ઘણાં વર્ષો પૂર્વેની એક વાત છે. એક વખત હું “ઓશો”ની એક બુક વાંચતો હતો. બુકમાં એક સરસ વાત લખેલ. આ વાત વાંચતા મને વિચાર આવ્યો કે આવી નાની વાતોથી “ઓશો” દૃષ્ટાંત દ્વારા સાંભળનારના હૃદય ઉપર રાજ કરતા ખરેખર ઘણી બધી ઓશોની વાતો આજે જે વક્તાઓ પોતાના વ્યાખ્યાન કે પ્રવચનમાં બોલે છે એની બોલબાલા થઈ જાય છે. ભલે એ વક્તાઓ “ઓશો”નું નામ લેતાં છોછ અનુભવતા હોય પણ આખરે શ્રોતાઓ જાણી તો જાય છે કે આ આખી વાત ઓશોની જ છે. તો હવે એ વાતને મારી રીતે તમારી પાસે રજૂ કરું છું.
એક વખત અકબર બાદશાહ શિકારે નીકળેલ. સાંજનો સમય થઈ ગયો હતો એટલે રસ્તામાં એક ગામ આવતું હતું. ત્યાં વિસામો કરવા કાફલાને ઊભો રાખ્યો અને પોતે નમાજ પઢવા માટે રસ્તા ઉપર જ્યાં બધાં નમાજ પઢતા હતા ત્યાં નમાજ પઢવા બેસી ગયા. નમાજ ચાલતી હતી ત્યાં એકદમ એક છોકરી દોડતી દોડતી નીકળી અને અકબર બાદશાહની ચાદરને હડફેટમાં લેતાં લેતાં તેને ઠોકર મારતી આગળ નીકળી ગઈ. બાદશાહની આંખો બંધ હતી. નમાજ પૂરી થતાં જ તેમના સિપાઈઓને હુકમ આપ્યો કે હમણાં થોડીવાર પહેલાં અહીંથી એક વ્યક્તિ પસાર થઈ હતી. જેણે મારી ચાદરને હડફેટમાં લીધી અને ઠોકર મારી આગળ ચાલી ગઈ. હમણાં ને હમણાં એ વ્યક્તિને હાજર કરો.
રાજાના સૈનિકો વ્યક્તિને ગોતવા માટે ગામની બહાર નીકળી પડ્યા. ગામની બહાર કોઈની રાહ જોઈને એક છોકરી ઊભી હતી. તેને પૂછ્યું કે તું હમણાં બાદશાહ નમાજ પઢતા હતા ત્યાંથી પસાર થઈ હતી? પેલી છોકરીએ કીધું, હા. કેમ શું થયું?
છોકરીને પકડીને બાદશાહની સમક્ષ હાજર કરી. અકબર બાદશાહ બહુ ગુસ્સામાં હતા. એણે છોકરીને કીધું કે નાદાન તને એટલી ખબર નથી પડતી કે કોઈ નમાજ પઢતું હોય તેને ઠોકર મારીને ન જવાય.
રાજન, મને ખબર મળ્યા હતા કે મારો પ્રેમી આજે મારા ગામમાંથી પસાર થવાનો છે. એટલે હું ગામની બહાર એને મળવા જતી હતી. એ નીકળી ન જાય એટલે હું બહુ જલ્દીમાં હતી. મને આજુબાજુ જોવાનો સમય ન હતો.
બસ આવા ખ્યાલમાં તમને મારી ઠેસ વાગી ગઈ. પણ જહાંપનાહ એક જવાબ આપો, હું તો મારા સાધારણ પ્રેમીને મળવા જતી હતી એટલે ઠેસ તમને ક્યારે વાગી એ મને ખબર ન પડી પણ તમે તો જગતના નાથ પ્રભુના પ્રેમમાં, પ્રાર્થનામાં બેઠા હતા. છતાં પણ તમને ખબર પડી ગઈ કે કોકે તમને ઠેસ મારી! તો હવે કહો કે તમારો પ્રેમ સાચો કે મારો પ્રેમ સાચો.
અકબર બાદશાહ છોકરીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા. સિપાઈઓને હુકમ કર્યો કે છોડી દો એ છોકરીને.
બાદશાહે પોતાના જીવન સંસ્મરણોમાં લખ્યું કે એક ગુરુ ન સમજાવી શકે એ વાત મને એક છોકરી સમજાવી ગઈ. જે જ્ઞાન ગુરુ ન આપી શકે એવું જ્ઞાન એ છોકરી આપી ગઈ. છોકરીની એક ઠોકરે મારી સાન ઠેકાણે લાવી દીધી.