૨ : ૧૭૩ - મૃત્યુ ન હોત તો ધર્મ ન હોત

એરિસ્ટોટલે કહ્યું છે કે, જો મૃત્યુ ન હોત તો જગતમાં
કોઇ પણ ધર્મ ન હોત. મૃત્યુ ન હોય તો જગતમાં જીવન
ન હોઇ શકે. મૃત્યુ એ કેવળ-માત્ર મનુષ્ય માટે છે એમ
લાગે છે, કારણકે માણસ અનુભવ કરી શકે છે, જોઇ શકે
છે, બીજાને મરતા જોઇને એ દુઃખી પણ થાય છે. આ
બધા અનુભવ પક્ષી, પશુ, ઝાડપાન નથી કરી શકતાં,
એટલે મૃત્યુ તો પશુ-પક્ષીને પણ થવા છતાં તે જાણી
નથી શકતાં, જે મનુષ્ય પૂરેપૂરી રીતે આંખ સામે મૃત્યુને
જુએ છે, જાણે છે.
પશુ-પંખી મરે છે, પણ મૃત્યુ અંગે ચિંતન કરવા
અસમર્થ છે. વૃક્ષ મરે છે, પણ એને મૃત્યુનો કોઇ બોધ
નથી, પણ મનુષ્ય મૃત્યુને જાણે છે અને મૃત્યુ નિશ્ચિત છે
એનો બોધ પણ છે, મનુષ્ય ભૂલવાની લાખ કોશિશ કરે,
પણ એ ભૂલવાથી કે પલાયન થવાથી કે છુપાવવાથી બચી
શકતો નથી.
મરણનો બોધ માત્ર મનુષ્યને જ છે, એટલે જ એ ધર્મને
જન્મ આપવા સમર્થ છે, બીજા જીવો ધર્મને જન્મ આપવા
અસમર્થ છે.
મૃત્યુ નિશ્ચિત છે એ સ્પષ્ટ થતાં જ જીવનનો અર્થ
બદલાઇ જાય છે, કારણકે મૃત્યુ નિશ્ચિત છે તો પછી
જીવનની જે શૂદ્રતાઓમાં આપણે જીવીએ છીએ એનો
અર્થ રહેતો નથી.
મૃત્યુ નિશ્ચિત છે, પણ ક્યારે થશે એ નિશ્ચિત નથી. એ
આ ક્ષણે પણ થઇ શકે છે અને વરસો પછી પણ થાય. વિજ્ઞાનની શોધ કદાચ આયુષ્યનાં વરસો વધારી આપે,
પણ મૃત્યુને ટાળી ન શકે.
મૃત્યુની ચિંતામાં જ ધર્મનો જન્મ થયો છે, પણ મૃત્યુની
ચિંતા આપણને બહુ સાલતી નથી, કારણકે માણસે,
રેલવેના બે ડબ્બા વચ્ચે જેમ બફર્સ હોય છે એમ મનમાં
બફર્સ રાખેલ છે. બફર્સ ડબ્બામાં બેઠેલા માણસોને ધક્કો
લાગવા દેતા નથી તેમ માણસને પણ મૃત્યુ જુએ છે, પણ
એનો ધક્કો લાગતો નથી.
આપણે જાણીએ છીએ કે, મૃત્યુ નક્કી છે, પણ એ
બીજા માટે છે, આપણા માટે નથી એવું મનમાં બફર્સની
જેમ ગોઠવી દીધેલ છે, જે ઘરનાં, પરિવારનાં, સંબંધીઓનાં
મૃત્યુ વખતે ધક્કો લાગવા દેતું નથી. સ્મશાને જાઓ ત્યારે
વિચાર આવે કે આપણે પણ એક દિવસ જવાનું છે, પણ
એનો અહેસાસ અંદર સુધી આવતો નથી. એ અહસોસ
બહાર જ રહી જાય છે.
બુદ્ધે અર્થી જોઇ અને સવાલ પૂછ્યો કે હું પણ મરીશ.
સારથિએ કહ્યું કે, ‘‘રાજન! ખોટું કેમ કહું, હા, તમે પણ
એક દિવસ મૃત્યુ પામશો.’’ બુદ્ધના એ જ સમયે મનના
બફર્સ તૂટી ગયા. સારથિને કહ્યું કે, ‘‘રથ વાપીસ લે
લો.’’ હું વૃદ્ધ થઇ ગયો છું, હું પણ પેલા વૃદ્ધની જેમ મૃત્યુ
પામીશ. જે આજ નહીં તો કાલ થવાનું છે એ સ્વીકારી લે
છે. એના જીવનમાં ધર્મનો પ્રવેશ થઇ જાય છે. બાકી તો
બધા મોતને સ્વીકારે છે, પણ જીવનમાં પ્રવેશ થવા દેતા
નથી. મોતને ટાળતા જ રહે છે. બધા જ વિચારે છે કે,
મોત નો હજુ દૂર છે. પચાસ વરસનો માણસ માને કે બધા
સાઠ વર્ષ તો જીવે છે, હજુ દશ વર્ષ બાકી છે. સાઠ વર્ષનો
માને છે કે બધા સિત્તેર વર્ષ સુધી જીવે છે, હજુ ઘણાં વર્ષ
બાકી છે. એંસી વર્ષનો માને છે કે હવે તો ઘણા લોકો સો વર્ષના થાય છે. આમ મોતથી ડરવાને બદલે મન સાથે
સમજૂતી કરી પોતાની જાતને છેતરે છે. પોતાની સામે જ
પોતા કરતા નાની ઉંમરના ઘણા મૃત્યુ પામે છે, પણ એનો
એ વિચાર કરવા માગતો જ નથી.
પણ જે વ્યક્તિ સંવેદનશીલ છે એ વ્યક્તિ બીજાના
મોતથી પોતે જાગી જાય છે. ગૌતમે લાકડીના ટેકે ચાલતા
વૃદ્ધને જોયો, અર્થી જોઇ અને જાગી ગયા અને સંસારને
એક ‘‘બુદ્ધ’’ મળ્યા, ભગવાન મળ્યા અને જે જાગી જાય
છે એ જ સાચા ધર્મમાં પ્રવેશ કરી શકે છે. બાકી બધા
તો મૃત્યુના ડરથી માત્ર ધર્મક્રિયા જ કરે છે. સાચા ધર્મમાં
પ્રવેશ પામી શકતા નથી.
જો મૃત્યુ થવાનું જ છે તો પછી માણસ વિચારે કે શા
માટે અપ્રામાણિકતા? શા માટે જુઠાણાં? શા માટે આટલો
બધો પરિગ્રહ? જે વ્યક્તિ આવું વિચારતો થઇ જાય છે એ
સાચા ધર્મમાં પ્રવેશ કરી જાય છે. એનો જીવન જીવવાનો
અભિગમ બદલાઇ જાય છે. એ સંસારમાં રહીને સંસારની
બહાર થઇ જાય છે.
બધા બુદ્ધિવાદી લોકો મોટીમોટી વાતો કરે કે, આત્મા
અમર છે. સાધુ-સંતો સમજાવે કે આત્મા અમર છે, પણ
આ ‘‘ઘા’’ પર મલમપટ્ટી લાગડવાથી વિશેષ નથી. આવી
અમરત્વની વાત એ આપણે મૃત્યુના ડરના હિસાબે બોલતા
હોઇએ છીએ. અંદર મૃત્યુનો ભય તો કાયમ સતાવતો જ
હોય છે અને આવી વ્યક્તિમાં ધર્મ પેદા થતો નથી, માત્ર
ધર્મક્રિયા કરી આત્મસંતોષ થાય છે કે ધર્મ ર્ક્યો. જ્યારે
મનના બફર્સ તૂટે છે ત્યારે ધર્મમાં પ્રવેશ થાય છે.