૧: ૧૮ - “આજ અને કાલ”

આજના જીવનની આપાધાપીમાં, માણસની જિંદગી જાણે પલકારામાં પૂરી થઈ જતી હોય એમ લાગે છે. બાળપણ ન વીત્યું ત્યાં જુવાની આવીને ઊભી રહી. જુવાની વીતી નહીં ત્યાં ઘડપણ આવી ગયું. ઘડપણવાળો વિચાર કરે છે કે જુવાની કેટલી સારી હતી અને જુવાન વિચાર કરે છે કે બચપણ કેટલું સારું હતું, ન કોઈ ચિંતા, ન કોઈ ફિકર, ન કોઈ જવાબદારી. જે સમય વીતી જાય છે, માણસ હંમેશાં તેનો વિચાર કરે છે. તેનો અફસોસ કરે છે અને તેનાં ગુણગાન ગાય છે. પણ જયારે બચપણ હતું ત્યારે બચપણના આનંદની વાત નથી કરતો. યુવાનીમાં યુવાનીનાં વખાણ નથી કરતો પણ ઘડપણ આવે છે ત્યારે એકદમ જાગી જાય છે અને સુંદર સ્વપ્નમાંથી જાગેલ માણસની જેમ દુઃખનો અનુભવ કરે છે. કોઈ ભૂલો પડેલ માનવી સૂર્યાસ્ત થતો જોઈને ગભરાઈ જાય છે કે હવે રસ્તો કેમ મળશે. આમ જ આયુષ્યના સૂર્યાસ્ત પહોંચેલ માણસ વિચાર કરે છે કે હવે તો બધે અંધકાર જ અંધકાર દેખાય છે. જીવન જાણે હાથમાંથી સરકી જતું હોય એમ લાગે છે ત્યારે ડૂબતી નૈયાને પાર ઉતારે એવી વ્યક્તિની ખોજમાં નીકળી પડે છે ને આવે સમયે કોઈ એવા “ગુરુ” મળી જાય જે અંધારામય જીવનમાં કોડિયાના પ્રકાશ જેવું કામ આપી જાય તો છેલ્લે શ્વાસે પણ શાંતિનો અનુભવ થાય. બસ આ બધા ભાવોને કાવ્ય દ્વારા કંડારવા કોશિશ કરી છે.