૧: ૨૨ - “મોક્ષ કેમ મળતો નથી?”

બુદ્ધના શિષ્ય બુદ્ધને પૂછ્યું કે ગુરુદેવ તમે દરરોજ ઉપદેશમાં કહો છો કે માણસ ધારે તો મોક્ષમાં જઈ શકે છે, પણ હાલમાં કોઈ કેમ મોક્ષમાં જતું નથી.

બુદ્ધ બોલ્યા, તું એક કામ કરજે. કાલે સવારે તું ભિક્ષા માટે શહેરમાં જા ત્યારે અલગ અલગ ઉંમરની વ્યક્તિને મળજે અને તે લોકોને શું જોઈએ છે એ પૂછજે અને આમાંથી તારી પાસે કેટલા લોકોએ મોક્ષની માંગણી કરી એ તું આવીને મને કહેજે.

બીજે દિવસે ભિક્ષુક ગામમાં ભિક્ષા માટે જાય છે. ગામમાં પ્રવેશ કરતાં જ એને દસ-બાર વર્ષનો છોકરો સામે મળ્યો. છોકરાએ ઘેર આવવા માટે આગ્રહ કર્યો, એટલે ભિક્ષુકે ના પાડતાં કહ્યું કે, આજ નહીં કાલે આવીશ, પણ એક વાતનો જવાબ આપ કે તને કોઈ સાધુ વરદાન આપે તો તું શું માંગ? પેલો છોકરો તરત બોલી ઉઠ્યો કે ગુરુદેવ હમણાં ક્રિકેટની મેચ ચાલે છે એટલે હું તો વરદાનમાં એક મજબૂત બેટ માંગુ અને સરસ મઝાનો એક બોલ માંગું. એક બેટ અને બોલ મળી જાય તો મારી ઇચ્છા પૂરી થઈ જાય. ભિક્ષુક “તથાસ્તુ” કહી આગળ નીકળી ગયો.

ભિક્ષુક આગળ જાય છે ત્યાં તેને એક ૨૦-૨૨ વર્ષનો યુવાન મળે છે. યુવાન સાધુને જોઈને પોતાને ત્યાં પધારવા વિનંતી કરે છે. સાધુ આવવાની ના કહે છે. ક્યારેક આવીશ. આજ સમય નથી પણ તું એક વાતનો જવાબ આપ કે તારી ઉપર કોઈ સાધુ ખુશ થઈ જાય અને તને કંઈક માંગવાનું કહે તો તું શું માંગ? યુવાન કહે છે, મને તો પિક્યરની હીરોઈન જેવી છોકરી જોઈએ છે. મારે લગ્ન કરવા છે તેમજ મને આશીર્વાદ આપો કે મને આવી કોઈ હીરોઈન જેવી છોકરી મળી જાય. “તથાસ્તુ” કહી ભિક્ષુક આગળ નીકળી જાય છે. થોડા આગળ જતાં એક ત્રીસેક વર્ષની યુવતી મળે છે. યુવતીને જોઈને ભિક્ષુક યુવતીને પૂછે છે, બેટી ઉદાસ કેમ છે? જિંદગીમાં કંઈક ખૂટે છે તો કહે હું તને એવી આશિષ આપીશ કે તારી ખોટ ખોટ નહીં રહે. ગુરુદેવ શું કહું મારા લગ્ન થયા ૧૦ વર્ષ થયા પણ ઘરે પારણું બંધાયું નથી. લોકો મને મહેણાં ટોણાં મારે છે. મારે ઘેર પારણું બંધાય એવા આશીર્વાદ આપો. “તથાસ્તુ” કહી ભિક્ષુક આગળ ચાલે છે. ભિક્ષુક વિચાર કરે છે કે હજુ સુધી મોક્ષ તો કોઈએ માગ્યો નહિ. દરેકને સંસારના સુખમાં જ રસ છે. મોક્ષની કોઈને પરવા જ નથી. ભિક્ષુક વિચાર કરે છે ત્યાં તો તેની સામે પચાસેક વર્ષનો આધેડ વયનો ગૃહસ્થ મળી જાય છે. ભિક્ષુકથી રહેવાયું નહીં. તુરત પેલાને પૂછી લીધું કે જિંદગીમાં તમારી શું મહત્ત્વાકાંક્ષા છે? પેલાએ કહ્યું કે ગુરુદેવ મારે તો દીકરા-દીકરી મોટા થઈ ગયા છે. જો સારા ઠેકાણાં મળી જાય તો ચિતામુક્ત થઈ જાઉં. માથા ઉપરનો બોજ હળવો થઈ જાય. “તથાસ્તુ' કહી ભિક્ષુક આગળ ચાલે છે.

થોડે આગળ જતાં એક ઘરની સામે ઊભો રહે છે. ઘરનો દરવાજો બંધ હતો એટલે ખખડાવે છે. અંદરથી કોઈક આવીને દરવાજો ખોલે છે. અંદર પલંગ ઉપર પતિ-પત્ની બેઠા હતા. ભિક્ષુકથી રહેવાયું નહીં. તરત પૂછી બેઠો કે હવે તમારી જિંદગીનાં છેલ્લાં વર્ષો હોય એમ દેખાય છે તો તમારી આખરી ઇચ્છા શું છે? શું કહું ગુરુદેવ મારા દીકરાની વહુ એવી જબરી આવી છે કે સવારના એક કપ ચા પણ સમયસર આપતી નથી. અમને આ ઉંમરમાં સવારે સમયસર ચા મળી જાય એટલે બસ તમે કોઈક એવા આશીર્વાદ આપો કે અમારા દીકરાની વહુનો સ્વભાવ સુધરી જાય અને આ અવસ્થામાં અમારું ધ્યાન રાખે. બસ આવી આશિષ આપો. તમારા ઉપકાર નહીં ભૂલીએ. “તથાસ્તુ” કહી ભિક્ષુ મઠ તરફ દોડવા લાગ્યો. રાત આખી સૂઈ ન શક્યો. સવારે બુદ્ધ શિષ્યને બોલાવી પૂછ્યું કાલે તું શહેરમાં ગયો હતો કે શું થયું?

શિષ્ય બુદ્ધના ચરણમાં પડી ગયો. બોલ્યો, ગુરુદેવ “મોક્ષ” સિવાય બધું જ માંગ્યું. મોક્ષ કોઈએ ન માંગ્યો. તમે કહેતા હતા એ સત્ય હતું. જો કોઈ ઇચ્છે તો મોક્ષ મળે પણ કોઈ ઇચ્છે જ નહિ તો ક્યાંથી મળે?