એક દિવસ એક વહેલી સવારે હું હજુ ચા પીતો હતો
ત્યાં મોબાઈલની રિંગ વાગી. ઉપાડ્યો તો સામેથી એક
અજાણી વ્યક્તિનો અવાજ આવ્યો એટલે મેં કોણ બોલો
છો? એમ પૂછ્યું. સામેથી જવાબ આવ્યો કે, હું તમને
ઓળખતો નથી, પણ હમણાં જ તમારો લેખ એક
મૅગેઝિનમાં વાચ્યો એટલે તમને ફોન કર્યો. તમે જે હમણાં
એક લેખ લખેલ છે જેનું હેડિંગ તમે ‘‘તપ તમે કોને
કહેશો?’’ આપેલ છે એ લેખ ખરેખર બહુ જ સુંદર છે,
તમારાં વખાણ કરવા માટે આ ફોન નથી કર્યો, પણ
વાચી મને લાગ્યું કે, તમારા લેખના જે ‘‘સાધક’’ છે
એવી જ મારી દશા હતી.
તમારો લેખ વાંચી મારા જીવનમાં એક પરિવર્તન આવી
ગયું છે. આવા લેખ લખી સમાજમાં જે રૂપિયાથી નથી થતું
તે તમારા લેખ દ્વારા કરી દીધેલ છે એવું મને લાગે છે.
મેં બધું સાંભળ્યા પછી એટલું જ કહ્યું કે, ભાઈ! હું પણ
તમને જાણતો નથી, પણ તમે લેખ વાંચી પ્રભાવિત થયા
છો એ જાણી મને ખૂબખૂબ આનંદ થાય છે. હવે તમને
એક સત્ય વાત કરું, હું જે લેખ લખું છું એ લેખના
વિચારો બધા મારા નથી, કંઈક મેં પણ તમારી જેમ ક્યાંક
વાચ્યું, સાંભળ્યું, મનન કર્યું અને છેવટે શબ્દો ગોઠવીને
સમાજ આગળ મૂક્યા. આમાં તમને મારી વાત ગમી ગઈ,
તમારા હદય સુધી પહોંચી ગઈ, આનાથી વિશેષ મારા માટે
બીજું શું હોઈ શકે? હવે આજ જ્યારે કંઈક હું લખવા જ
બેઠો છું તો તમને જે લેખ ગમ્યો એનો થોડો ભાગ આ વાંચનારને પણ કંઈક પ્રેરણા આપશે એમ માની અહીં રજૂ
કરું છું.
સંત આપણે એ વ્યક્તિને કહીશું કે જે સત્યને પામી
ચૂકેલ છે. આવા એક સંત પાસે સાધના કરતાંકરતાં
વૃદ્ધાવસ્થાએ પહોંચેલ, શરીર સુકલકડી જેવું થઈ ગયેલ છે,
આંખો ઊંડી ઊતરી ગઈ છે, ચાલવાની શક્તિ ક્ષીણ થઈ
ગયેલ છે એવા એક સાધુ એક દિવસ મળવા આવે છે,
પોતાને બહુ સતાવવાને, આત્મપીડનને જે સાધના માને
છે. ઈશ્વર પ્રાપ્ત કરવા માટે ઉત્સુક એવા ઘણા માણસો
સંસારી હોય કે સાધુ, આવી ભૂલથી સાચો રસ્તો ભૂલી
જાય છે. ઈશ્વરને પામવા, પ્રભુને પામવા, મોક્ષ પામવો,
જે કહો તે, આ બધું કરવા માટે જે શરીરને અતિકષ્ટ
આપવા માંડે છે, સંસારમાં રહી સંસારને નિષેધરૂપથી જોવા
લાગે છે અને આ નકારાત્મક દૃષ્ટિ તેમની સાધનામાં મોટી
બાધા બની જાય છે.
એમને ખયાલ પણ નથી રહેતો કે આ નિષેધભાવ,
નકારાત્મક વલણ એને પ્રભુ પામવાના માર્ગમાં એક
ચઢાણ બની જાય છે. સત્ય તો એ છે કે, દેહને પીડા દેનાર
દેહવાદી જ હોય છે. સંસારના વિરોધનું સૂક્ષ્મ રૂપ સંસાર જ
છે. સંસાર પ્રત્યે ભોગદૃષ્ટિવાળો જેટલો સંસારથી બંધાયેલ
હોય છે તેનાથી વધારે આવા લોકો જે સંસારને ધિક્કારે છે
એ સંસારથી બંધાયેલ હોય છે.
સંસાર એ શરીરનો વિરોધ નહીં,
પણ અતિક્રમણ કરવું એ સાધના છે.
અને આ દિશા ન ભોગની છે
અને આ દિશા ન દમનની છે,
આ દિશા બન્નેથી ભિન્ન છે.
એ ત્રીજી દિશા છે, જે સંયમની છે. બે બિંદુઓની વચ્ચે મધ્યબિંદુ શોધી લેવું એ સંયમ છે.
કોઈ પણ અતિ અસંયમ છે
મધ્ય સંયમ છે
અતિ વિનાશ છે
મધ્ય જીવન છે.
જે અતિ પકડે છે તે આખિર નષ્ટ થઈ જાય છે.
અતિભોગ અને અતિદમન જીવનને નષ્ટ કરી દે છે.
અતિ જ અજ્ઞાન છે અને અંધકાર છે અને મૃત્યુ પણ છે.
મધ્યમાર્ગ સ્વીકારનાર મોક્ષ સુધી પહોંચી જાય છે.
સંયમ એ સંગીતની જેમ એક સાધના છે.
વીણાના તાર એટલા ન કસવા કે એ તૂટી જાય
અને એટલા ઢીલા પણ ન મૂકવા કે એ બેસુરા બની જાય
તારને એટલા ઢીલા પણ ન રખાય કે ન એટલા
કસાય. તારને એવી સ્થિતિમાં રખાય કે એમાંથી સુંદર
સંગીત પેદા થાય. જીવનમાં પણ આ જ નિયમ છે.
સંયમમાં પણ કોઈ અતિ ઉપર નથી જવાનું.
અતિ ઉપર જતાં જ સંયમનું સંગીતબિંદુ તૂટી જાય છે,
માટે અતિ ઉપર ના જતા મધ્યમાં રહેવાથી સત્યની
પ્રાપ્તિ જરૂર થાય છે.
સાધુ આ બધું સાંભળીને સંત પાસેથી જ્યારે રજા લે છે
ત્યારે તેની આંખમાં એક નવો પ્રકાશ જોવા મળે છે. સંત
જુએ છે કે, સાધુ જ્યારે આવેલ ત્યારે અને હવે જાય છે એ
બે વચ્ચે જમીન-આસમાનનો ફેર દેખાયો. આવેલ ત્યારે
અશાંત અને દુઃખી હતો. જતી વખતે શાંત અને સ્વસ્થ
થઈને જઈ રહ્યો હતો.
સાધુએ જતાંજતાં એટલું જ કહ્યું કે, હવે નથી કંઈ
છોડવાનું રહ્યું કે નથી કંઈ પામવાનું રહ્યું, જાણે કે બધું જ
છૂટી ગયું અને બધું જ પ્રાપ્ત થઈ ગયું.
આને કહેવાય ‘‘તપ.’’