૨ : ૧૮ - સોનાના વરખવાળી વાંસળી

ચોરે, ચૌટે કે ગલીના મોડ પર આપણે ઊભા હોઇએ તો કોઇ ને કોઇ વાતો કરતા હોય કે આજકાલ ધર્મમાં હવે ક્યાંય સચ્ચાઇ કે સત્ય બચ્યાં નથી.

ધર્મ ધીમેધીમે એકમાત્ર ક્રિયા જ રહી ગઇ છે. ધર્મનો આત્મા ચાલ્યા ગયો છે, માત્ર ખોળિયું જ રહી ગયું હોય એમ લાગે છે. બસ આના જ કારણે ધર્મમાં શ્રદ્ધા પણઘટતી જાય છે.

માત્ર બીજાને આપણે ધાર્મિક છીએ એ બતાવવા પૂરતોજ ધર્મ રહી ગયો ન હોય એવું લાગ્યા વગર રહેતું નથી. આજના વૃદ્ધ માણસો પછી નવી પેઢીનો વાંક કાઢે કે નવી પેઢીને ધર્મમાં રસ જ ક્યાં છે. ખરેખર પૂછો તો રસ જેવું કંઇ બાકી રહ્યું જ નથી. આજના કહેવાતા ગુરુઓ, બાબા, બાવા, મૌલવી, પાદરી આ પરિસ્થિતિ માટે જવાબદાર છે એવું કહીએ તો એમાં કશું ખોટું લાગતું નથી. ક્યાંક આ બધા ધર્મરક્ષકો પણ નવા જમાનાની ઝાકમઝાકમાં પોતાની અસલ ફરજ ચૂકી ગયા હોય તેમ ભાસ્યા વગર લાગતું નથી. ક્યાં મહાવીરના સિદ્ધાંત અને ક્યાં આજના એ સિદ્ધાંતોને પાડનાર ગુરુઓ અને શ્રાવકો. જાણે બધું જ ભેળસેળ લાગે. મહાવીર શું કહેતા હતા અને શા માટે કહેતા હતા એ બધાનો મર્મ સમજાવવાને બદલે પોતાને જે યોગ્ય લાગે તે ખોટું હોય તોપણ તર્ક દ્વારા સત્ય સાબિત કરી શ્રાવકોને ગુમરાહ કરે છે.

દરેક ધર્મમાં આજ મહાવીર, બુદ્ધ હોય કે કૃષ્ણ હોય, જે પણ હોય, એના સિદ્ધાંતોને નવાંનવાં કપડાંમાં નાટકકારની જેમ રજૂ કરી જોનારને જાણે સંમોહનની ઘેરી નિદ્રામાં સુવડાવી દીધા હોય. મહાવીરને માનવાવાળા આગમ પર હવે ચાલવાવાળા કેટલા? કૃષ્ણને માનવાવાળા ગીતામાં કહેલ પ્રમાણે જીવનમાં ઉતારનાર કેટલા? બાઇબલ અને કુરાનના ધર્મ પાળવાવાળા બાઇબલ અને કુરાનનું કેટલું પાલન કરે છે? જવાબમાં માત્ર ઉપરથી સોનાથી મઢેલ વાંસડી જેનાં છિદ્રો બંધ પડેલ છે તેનાથી વિશેષ કશું જ નથી.

ધર્મના ધર્મગુરુઓ ‘‘સમય’’ અત્યારે બદલાઇ ગયો છે એટલે આપણે પણ બદલાયા વગર છૂટકો નથી આવી મોહક વાતો કરી ધર્મમાં શ્રદ્ધા રાખનારને ઊંધે રસ્તે ચડાવે છે. દરેક ધર્મગુરુઓ આવા ન હોય, પણ વધારેમાં વધારે આજે આવા જ આપણને જોવા મળશે, જે પોતાની નામના ખાતર, પોતાના ભક્તોનો સમુદાય વધારવા ખાતર કંઇક નવું કરવાની રીત બતાવી ધર્મનો હાર્દ આ ગુરુઓ ભૂલી જાય છે. જેમ હૃદય વગરનું શરીર નકામું છે એમ ધર્મ પણ ભગવાનોએ કહેલ શબ્દોને ફેરવી-તોળીને નવારૂપે રજૂ કરવું એ પણ અર્થહીન છે. ભગવાનને એટલી ખબર નહીં હોય કે ભવિષ્યમાં આમ થવાનું છે! પણ આપણે ભગવાન કરતાં હોશિયાર છીએ એ બતાવવા એનાં નીતિ-નિયમ પણ બદલી નાખીએ છીએ અને જ્યારે આવું બનવા લાગે છે ત્યારે તે ધર્મ મૃતઃપ્રાય થયા વગર રહેતો નથી.

નાની એવી એક કથા છે જે બહુ સરસ છે જે હું અહીં કહું છું જેથી ધર્મનો સાચો અર્થ સમજાઇ જશે.

એક નાના એવા ગામમાં એક સંત રહેતા હતા. એ સંત સવારના પહોરમાં આંબાના ઝાડ નીચે એક વાંસળી વગાડતા. ગામ આખું આ વાંસળી સાંભળવા આતુર હોય. ગામના માણસો જ નહીં, પશુ-પક્ષી પણ સંત વાંસળી વગાડે એટલે સાંભળવા જ્યાં હોય ત્યાંથી સંત પાસે આવી જતાં. એક દિવસ એવું બન્યું કે સંતે વાંસળી વગાડવાનું જેવું પૂરું કર્યું કે સંત ઝાડ નીચે ઢળી પડ્યા. સંતનો સ્વર્ગવાસ થયો. ગામના લોકોએ ભેગા મળી ભારે હૃદયે અગ્નિસંસ્કાર કર્યો અને નક્કી કર્યું કે સંતની વાંસળી ઝાડ નીચે રાખી દરરોજ તેની પૂજા કરવી.

ઘણા દિવસ પછી આ ગામમાં એક સાધુ આવ્યા. સાધુએ ગામવાળાને સલાહ આપી કે, આ સંતની વાંસળી એક દેરી બનાવી એમાં મૂકો જેથી વરસાદમાં કે તડકામાં ખરાબ ન થાય અને વર્ષો સુધી સુરક્ષિત રહે. ગામવાળાઓને સાધુની વાત યોગ્ય લાગી. બધાએ ભેગા મળી રૂપિયા જમા કર્યા ને સંતની દેરી બનાવી તેમાં વાંસળીની સ્થાપના કરી. ગામવાળા દરરોજ પૂજા કરવા લાગ્યા. વર્ષો વીત્યાં. ત્યાં વળી એક સાધુ આ ગામમાંથી પસાર થયા. એમણે વાંસળી જોઇ ને ગામવાળાને સલાહ આપી કે, વાંસળી ઉપર સોનાનો વરખ ચડાવી દ્યો તો તમારે પછી કાંઇ કરવાની જરૂર નહીં રહે અને સંતની વર્ષો સુધી યાદ તાજી રહેશે અને વાંસળીની ચમક જોઇ જોનારાને આનંદ થશે.

સીધાસાદા ગામવાળાને સાધુની વાત બરાબર લાગી. ફરી બધાએ રૂપિયા ભેગા કરી વાંસળીને સોનાથી મઢી દીધી. વાંસળી જોઇને બધા ખુશખુશાલ થઇ ગયા.

પાછા વર્ષો વીત્યાં ને ત્યાંથી આ વખતે ફરી એક સંત નીકળ્યા. સંત અને સાધુમાં ફેર હોય છે. સંત એ કહેવાય જેણે રાગ અને દ્વેષનો કર્યો હોય અંત તે સાચો સંત.

સંતે ગામવાળાને પૂછ્યું કે, મેં સાંભળ્યું છે કે તમારા ગામમાં કોઇ એક સંત થઇ ગયા હતા જે વાંસળી બહુ સરસ વગાડતા. મને પણ વાંસળી વગાડતા આવડે છે તો તમે મને એ સંતની વાંસળી બતાવો, હું એ વગાડવા માગું છું.

ગામવાળા ખુશખુશાલ થઇ ગયા કે ઘણાં વર્ષો પછી વાંસળીના સૂર સાંભળવા મળશે. બધા ગામવાળા ભેગા થઇ સંતને આંબાના ઝાડ નીચે જ્યાં દેરીમાં સંતની વાંસળી પડી હતી ત્યાં લઇ આવ્યા.
ગામવાળાએ સંતના હાથમાં સોનાની વાંસળી મૂકી. સંત વાંસળી જોઇને હસવા લાગ્યા. ગામવાળાઓએ પૂછ્યુ, સંત આપ હસો છો કેમ? સંતે કહ્યું, તમે હસવા જેવું કરી નાખ્યું છે વાંસળીનુ આ વાંસળીની ઉપર સોનાનો વરખ ચડાવી વાંસળીનાં. છિદ્રો પૂરી દીધાં. હવે આમાંથી સૂર ન નીકળે. હવે આ માત્ર દેખાવમાં સુંદર લાગે, પણ સંગીત પેદા ન થાય ભાઇઓ.
ગરીબ ગામવાળા સંતને જોતા રહી ગયા. બસ, આજે આપણા દરેક ધર્મમાં મૂળ સિદ્ધાંત સોનાથી મઢેલ વાંસળી જેવા બનાવી દીધા છે જે દેખાવમાં તો સુંદર લાગે, પણ સૂર ખોવાઇ ગયો. હવે તો કોઇ અલગારી આત્મા આવે અને વાંસળી પરના વરખને ઉખેડી નાખી નવું સંગીત સંભળાવે એ જ આશા.