એક વખતની વાત છે. ત્રણ સ્ત્રીઓ પાણી ભરવા જતી
હતી. દૂર એક સાધુની ઝૂંપડીમાંથી અવાજ આવતો હતો
કે, ‘‘અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી
બડી બદમાશ’’. આ ત્રણે સ્ત્રીમાં પહેલી સ્ત્રી બ્રાહ્મણ
હતી. છેલ્લી સ્ત્રી વાણિયાણી હતી અને વચ્ચેવાળી
રાજપૂતાણી હતી. રાજપૂતાણી આ સાંભળીને ભડકી ગઇ
કે, આ સાધુએ મને બદમાશ કહી. હવે આ સાધુની ખેર
નથી.
ઘરે જઇને તેના પતિને કહે છે કે, સાધુએ મારું અપમાન
ર્ક્યું છે. મને ‘‘બડી બદમાશ’’ કહી છે.
આ સાંભળી રાજપૂત ગુસ્સામાં આવી હાથમાં તલવાર
લઇને સાધુની ઝૂંપડી તરફ ચાલ્યો. રાત્રિનો સમય હતો,
રસ્તો એકદમ સૂમસામ. ગામની બહાર ઝૂંપડીમાં બેઠેલ
સાધુ ‘‘અગલી ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી
બડી બદમાશ’’નો જાપ કરતો હતો. રાજપૂતને વિચાર
આવ્યો કે અત્યારે તો અહીં કોઇ સ્ત્રીઓ છે નહીં, છતાં
પણ સાધુ આમ કેમ બોલે છે. એટલે એ સાધુ પાસે
જઇને પૂછે છે કે તમે આમ કેમ બોલો છો કે, ‘‘અગલી
ભી અચ્છી, પીછલી ભી અચ્છી, બીચવાલી બડી
બદમાશ’’. અહીં સ્ત્રીઓ તો છે નહીં, પછી તમે કોને કહો
છો?
બેસ ભાઇ, બેસ! હું કોઇ સ્ત્રીઓને નથી કહેતો. હું તો
આપણા જીવન વિષે કહું છું. સાંભળ, આપણા જીવનનો
આગળનો ભાગ એટલે બચપણ, જેમાં કોઇ પણ પ્રકારની ચિંતા નહીં. ખાવું-પીવું ને ફરવું. નિર્દોેષ આનંદમાં જીવવું
એટલે ‘‘અગલ ભી અચ્છી’’ વાત બરાબર ને, સમજ્યો
ભાઇ.
હવે સાંભળ, પાછળની જિંદગી એટલે માણસનો બુઢાપો,
જેમાં ન કોઇ ચિંતા કમાવાની, ન ક્યાંય દોડવાની, ન કોઇ
સાથે માથાપચ્ચી કરવાની. શાંતિથી ઘરમાં રહેવાનું અને
જીવન પસાર કરવાનું, એટલે ‘‘પીછલી ભી અચ્છી...’’
વાત સમજાણી બરાબર. રાજપૂત કહ્યું... હા, બરાબર
સમજ્યો, પણ મારે તો ‘‘વચલી બડી બદમાશ’’ એ
સમજવાનું છે, કારણકે જે ત્રણ સ્ત્રીઓ સવારે તમારા
ઝૂંપડા પાસેથી નીકળી હતી તેમાં મારી પત્ની વચ્ચેવાળી
હતી.
તો હવે બરાબર ધ્યાનથી સાંભળ! બીચવાલી બડી
બદમાશ કીધેલ, કારણકે માણસની જિંદગીનો વચ્ચેનો
ભાગ એટલે યુવાની, જેમાં માણસને કામધંધો, નોકરી,
લગ્ન, ઘરસંસાર, રૂપિયા બચાવી પાછલી જિંદગી માટે
મહેનત કરવાની, અનેક જાતની જવાબદારી, દીકરા-દીકરીને
ભણાવવા-ગણાવવા, તેમને પરણાવવા આવી બધી તકલીફ
વચલી જિંદગીમાં જ આવે છે માટે ‘‘બીચવાલી બડી
બદમાશ’’, સમજ્યો હવે?
રાજપૂત સાધુની વાત સાંભળી સાધુને વંદન કરી ઘરે
જઇને પોતાની પત્નીેને આ સાધુએ કરેલ વાત સમજાવે
છે. રાજપૂતાણીને પણ સાંભળી અફસોસ થાય છે.
કોઇ પણ વસ્તુને સમજ્યા વગર નિર્ણય ન કરવો એ
કથાનો બોધ છે.