અસ્ત થતાં રવિ પૂછતા અવનિને
કોણ પૂરા કરશે કર્તવ્ય મારાં
સાંભળી સૌ સ્તબ્ધ ઊભા
મોં પડ્યાં હતાં આજ સૌનાં કાળાં
તે સમયે માટી તણું એક કોડિયું
ભીડના કોક ખૂણેથી બોલ્યું
કામ એટલું સોંપજો ગુરુ
જેટલું તેજ મારું.
અઢી કીલો માટી લઈને આવ્યા
અઢી કીલો રાખ બનીને ચાલ્યા
જુઓ આ સંસારની વિટંબણા
કેટકેટલાં રચીએ છીએ સમણાં. (સ્વપ્નાં)
જીવનની ફૂલદાનીમાં સુખ-શાંતિનાં, સમૃદ્ધિના પુષ્પો ખીલવવાં હોય તો તેના મૂળમાં આસ્થાનું અમૃત સીંચવવું પડે અને તો જ આનંદના અલૌકિક કમળ ખીલે.
લોહીમાં મીઠાશ વધી એની ચિંતા બહુ કરી. જીભમાં તીખાશ વધી એની ચિંતા કદી ન કરી.
લીમડાના મૂળમાં સાકરનું સિંચન કરવાથી લીમડાના પાનમાં મીઠાશ આવતી નથી તેમ દુર્જનને ગમે તેટલી શિખામણ આપો સજ્જન બનતો નથી.