૧: ૨૦ - કંઈક ખૂટે છે…

માણસના જીવનમાં બચપણ અને યુવાની તો હવાની લહેરની જેમ પાસ થઈ જાય છે. જ્યારે બચપણ વિત્યું અને ક્યારે જવાની હાથતાળી આપી ચાલી ગઈ એની ખબર પડતી નથી. પણ જયારે જવાની ઢળવા લાગે છે, ત્યારે એકદમ અહેસાસ થાય છે કે જીવનમાં કંઈક ખૂટે છે, અને એની શોધમાં માણસ અવનવા રસ્તા શોધવા લાગે છે. કોઈક ગુરુને પકડે છે. કોઈક સારા જ્ઞાનીને તો કોઈક સારાં પુસ્તકોનો સહારો લે છે. પણ અંદરનો અંતરઆત્મા સંતુષ્ટ થતો નથી, અને ત્યારે જીવનમાં કંઈક ખૂટતું પૂરું કરવા મારા જેવા સામાન્ય માણસ કાવ્ય દ્વારા પોતાના ભાવો વ્યક્ત કરે છે, તો રજૂ કરું છું મારા ભાવો. આ ભાવો મીરાં જેવી ભક્તના ભક્તિના ભાવો છે.

“સૂનાં રે સૂનાં મારાં દેવળ સૂના” 

સૂના મારા હૃદયના ખૂણા રે ખૂણા. સૂના...(1)

વાટડી જોઈ પ્રભુ આંખડી થાકી (૨) 

ભીનારે ભીનાં મારાં પાંપણ ભીનાં... સૂના...(2)

જપત-જપત કરી કંઠ રુંધાયા (૨) 

સુક્કા રે સુક્કા મારા હોઠો સુક્કા... સૂના...(3)

વીજળી ચમકીને વાદળ ઘેરાયાં (૨) 

કોરા રે કોરા મારા મન કેરા મેહુલા... સૂના...(4) 

શ્વાસે શ્વાસે હરિ ગીત ગાઉ (૨) 

પડે શ્વાસ બંધ પહેલાં સૂર પૂરાવી જા... સૂના...(5) 

ડગલે ને પગલે તારી યાદ સતાવે (૨) 

આતમ કરી આશ બુઝાવી જા... સૂના...(6)

દોડી દોડી હું પ્રભુ દ્વારે આવું (૨) 

સૂનાં રે સૂનાં મારાં આંગણ સૂનાં... સૂના...(7)

અંગ કેરા રંગ હવે ઝાંખા ભાસે (૨) 

તૂટે સંગ પહેલાં રંગ પૂરી જા... સૂના...(8)

આયખા કેરા અંધારાં ઊતરી (૨) 

પડે સાંજ પહેલા દર્શન દઈ જા... સૂના...(9)