સાયન્સે આપણને ઘણી સુખ સગવડ આપી પણ મૂળ વસ્તુ આપણી આગળથી છીનવી લીધી.
શું છીનવાઈ ગયું જાણો છો?
૧. બાળકનું બચપણ છીનવાઈ ગયું.
૨. જુવાનની જવાની છીનવાઈ ગઈ.
૩. બુઢાપાનો સહારો છીનવાઈ ગયો.
૧. બાળકનું બચપન એટલા માટે છીનવાઈ ગયું કે બિચારો-બાપડો પુસ્તકના ભારથી એટલો ભીંસાઈ ગયો છે કે રમવા માટે પણ સમય નથી રહ્યો. બચપણ જોતજોતામાં પુસ્તકના પાનામાં ક્યાં છુપાઈ જાય છે એ ખબર નથી પડતી અને યુવાની આંગણે આવીને ઊભી રહે છે અને.
૨. યુવાની તો જાણે યુવાનના ભારથી દબાઈ જતી હોય એમ લાગે છે. આજના હરીફાઈથી ભરેલા જમાનામાં પૈસા કમાવાની પાછળ માણસ એટલો પાગલ થઈ જાય છે કે યુવાની ક્યારે હાથતાળી આપીને જતી રહી, ખબર પણ પડતી નથી અને બુઢાપો આવીને
ઊભો રહી જાય છે... અને
૩. બુઢાપાનો બોજ આજે જાણે માણસને બોજ જેવો લાગે છે, કારણ કે જે દીકરા ઉપર ભરોસો હતો એ દીકરા જ બોજમાં દબાઈ ગયા છે. જે પોતાના બોજમાં દબાયેલ હોય એ મા-બાપના બોજ બાપડા ક્યાં ઉપાડે. આ છે આજની કડવી હકીકત, સ્વીકારો યા ન સ્વીકારો પણ આખરે મનને મનાવીને જીવન જીવવું જ પડશે.
હાય રે વિજ્ઞાન આ તેં શું કર્યું અમારું. મારું બાળક બાળપણ ના જોઈ શક્યું. એણે જુવાનીનો સૂરજ તો તપતાં તો જોયો નહીં. સાંજના આથમતા સૂરજના એંધાણ દીધા. હવે મારા બુઢાપાના દુઃખની વાત શું કરું? મારું જ બાળક એ પોતાના બોજથી દબાણું છે.
મારે જેનો સહારો માંગવો છે, લેવો છે એને જ મારે સહારો આપવાનો સમય જાણે આવ્યો હોય એમ ભાસે છે. આ છે જીવનની આજના યુગની કડવી હકીકત.
વિજ્ઞાનીઓએ શોધ કરતી વખતે એ વિચાર પણ નહીં કર્યો હોય કે રાત-દિવસની મહેનત પછી જે શોધ કરી હોય એનો ઉપયોગ માણસ પોતાનું સામ્રાજ્ય વધારવા કરશે. શાંતિના નામે બીજાને પોતાની શક્તિ દ્વારા બાનમાં રાખશે. માણસનું મન હંમેશાં જંગલી પશુની જેમ બીજા ઉપર હાવી થવા માટે ઉત્સુક હોય છે. વિજ્ઞાનની શોધમાં માનવીનું ભલું થાય એ જ આશ્રય હોય છે પણ માણસ એમાંથી સારું લેવાને બદલે હલકું લઈને જીવન બોઝિલ બનાવી દે છે. જો સારું લે તો જીવન નંદનવન થઈ જાય છે. ઈશ્વર સૌને સદ્ગદ્ધિ આપે.