પત્થરને ઘડવા માટે જેમ એક શિલ્પી જોઈએ તેમ ડૉ. યશવંતભાઈ ત્રિવેદી મારા માટે શિલ્પકાર છે. આજે જ્યારે આ પુસ્તક તૈયાર થયેલ છે એમાં ડૉ. યશવંતભાઈનો સિંહફાળો છે. કદાચ જો ડૉ. યશવંતભાઈ મને મળ્યા ન હોત તો આજે આ પુસ્તક થયું જ ન હોત. તેમનો નિખાલસ સ્વભાવ, સૌમ્ય ચહેરો, સાહિત્યપ્રેમ અને બીજા માટે કંઈક કરી છૂટવું – એવું જેનું જીવન–જાણે આપણને એક નવું જીવન આપતા હોય એવું લાગે. જે જે લોકો એકવાર એમના સંપર્કમાં આવે છે. તેઓ તેમને ભૂલી શકતા નથી. તેમનાં પત્ની પ્રા. જ્યોત્સના બહેનને જુઓ એટલે લાગે કે રામ-સીતાની જોડી. વિશેષમાં ડૉ. યશવંતભાઈને એટલા સાહિત્ય જગતના એવોર્ડ મળેલ છે કે જો યાદી આપું તો બે પાનામાં પણ એ પૂરી ન થાય. ખૂબ ખૂબ આભાર.
ડો. યશવંતભાઈ સુધી કોઈ મને લઈ જનાર હોય તો તે છે પંતનગર ઉપાશ્રયના પ્રમુખ એડ. મનસુખભાઈ પંચમિયા. મેં એક દિવસ પંચમિયાભાઈને વાત કરી કે મારે મારાં કાવ્યો, સ્તવન, લેખોનું એક પુસ્તક છપાવવાનો વિચાર છે, પણ બધું સેટિંગ કરવામાં બહુ મુશ્કેલી છે – એટલે તુરત તેમણે કીધું કે તમે મારા ઉપર છોડી દો. હું તમને ડૉ. યશવંતભાઈ પાસે લઈ જઈશ. એ બધું વ્યવસ્થિત કરી દેશે, અને અમે ડૉ. યશવંતભાઈને ઘેર પહોંચી ગયા. યશવંતભાઈના વહેવારુ ને માયાળુ સ્વભાવે અને સાહિત્યપ્રેમે અમને આ કાર્ય સરળ કરી દીધું. હૃદયપૂર્વક
આભાર.
– લલિત ઠક્કર