આ નવો યુગ ખરેખર જીવવા જેવો છે, માણવા જેવો
છે, છતાં પણ માણસના ચહેરા પર હાસ્ય કેમ દેખાતું
નથી! ખુશીનો અહેસાસ કેમ થતો નથી! નાનાં ગામડાંમાં
ગાડામાં બેસનાર આજે કારમાં બેસી સફર કરે અને વધારે
રૂપિયા થઇ જાય તો પ્લેનમાં સફર કરે. ઝૂંપડા જેવા ઘરમાં
રહેનાર આજે મહાનગરમાં મોટા ફ્લૅટમાં કહો કે બંગલામાં
કહો, પણ પહેલાં કરતાં સારી સગવડતામાં રહે છે. નાના
કુટુંબમાં રહે છે, છતાં પણ સાચું સુખ માણતા હોય એવા
માણસો દેખાતા નથી.
ગામડાના નાના ઘરમાં સંયુક્ત કુટુંબમાં રહીને જે સુખ
માણસ માણતો હતો તે આજે ભવ્ય ફ્લૅટમાં રહીને પણ
માણતો હોય તેવું લાગતું નથી. ભૂલ ક્યાંક આપણી પૂરી
વિચારધારામાં થઇ છે. ક્યાંક આપણી જીવનશૈલીમાં થઇ
છે કે પછી ક્યાંક આપણી વૃત્તિઓએ આપણા પર કબજો
કરી લીધો છે.
એક સમય હતો જ્યારે સવારે આગલા દિવસનો
બાજરાનો રોટલો અને દહીં ખાનાર, આજ સવારમાં
જાતજાતની વાનગી, ચા, કૉફી, ફ્રૂટજ્યૂસ વગેરેથી દિવસની
શરૂઆત કરે છે, છતાં પણ ન જાણે ચહેરા પર કેમ કોઇ
ઉમંગ કે તાજગી દેખાતી નથી!
જ્યારે જમાનો આટલો આગળ વધેલો ન હતો ત્યારે
બ્યૂટિપાર્લરમાં કોઇ જતું ન હતું, કહો કે બ્યૂટિપાર્લર હતા
જ નહીં, છતાં પણ એ જૂના જમાનાની બહેનો-દીકરીઓના
ચહેરા પર એક તેજ અને તાજગી દેખાતાં હતાં. અત્યારે લાલી-લિપસ્ટિક લગાવાય, ચમકતો ચહેરો બનાવી શકાય,
પણ કુદરતી સૌંદર્ય ક્યાંથી લાવશો?
આજના યુગના માણસોને બધું જ ભોગવવા માટે
સાયન્સે બધી જ સગવડ કરી આપી, પણ માણસજાતે
સાયન્સની સગવડતાનો સહી ઉપયોગ ન કરતા એકબીજાથી
આગળ કેમ નીકળવું, એકબીજા કરતાં વધારે શક્તિશાળી
બની બીજા પર પ્રભુત્વ કેમ કરવું. આવી માનસિકતાઓએ
માણસને સાયન્સની સગવડતા અને સુખ ભોગવવાને
બદલે દુઃખમાં ધકેલી દીધો. હવે આમાં આખી માનવજાત
એવા સકંજામાં આવી ગઇ છે કે એમાંથી છૂટવા પ્રયાસ કરે
તોપણ છૂટી શકવું મુશ્કેલ છે, કારણકે મૂળ બહુ જ ઊંડાં
ઊતરી ગયાં છે.
મહાભારતના યુદ્ધમાં જેમ કૃષ્ણે અર્જુનને કહ્યું હતું કે,
‘‘પાર્થ હવે ચડાવ બાણ’’. બસ આ જ પરિસ્થિતિ
આજના આ નવા યુગની છે. જ્યાં સુધી એક ભીષણ
વિશ્વયુદ્ધ નહીં થાય ત્યાં સુધી મહાભારતનું ‘‘રામાયણ’’
બનવું બહુ મુશ્કેલ છે. ‘‘રામમંદિર આજ નહીં તો કાલ
ભવ્યમાં ભવ્ય બનશે, પણ રામ ક્યાંથી લાવશો?’’
અહીં તો દરેક સત્તાધીશને વધારે ને વધારે સત્તા જોઇએ
છે. આમાં વિશ્વનો કોઇ દેશ બાકાત નથી. સરકારી
ખજાના ભરાય કે ન ભરાય, પણ પોતાના ખજાના
ભરાવા જોઇએ. જ્યાં આવી નિમ્ન કક્ષાએ માણસ વિચારે
છે ત્યારે માનવજાતનું ભલું થવું મુશ્કેલ છે.
ગમે તેટલી સંપત્તિ કે સત્તા હોય તોપણ વિશ્વમાં એક
નંબર પર પહોંચવાની દોડ, કે જેનો કદી અંત જ હોતો
નથી. આવી મનોદશામાં જીવતો માનવી માત્ર દૂષણ જ
પેદા કરે છે અને ન કરવાનાં કામ કરે છે અને આ જાતની
વૃત્તિ સમાજ અને દેશને ખોખલો કરી નાખે છે. સત્તા અને સંપત્તિ માટે નવાનવા દાવ ખેલતા રહે, વિશ્વના
મોટામાં મોટા સત્તાધારી થવા માટે એકબીજાને મદદ
કરવાને બહાને સત્તાધારી વધારે શક્તિશાળી બનવા કોશિશ
કરતો હોય છે. બસ, આવી માનસિકતાને ‘‘મહાવીરે’’
પરિગ્રહ કહ્યો છે. પરિગ્રહ એ માત્ર રૂપિયા ભેગા કરવા એ
નથી, પણ સત્તા અને સંપત્તિ માટેની આંધળી દોટનું નામ
જ પરિગ્રહ છે. આખી દુનિયા આજે દાવાનળમાં ફસાયેલ
છે. શ્રીમંત હોય કે ગરીબ, બધા જ દુઃખના ડુંગર પર
બેઠેલા છે. હવે સાચો સમય આવ્યો છે સમજવાનો, પણ
કોણ કોને સમજાવે? પહેલ કોણ કરે? બધા રાજકારણીઓ,
ધર્મગુરુઓ, સમાજસેવકો સેવાના નામે માનવજાતનું મોટું
અહિત કરી રહ્યા છે,
આજે કોરોના જેવી મહામારી પણ લાગે છે કે કોઇ
સત્તાલાલચુ માણસની હવસ અને મગજની પેદાશ છે, કે
જે વિશ્વ પર પોતાનો ડંકો બજાવી શકે.
તલવારની લડાઇ ગઇ, તોપના અવાજ ગયા, હાથી-
ઘોડા અને ગદાની લડાઇ ગઇ, બૉમ્બની લડાઇ પણ જૂની
થવા લાગી, ઍટમબૉમ્બ અને પરમાણુબૉમ્બની વાતો
ઊછળે અને બેસી જાય, હવે તો માનવજાતનો ખાતમો
બોલાવવા આખરી જંગ ‘‘જીવાણુ’’નો કરવા વિજ્ઞાનનો
ઉપયોગ કરવા લાગ્યા.
આજે વિચાર થાય કે મહાવીર અને બુદ્ધ રાજ છોડી
જંગલમાં શા માટે ચાલ્યા ગયા હતા? કદી કોઇએ વિચાર
ર્ક્યો? એ લોકો પાસે સંસારમાં ભોગવી શકાય એટલાં
બધાં સુખ હતાં, સત્તા હતી, સંપત્તિ હતી. કશી જ કમી
ન હતી, છતાં પણ જીવનમાં કંઇક ખૂટતું હતું, જેથી આ
બધી સુવિધા હોવા છતાં સુખ અને શાંતિનો અહેસાસ
થતો ન હતો અને આ શોધ માટે જ જીવનને દાવ પર
લગાડ્યું. જંગલમાં જઇ સાચાં સુખ શાંતિ કેમ પ્રાપ્ત થાય એની
ચાવી લાવી આપણને આપી, પણ આપણે એ ‘‘ચાવી’’
જ ખોઇ નાખી.
જ્યારે આજે આપણે મહાવીર, બુદ્ધ, જિસસ કે મહમદના
અનુયાયી છીએ, પણ તેઓએ બતાવેલ માર્ગને ભૂલી
આપણે ન જાણે એવો માર્ગ પકડ્યો છે કે આખી
માનવજાત દુઃખમાં ધકેલાઇ ગઇ છે. હજુ પણ એક એવી
આશામાં આપણે જીવીએ છીએ કે કોઇ અવતારી પુરુષ
આવી આખી માનવજાતને સાચા રસ્તે દોરી બધાને
દુઃખમાંથી બહાર કાઢશે. મારું કામ લખવાનું હતું, મેં લખી
નાખ્યું. બાકી તો સમય સમયનું કામ કરશે. ઇશ્વર દરેકને
સદ્બુદ્ધિ આપે.