‘‘ઓશો’’ પોતાના પ્રવચનમાં ઘણીબધી એવી વાતોનો
ઉલ્લેખ કરતા જે કદાચ તેની બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલ હોય
એવું લાગે, પણ એની બધી વાતો, કથાઓ-દ્રષ્ટાંતો
એટલાં બધાં ધારદાર હોય કે વાંચનારના હૃદયમાં સીધાં
અંદર સુધી ઊતરી જાય. એક આવી જ વાત તેમણે
પોતાના પ્રવચનમાં કરેલ.
એક વખત ઘણાબધા બુદ્ધિશાળી, જ્ઞાની, પંડિતો વગેરે
ભેગા થયા હતા અને ધર્મ પર ચર્ચા ચાલતી હતી. દરેક લોકો
જુદાંજુદાં દર્શનોથી પરિચિત છે. ધર્મમાં કેટલા મત છે, કેટલા
વિચારો છે એ બધું લોકોને બરાબર ખબર છે. તેમની બુદ્ધિ
સત્યથી નથી ભરેલ, પણ સત્ય પર બીજાઓએ શું કહ્યું છે
તેનાથી સત્ય જાણી શકાય છે એવું માને છે. સત્ય જાણે કે
કોઈ વિચાર છે, કોઈ મત છે અને કોઈ બૌદ્ધિક તાર્કિક નિષ્કર્ષ
છે! હવે આ બધા લોકો પોતે જ સાચા છે એ સમજાવવા
કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી.
આ ચર્ચામાં ઓશો પણ હાજર હતા, પણ એ ‘‘મૌન’’
હતા. ઓશોને મૌન જોઈને કોઈએ પૂછ્યું કે, તમારો શું
અભિપ્રાય છે? ઓશોએ જવાબ આપ્યો, મારો કોઈ
અભિપ્રાય નથી. જ્યાં સુધી અભિપ્રાય છે ત્યાં સુધી સત્ય
નથી. વિચારોની જ્યાં સમાપ્તિ છે, સત્યનો ત્યાં પ્રારંભ
થાય છે.
‘‘ઓશો’’ના વધુ ઉત્તર માટે બધા ઉત્સુક હતા એટલે
એમણે એક વાર્તા કરી.
એક બૌદ્ધ સાધુ હતો. નામ ‘‘બોધિધર્મ’’. આ સાધુ
ઈશુની છઠ્ઠી સદીમાં ચીન ગયો હતો. થોડાં વર્ષો ત્યાં રહ્યો. પછી ઘરે પાછા ફરવા વિચાર્યું. પોતાના બધા શિષ્યોને
ભેગા કરીને એ જાણવા માગતો હતો કે, તેના શિષ્યોમાં
‘‘સત્ય’’ની કેટલી ગતિ થઈ છે.
આના જવાબમાં પહેલા શિષ્યે કહ્યું કે, મારા મત
પ્રમાણે સત્ય સ્વીકાર-અસ્વીકારની અતીત છે (પરે છે). ન
કહી શકાય કે છે, ન કહીં શકાય કે નથી, કારણકે એવું જ
તેનું સ્વરૂપ છે.
‘‘બોધિધર્મ બોલ્યો,’’ તારી પાસે મારી ચામડી છે.
બીજાએ કહ્યુંઃ મારી દૃષ્ટિમાં સત્ય આંતરદૃષ્ટિ છે. તેને
એકવાર પામી લીધું તો પામી લીધુ, પછી તે ખોવાતું નથી.
‘‘બોધિધર્મ’’ બોલ્યો : ‘‘તારી પાસે મારું માંસ છે,’’
ત્રીજાએ કહ્યું, હું મૌન છું કે પંચમહાભૂત શૂન્ય છે અને
પંચસુધ પણ અવાસ્તવિક છે. આ શૂન્યતા જ સત્ય છે
‘‘બોધિધર્મે’’ કહ્યું, તારી પાસે મારાં હાડકાં છે અને
અંતમાં એક શિષ્ય ઊઠ્યો જે જાણતો હતો. તેણે ગુરુનાં
ચરણમાં માથું ઝુકાવી દીધું અને મૌન રહ્યો. તે ચૂપ હતો
અને તેની આંખો શૂન્ય હતી. બોધિધર્મે કહ્યું, તારી પાસે
મારી મજ્ઝા છે, મારો આત્મા છે’’.
‘‘આ વાર્તા એ જ ઓશોનો ઉત્તર હતો’’