ઓકી દાતણ જે કરે નરણા હરડે ખાય,
દૂધે વાળું જે કરે, તે ઘરે વૈદ્ય ન જાય.
ખાંડ-મીઠું ને સોડા સફેદ ઝેર કહેવાય,
વિવેકથી ખાજો, નહિતર ના કહેવાય ના સહેવાય.
ચા, કૉફી ને કોકો વહેલી પડાવે પોકો,
સમજીને રોકો ને ટોકાય તો ટોકો.
પૈર ગરમ, પેટ નરમ, ઔર સરકો રખો ઠંડા,
અગર દાકતરબાબુ આવે તો ઉસકો મારો ડંડા.
મગ કહે હું લીલો દાણો, મારા માથે ચાંદું,
બે-ચાર મહિના ખાય તો માણસ ઉઠાડું માંદું.
ચાવીચાવી ખાવ આ છે નાની વાત,
સમજો શાનમાં નહીં પેટ ને દાંત.
હસતા રહો, ચાલતા રહો, ખાઓ ખૂબ ચાવી,
ભૂખ વગર ખાશો નહિ, છે આરોગ્યની આ ચાવી.
હજાર કામ છોડી જમવું, લાખ કામ છોડી સૂવું,
કરોડ કામ હોય તો મૂકવા, હાજત નહીં રોકવું.