એક વખત એક યુવાન સંતોના દર્શન માટે જાય છે. સંતને નમસ્કાર કરી પૂછે છે, ગુરુદેવ મને કંઈક ઉપદેશ આપો જે મારા જીવનમાં ઉપયોગી થાય.
સંતે પૂછ્યું, સંસારમાં મીઠામાં મીઠું શું?
પેલા યુવાને કીધું, રસગુલ્લાં મીઠાં.
સંતે કીધું, નહીં હજુ વિચાર કર.
યુવાને કીધું, લાડુ મીઠામાં મીઠા.
ફરી સંત ના કીધી. ફરી યુવાને કીધું માવાનાં જાંબુ.
સંતે ફરી ફરી ના કીધી. યુવાન થાકી ગયો જવાબ આપીને એટલે સંતે જવાબ આપ્યો.
“વખાણ” સંસારમાં મીઠામાં મીઠાં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને પોતાના વખાણ સાંભળવા ન ગમતાં હોય એટલે જીવનમાં ધ્યાન રાખજે. તારા દુશ્મનને જો દોસ્ત બનાવવો હોય તો તેનાં વખાણ કરજે.
સંતે બીજો સવાલ પૂછ્યો કે સંસારમાં કડવામાં કડવું શું?
યુવાન કહે, લીંબડો કડવો, કારેલાનો રસ કડવો, ઝેર કડવું વગેરે...
સંતે કહ્યું કે નહિ સંસારમાં કડવામાં કડવું હોય તો છે “મહેણું.” “આંધળાના પુત્ર આંધળા”. એવું દુર્યોધનને દ્રૌપદીએ “મહેણું” ન માર્યું હોત તો મહાભારત થાત જ નહીં.
એટલે જીવનમાં બીજી વાત યાદ રાખી કોઈને મહેણું ન મારતો.
ત્રીજો સવાલ સંતે પૂક્યો કે સંસારમાં ન સમજાય એવું શું?
યુવાને બહુ વિચાર કર્યો પણ જવાબ ન આપી શક્યો. એટલે સંતે જ જવાબ આપ્યો કે “માણસનું મન” એ કોઈ સમજી શકતું નથી.
તું વિચાર કરતો હો એ બીજા કેમ જાણી શકે. દરેક વ્યક્તિ એક જ વસ્તુ ઉપર અલગ અલગ અભિપ્રાય બાંધતી હોય છે. માણસના મનને સમજવું મુશ્કેલ છે.
એક વખત અમેરિકાનો એક કરોડપતિ મૃત્યુ થયા ઉપર પડ્યો હતો ત્યારે તેની બાજુમાં એની પત્ની, ડૉક્ટર, પેઇન્ટર અને પત્રકાર ઊભા હતા. જુઓ હવે મનની વાત. ડૉક્ટર વિચાર કરે છે કે કોઈ એવી દવા મળી જાય અને આ દરદી સારો થઈ જાય તો મારી કાયમની આવક ચાલુ રહે. પત્ની વિચાર કરતી હતી કે મારા પતિએ કોના નામનું વિલ કર્યું હશે? પત્રકાર વિચારતો હતો કે આ કરોડપતિનું જો મૃત્યુ થઈ જાય તો કાલના પેપર માટે હેડિંગ મળી જાય કે “અમેરિકાના કરોડપતિનું થયેલ નિધન” અને પેઇન્ટર વિચાર કરતો હતો કે માણસના મૃત્યુ વખતે ચહેરાના કેવા હાવભાવ હોય છે એનું જો હું ચિત્ર બનાવું તો મને મોટાં ઈનામ મળે. જુઓ વ્યક્તિ એક પણ જોનારના ચારે જણાના વિચાર જુદાજુદા. સંસારમાં ખરેખર કંઈ ન સમજાય એવું હોય તો આ છે માણસનું મન.