૨ : ૧૫૭ - સાચી મિત્રતા

એક જૂના જમાનાની વાત છે. એક રાજકુમાર અને
એક વેપારીના પુત્રની વાત છે. આ બન્નેની ગાઢ દોસ્તી
હતી. માણસ જે પોતાનાં મા-બાપને વાત ન કરે એ
પોતાના મિત્રને વાત કરતા હોય છે.
સમય પસાર થતાં રાજાનું અવસાન થાય છે અને
રાજકુમાર ગાદી પર આવે છે. બીજી બાજુ વણિક વેપારીના
પુત્રના પિતાનું પણ અવસાન થાય છે. આથી વેપારી પુત્ર
પર પિતાના ચંદનનાં લાકડાંનો ધંધો સંભાળવાનો ભાર
આવ્યો.
વેપારી પુત્ર વેપાર કરવામાં બહુ પાવરધો હતો. પિતાના
જીવતા જ ચંદનનાં લાકડાંનો ધંધો બરાબર શીખેલ હતો,
એટલે થોડા સમયમાં તેના પિતા કરતાં પણ ધંધો સારો
જમાવી દીધો. બીજી બાજુ રાજકુમાર પણ એટલો જ
હોશિયાર હતો. એણે પણ રૈયત પર પોતાનું વર્ચસ્‌ જમાવી
દીધું.
વર્ષોનાં વાણાં વીતી ગયાં, પણ બન્નેની મિત્રતામાં કંઈ
ખોટ આવી નહીં. રાજકુમાર અને વેપારીના પુત્રની મિત્રતા
આખા રાજ્યમાં જાણીતી હતી. કોઈ પણ મિત્રતાની વાત
કરે તો દાખલો રાજકુમાર અને વેપારીના પુત્રનો આપે.
કહે કે, મિત્રતા તો આવી હોવી જોઈએ. શરીરથી અલગ,
પણ બન્નેના આત્મા એક. આવી ગાઢ મિત્રતામાં જ જાણે
વેપારીના પુત્રના ધંધામાં ઓટ આવવા લાગી. ચંદનનાં
લાકડાંને ધંધો મંદ પડવા લાગ્યો. ચંદનનાં લાકડાંનો
ભરાવો થવા લાગ્યો. આસ્તેઆસ્તે લાકડાંની સડવાની
બીક લાગવા માંડી. એક દિવસ વેપારીનો પુત્ર મંદિરમાં પૂજા કરવા બેઠેલ ત્યાં
તેને વિચાર આવ્યો કે આમ ને આમ ચાલ્યું તો મારાં બધાં જ
લાકડાં સડી જશે. પછી કોઈ લેશે પણ નહીં અને મારા
ધંધામાં મોટી ખોટ આવી પડશે અને હું બરબાદ થઈ જઈશ.
આમ વિચારતાંવિચારતાં એને વિચાર આવ્યો કે જો રાજકુમારનું
અવસાન થઈ જાય તો રાજાને ચંદનનાં લાકડાંમાં બાળવામાં
આવે છે માટે મારી પાસે જે સ્ટૉકમાં લાકડાંનો ભરાવો છે, એ
બધો ખપી જાય અને હું બરબાદ થતો રહી જાઉં.
બીજી બાજુ રાજકુમાર મંદિરમાં પ્રાર્થના કરવા ગયેલ.
એ વિચાર કરે છે કે મારો મિત્ર ચંદનનાં લાકડાંનો મોટો
વેપારી છે. ચંદનનાં લાકડાંના ભાવ હંમેશાં વધતા જ જાય
છે, પણ મારો મિત્ર સાચું-ખોટું કરીને સરકારી (રાજ્યનો)
કર ભરવામાં ખોટું-સાચું કરે છે અને રૂપિયા બચાવી
કરોડપતિ બની ગયો. આમ રાજ્યને મોટું નુકસાન થાય
છે. અગર એનું મૃત્યુ થાય તો એની બધી મિલકત રાજને
મળી જાય. બન્ને મિત્રો એકબીજા માટે ખરાબ વિચારે ચડી
ગયા.
તે દિવસે સાંજે બન્ને મિત્રો મળે છે, પણ બન્નેની
જબાન આજ ચાલતી નો’તી. જાણે કે બન્ને વચ્ચે મૌન
વ્યાપી ગયું ન હોય એવું લાગે.
આખિર રાજકુમાર ક્ષત્રિય તો ખરો. હિંમત કરી વણિક
પુત્રને કહે છે, મારે તને એક વાત કરવાની છે. મારા
મનમાં એક મોટો બોજ છે.
આ બોજ મારા ખાસ મિત્રથી છુપાવવા માગતો નથી,
કારણકે આ બોજ મને શાંતિથી રાજ કરવા નહીં દે.
અરે! બોલ શું છે તારો બોજ. હું તો તારો ખાસ મિત્ર છું.
ગમે તેવો તારો બોજ હું હળવો કરી દઈશ. તું ફિકર ન કર.
રાજકુમાર કહે છે, આપણે નાનાથી મોટા સાથે થયા,
જિંદગીભર દોસ્તી રાખી, પણ મને ખબર નથી પડતી કે મને આજ તારા માટે ખરાબ વિચાર કેમ આવ્યો?
વણિક પુત્ર બોલ્યો, કહે તો ખરો, શું ખરાબ વિચાર
આવ્યો? રાજકુમારે કહ્યું, તો સાંભળ, હું મંદિરમાં આજે
ભગવાન પાસે પ્રાર્થના કરતો હતો ત્યારે મને વિચાર
આવ્યો કે, મારો મિત્ર ચંદનનાં લાકડાંમાં કરોડો રૂપિયા
કમાય છે, પણ રાજ્યનો કર બહુ જ ઓછો ભરે છે. જો
મારા મિત્રનું અવસાન થાય તો તેની બધી મિલકત
રાજ્યને મળી જાય અને રાજ્યની તિજોરી ભરાઈ જાય.
બસ, આ માટે ચિંતિત છું કે, મારા ખાસ મિત્ર માટે મને
આવો વિચાર કેમ આવ્યો. આપણી દોસ્તીમાં ક્યાંક ખામી
આવી ગઈ કે ઊધઈ લાગી ગઈ.
વણિક પુત્ર બોલ્યો, તું ચિંતા છોડ, તે જે વિચાર કર્યો
એ પહેલાં એ વિચાર મારા મનમાં પણ ઉદ્‌ભવેલ. તેના
રજકણ તારા સુધી પહોંચી ગયેલ હશે.
મને તારા માટે આવો જ હલકો વિચાર આવેલ કે મારો
મિત્ર રાજકુમાર છે અને જો તેનું અવસાન થાય તો મારાં
ચંદનનાં લાકડાં ઘણા સમયથી પડ્યાં છે એ એની ચિતામાં
વપરાઈ જાય અને હું બરબાદીમાંથી ઊગરી જાઉં. મિત્ર!
તારાં કરતાં મને પહેલાં તારા માટે ખરાબ વિચાર આવ્યો.
તને ખરાબ વિચાર આવ્યો એમાં તારો વાંક નથી, મારો
જ વાંક છે. તું રાજા છે, તારે જે પણ સજા કરવી હોય તે
તું કરી શકે છે. મેં મારા દિલોજાન દોસ્ત માટે આવો
ખરાબ વિચાર કેમ કર્યો એ મને હજી સમજાતું નથી.
રાજકુમારની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં અને એ
મિત્રને ભેટી પડ્યો. આપણે બન્નેએ ગુનાનો એકરાર કર્યો
આથી વિશેષ શું હોય?
બન્ને ચોધાર આંસુએ ખૂબખૂબ રડ્યા અને કહેવાય છે કે
બન્નેનાં મૃત્યુ એક જ દિવસે, એક જ સમયે થયાં અને
બન્નેને ચંદનનાં લાકડાંમાં અગ્નિદાહ દીધો.