પ્રભુ ગોતતો હતો તને ગગનની ગહેરાઇમાં
મળી ગયો તું તો વરસતા વરસાદની ધારમાં
દેખાય છે તું તો બાળકનાં આંગળાંનાં કેરવાં પર
જ્યારે ફરે છે એ ‘‘મા’’ના ગુલાબી ગાલો પર
વાછરડાને જોઇ ધાવતાં ને માથું મારતાં થાનને
જાણે તેં તો કરી કમાલ માને આપી આંચળ કેરા દાનને
પુષ્પોની સુગંધ માણતાં જાણે આત્મા સંતોષાય છે
જાણે તારી જ ખુશ્બોથી વિશ્વ આખું લહેરાય છે
ટહુકો સાંભળી કોયલ કેરો દોડું છું જોવા તને
હાથતાળી આપી છોડી જાય છાપ તારી લાગે એવું મને
જોઇ કોઇ યુવાનને પિતાનો હાથ પકડી બેઠો મંદિર મહીં
જાણે લાગે રામ બેઠો દશરથનો હાથ પકડી દરબાર મહીં
ગગન મહીં અંધારી રાતમાં ચમકતા તારલા જોઇને
કે તું જ જાણે ચમકે છે ઇદનો ચાંદ બનીને
કળા મોર તણી જોઇ, ફફડાટ ચકલી તણો માણતાં
કોણ કરે છે આ બધા જાદુ પૂરી રંગ પંખીઓની પાંખમાં
રેતી કેરી ડમરી, જાણે કોઇ કરતી નર્તકી નૃત્ય આસમાને
ફરી પાછી ફરતી જાણે કે પાથરતી સાજ સાજન કાજે
બસ નથી પૂછવું હવે ક્યાં સ્થાન છે તારું અહીં
તું તો રહે છે, રમે છે, અસ્તિત્વના કણેકણ મહીં