જિંદગી એ તો બાવન પતાંની પ્રભુ તારી રમત છે પ્યારી
કોને કેવા પતાં આપવા એ તારી ગમત છે ન્યારી
દરેક વિચારે કે હું જ જીતીશ હું જ જીતીશ આ રમતમાં
રમત પૂરી થતાંથતાં બધા રહી જાય છે ભ્રમમાં
સમયના ગર્ભમાં છુપાયેલ કર્મના ખેલને કોણ જાણે ભલા
ધર્મરાજ જેવા પણ દ્રૌપદીને ખેલમાં મૂકી ભાન ભૂલી ગયા
જાણવા છતાં આ બધું, આંખના પડળ કેમ ખૂલતા નથી
ન જાણે મોહ રાજાએ બાંધ્યા કેવા બંધન જગ મહીં
કોઇને આપે છે રમતમાં ત્રણ એક્કા ને કોઇને બે-ત્રણ-પાંચ
નથી સમજાતી આ રમત તારી કેવી ભલભલા ખાય થાપ
હમણાં જીતીશ હમણાં જીતીશ કરતા બધું મૂકી દીધું
કાળ કેરો પંજો આવ્યો, હતું એટલું બધું લૂંટી લીધું
ક્ષણભરમાં બધું હતું ન હતું થઇ ગયું નશો બધો ઊતરી ગયો
કાલના સુખના અભરખામાં આજના દુઃખમાં ડૂબી ગયો
હૈયામાં એક વાત વણી લેજો જીતતા નથી કોઇ જુગારી
છોડી દે બધું પ્રભુ પર, સમજ સાચી રાખ એ જ સમજદારી.