૨ : ૧૬૬ - ધર્મ કોને કહેશો?

એક વખત એક સાધુએ પોતાના થોડા શિષ્યોને
સંસારમાં, સંસારી અને સાધુતામાં ખરેખર ફેર શું છે એનો
અભ્યાસ કરવા માટે જુદીજુદી જગ્યાએ મોકલ્યા.
સમય પૂરો થતાં બધા શિષ્યો જ્ઞાન મેળવી પાછા ર્ફ્યા.
ગુરુ બધાના જ્ઞાન વિષે સાંભળી ખુશ થયા, પણ બધા
શિષ્યમાંથી એક શિષ્ય થોડા મહિના પછી પાછો ર્ફ્યો.
ગુરુએ આ શિષ્યને પૂછ્યું કે, તે તો ઘણા મહિનાઓ બહાર
રહી બધા કરતાં વધારે અનુભવ મેળવ્યો લાગે છે. તો તું
કહે કે તું બીજા કરતા શું વિશેષ શીખી આવ્યો. શિષ્યે
જવાબ આપ્યો કે, વિશેષ તો કંઇ નથી શીખી આવ્યો,
પણ જે કંઇ શીખેલ એ પણ ભૂલી આવ્યો છું. ગુરુને
શિષ્યનો જવાબ સાંભળી આશ્ચર્ય થયું કે બીજા કરતાં
વધારે સમય અનુભવ ર્ક્યો તોપણ વધુ શીખવાને બદલે
ભૂલીને આવ્યો!
એક દિવસની સંધ્યાકાળની વાત છે. આ શિષ્ય ગુરુના
પગ દબાવી રહ્યો હતો અને મનમાં ને મનમાં ધીમેથી
બબડ્યો કે મંદિર તો સુંદર છે, પણ મંદિરમાં ભગવાન
નથી. સાંભળીને ગુરુ ગુસ્સામાં આવી ગયા. ગુરુ સમજી
ગયા કે મારા સુંદર શરીરને મંદિર કહે છે અને મારામાં
ભગવાન જેવું કશું જ નથી, ખાલીખમ છે. ગુરુને જોઇને
શિષ્ય હસવા લાગ્યો. ગુરુને આ જોઇને કોઇએ અગ્નિમાં
ઘી હોમ્યું હોય એવું લાગ્યું. ગુરુએ તુરત તે શિષ્યને
આશ્રમમાંથી કાઢી મૂક્યો. ઘણા વખત પછી એક સવારે ગુરુ ધર્મગ્રંથનું વાંચન કરી
રહ્યા હતા ત્યાં આ શિષ્ય આવી ચડ્યો. ગુરુ વાંચી રહ્યા
હતા ત્યાં એક મધમાખી આવી અને મધમાખી બહાર
જવા માટે રસ્તો ગોતતી હતી. દરવાજો તો ખુલ્લો હતો
જ્યાંથી તે આવી હતી, પણ એ બંધ બારીમાંથી નીકળવા
પ્રયત્ન કરતી હતી. તેનો ગણગણાટ સવારની શાંતિનો
ભંગ કરતી હતી.
શિષ્યે આ જોયું એટલે ઊભો થઇને મધમાખીને કહે છે,
અરે! નાસમજ, ત્યાં દ્વાર નથી, ત્યાં તો દીવાલ છે. જરા
ઊભી રહે અને જો તું જ્યાંથી આવી છે ત્યાં દ્વાર છે.
મધમાખી શું સાંભળે! ગુરુએ જરૂર સાંભળ્યું અને વર્ષોના
અધ્યયને ન આપ્યું તે આ શિષ્યના શબ્દોએ કહી દીધું.
પહેલી વખત તેમણે શિષ્યની આંખમાં જોયું અને એમને
લાગ્યું કે જ્યારે એને આશ્રમ છોડી બહાર સંસારમાં કંઇક
જાણવા માટે મોકલેલ હતો તે શિષ્ય અને આજના આ
શિષ્યની આંખમાં બહુ મોટો ફેર છે. વર્ષો પહેલાં તેની
આંખમાં જે દેખાતું હતું તેના કરતાં આજ કંઇક વિશેષ,
અલૌકિક, કંઇક ન સમજાય એવું તેજ ઝળહળતું હતું. તે
જે કંઇ શીખીને આવ્યો હતો તે સાધારણ નહીં, પણ
અસાધારણ હતું.
ગુરુએ આજ પહેલી વખત શિષ્યને પૂછ્યું કે, મારું મંદિર
ભગવાનથી ખાલી છે અને દીવાલ સાથે માથું પટકી રહ્યો
છું, હવે મારે આમાંથી કેમ બહાર આવવું એ તું જ મને
બતાવ. મેં તને જ્યારે પહેલી વાર આશ્રમમાંથી કાઢી
મૂક્યો ત્યારે હું નહોતો જાણતો કે તું ખરેખર જ્ઞાની છો.
પણ આજ તારી આંખો જોઇને લાગે છે કે તેં જે પ્રાપ્ત
ર્ક્યું છે એ હું પ્રાપ્ત નથી કરી શક્યો. હવે તું મને રસ્તો
બતાવું, હું પણ મધમાખીની જેમ માથું પછાડી રહ્યો છું. શિષ્યે કહ્યું કે, તમે ભગવાનને ચાહો છો તો સ્વયંથી
પહેલા ખાલી થઇ જાવ. જે સ્વયંથી ભરેલ છે તે ભગવાનથી
ખાલી રહે છે અને સ્વયંથી ખાલી છે તે ભગવાનથી ભરેલ
છે. ગુરુએ જોયું કે મધમાખી હવે કાંઇ જ નથી કરતી. એ
દીવાલ પર બેઠી છે અને બસ બેઠી છે. એ સત્ય સમજી
ગઇ છે. હવે એ શાંત થઇને જ્યાંથી આવી હતી એ જ
રસ્તો જવા માટે ગોતે છે.
ગુરુના મનમાં વીજળી ચમકી. તેણે જોયું કે હવે મધમાખી
દ્વારથી બહાર જઇ રહી છે.
આ કથા એક સંદેશ આપે છે કે ભગવાનને મેળવવા
કંઇ કરવાનું નથી હોતું. માત્ર શાંત ચિત્ત અને શૂન્ય ચિત્ત
જ દ્વાર ખોલી આપે છે, જેના દ્વારા બહાર નીકળી જવાય
છે. શિષ્યે ગુરુને રસ્તો બતાવ્યો. પહેલી વખતે શિષ્યે જ્યારે
કહેલ કે, હું બધું ભૂલીને આવ્યો છું, ‘‘આને જ ધર્મ
કહેવાય’’. એ સાચો ધર્મ શીખીને આવેલ હતો, પણ ગુરુ
સમજી ન શક્યા અને બીજી વાર જ્યારે એ આવ્યો ત્યારે
ખબર પડી.