એક જૂના જમાનાની વાત છે.
એક સુથાર લાકડાનો પોપટ બનાવતો હતો. છેલ્લે
પોપટની ચાંચ બનાવતાબનાવતા ચાંચ ટૂટી ગઈ, એટલે
અફસોસ ન કરતા મનમાં વિચારે છે કે, જે થવાનું હતું તે
થઈ ગયું. તુરત બીજું લાકડું લઈને પોપટ બનાવવા લાગી
ગયો.
આવી જ રીતે એક શિલ્પકાર મૂર્તિ બનાવતો હતો.
મૂર્તિ તૈયાર થઈ ગઈ. હવે માત્ર આંખની જગ્યાએ આંખનો
ઓપ આપી રહ્યો હતો ત્યાં પાંપણ ખરી પડી. મૂર્તિ
ખંડિત થઈ ગઈ, છતાં પણ શિલ્પકાર નિરાશ ન થયો.
વિચારે છે કે ઈશ્વરની ઈચ્છા નહીં હોય, નહીં તો છેલ્લી
ઘડીએ પાંપણ ન ખરે. બીજો પથ્થર લઈને નવી મૂર્તિ
બનાવવા બેસી જાય છે.
છેલ્લે એક ચિત્રકાર પોતાનું સુંદર ચિત્ર બનાવવા બેસે
છે. આ ચિત્ર મોરનું ચિત્ર હતું, બધા જ સુંદર રંગ મોરના
ભરાઈ ગયા હતા. છેલ્લે બ્લુ રંગનું મોરનું પીછું કરતો હતો
ત્યાં તેનો નાનો દીકરો દોડતો આવે છે અને રંગ ઢોળી
નાખે છે. આખું ચિત્ર રંગથી ખરાબ થઈ જાય છે. બધી જ
મહેનત પાણીમાં ગઈ, પણ ચિત્રકાર વિચારે છે કે, બાળક
છે, એને શું ખબર પડે. મોટો થશે, મારી જેમ બધું સમજી
જશે, આટલું વિચારે છે અને ફરી નવું ચિત્ર બનાવવામાં
લાગી જાય છે. આવી દશા જે ત્રણ અલગઅલગ વ્યક્તિની
છે એવી દશા દરેકના જીવનમાં આવી જાય તો જીવન
બદલાઈ જાય. આને કહેવાય ‘‘સકારાત્મક ચિત્ત દશા’’