આપણે હંમેશાં ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઇએ છીએ
કે માણસ ધાર્મિક બનવા ઇચ્છે છે, કારણકે માણસ
મૃત્યુથી ડરે છે એટલે ધાર્મિક બનવા ઇચ્છે છે, નહીં તો એ
ધાર્મિક બનવા માગતો નથી, કારણકે સંસાર પરનો લગાવ
એટલો ગાઢ છે કે છોડવા ધારે તો છૂટી શકતો નથી. આ
તો મરણના ડરથી મંદિર-મસ્જિદની દોડમાં પડ્યો છે.
જો મહાવીર, બુદ્ધ કે મહમ્મદ આવીને કહી દે કે કાલથી
માનવજાત અમર છે તો બીજે જ દિવસે મંદિર-મસ્જિદ કે
દેવળ, બધાં જ ખાલી થઇ જાય. એક પણ માઇનો લાલ
દેખાય નહીં. મૃત્યુનો ડર અને મોક્ષની વાસના જ માણસને
ધાર્મિક બનાવે છે. અસલમાં આ સાધનાનો પંથ નથી.
સાચો ‘‘સાધનાપંથ’’ કેવો હોવો જોઇએ એ ઓશોના
શબ્દમાંઃ-
જીવન ભલે ટૂંકું હોય, નિશ્ચય ટૂંકો ન હોવો જોઇએ.
નિશ્ચયની સાથે જ જીવન શાશ્વત થઇ જાય છે. આ
નિશ્ચયની સાથે જ જીવન નાનું નથી રહેતું, વિરાટ બની
જાય છે. આ નિશ્ચયની સાથે જ માણસ બુંદમાંથી સાગર
બની જાય છે.
આ નિશ્ચયનું નામ જ સંન્યાસ છે. તમારી અંદર આ
નિશ્ચય સઘન થઇ જાય કે ક્ષણભંગુર સંસારમાં ઊલઝી
રહેવું એ પોતાની જીતને ગુમાવા જેવું છે અને શાશ્વતમાં
પોતાને ડુબાડવું એ પોતાને પામવા જેવું છે. આટલો
સંકલ્પ, આટલો નિશ્ચય, આટલો નિષ્કર્ષ અને જીવનમાં
એક મહાક્રાન્તિ. પછી તમે બજારમાં ફરતા હો તોપણ
બજારમાં નથી. ભીડમાં પણ ભીડની બહાર છો. પછી
વિચારોની ભીડમાં પણ તમારું હૃદય અછૂતું છે.
પછી બધું કરવા છતાં અકર્તા છો અને આ અકર્તાનો
ભાવ જ સાધનાનું પરમલક્ષ્ય છે.