત કરી. વાત સાંભળી ભાભી બોલે છે કે તમે તમારે જમીને જાવ પણ અત્યારે અમારા પણ સંજોગ બહુ સારા નથી. આ વખતે પાક ઓછો થયેલ એટલે ધાનની મદદ તો કરી શકીએ એમ નથી. કાશી બધું જ સમજી ગઈ ને ભાભીની રજા લઈને પાછી વળી.

ગામ બહાર નીકળે છે ત્યાં વડલાની છાયામાં બેઠેલ ગામનો પટેલ કાશીને જુએ છે. પટેલ વિચાર કરે છે કે આ તો ગામની દીકરી કાશી છે. તરત કાશીને બૂમ પાડે છે. કેમ બેટા મઝામાં છે ને? તું તો રામુ આયરની દીકરી જ ને? હા બાપા. પણ અત્યારે બપોરના ક્યાં ચાલી તું? તારા ચહેરા પર આટલી ઉદાસીનતા કેમ છે?

કાશી પોતાની પેટ છૂટી વાત કરે છે. પટેલ કહે છે, બેટા ચિંતા ન કર. મારા મિત્રની દીકરી એ મારી દીકરી. આમેય મારે કયાં દીકરી છે. બસ હવે ચિંતા છોડ. પટેલ કાશીને પોતાના ઘેર લઈ જાય છે. પટલાણીને કહે છે આ તો મારા મિત્રની દીકરી કાશી આવી છે. ખાસ ગામમાં બધાને મળવા આવી છે. આણે ત્યાં જમાડીને મોકલવાની છે. તું જમવાનું તૈયાર કર. ત્યાં હું આવું છું. પટલાણીએ કાશીને બહુ જ સારી રીતે જમાડી. એટલી વારમાં પટેલે તેના દીકરા માધવને બૂમ પાડી બોલાવ્યો, માધવ આ તારી બહેન કાશી છે. એને ગાડામાં બેસાડી એને ગામ મૂકી આવ અને ગાડામાં સમાય એટલું અનાજ ભરી આપ. આ વખતે ઉપજ સારી થઈ છે. એટલે બહેનને વધારેમાં વધારે આપજે. માધવ ગાડું તૈયાર કરી ગામ મૂકવા જાય છે.

સાંજ પડવા આવી એટલે પટલાણી પટેલને પૂછે છે કે સાંજ પડવા આવી. અંધારું હમણાં થવા આવશે. “માધવ” હજુ આવ્યો નહિ.

ચિંતા ન કર. એ મારો દીકરો છે. ક્યાંય રોકાશે નહીં. હમણાં આવતો હશે. પટેલ આટલું બોલવાનું પૂરું કરે છે ત્યાં તો માધવે ઘરમાં પગ મૂક્યો. લે બેટા આવી ગયો. હું તો તારી જ રાહ જોતી હતી. પણ માધવ ગાડું અને બળદ ક્યાં છે. મા બહેનની ગરીબી જોઈને ગાડું અને બળદ – “રક્ષાબંધનના તહેવારમાં બહેનને ભાઈએ કંઈક આપવું જોઈએ ને! બળદ ને ગાડું આપીને ચાલતો ચાલતો આવ્યો. પટેલ બોલ્યા વાહ દીકરા વાહ તેં મારું કુળ ઉજાળ્યું.