‘‘સમય’’ એ એક અજીબ વસ્તુ હોય એમ લાગ્યા વગર
રહે નહીં. હું હજુ વિચાર કરતો હતો કે મારે કંઈક ‘‘સમય’’
પર લખવું છે. જ્યાં વિચાર કર્યો ને વિચારું ત્યાં તો
‘‘સમય’’ ચાલ્યો ગયો. જે સમયે હું કંઈક વિચરવા માગતો
હતો.
બસ હરપળ ‘‘સમય’’ તો આગળ ને આગળ ચાલતો
જ રહે છે અને આપણે પાછળપાછળ દોડતા જ રહીએ
છીએ. દરેક નામાંકિત વ્યક્તિને પૂછો, તો કહેશે કે એટલો
કામમાં વ્યસ્ત છું કે એક પળની પણ ફુરસદ નથી.
સામાન્ય માણસથી લઈ સાધુ-સંત ને સંસારી દરેક આમાં
ફસાયેલ છે. દરેક કંઈક ને કંઈક પકડવાની મથામણમાં છે.
આ વિશાળ સંસારના ફલક પર કેટલું પામી શકીએ!
સમય તો વહેતો જ જાય છે અને આપણે એક દિવસ
અંતિમ ઘડીએ આવીને ‘‘સમય’’ને કોસતા ઊભા રહીએ
છીએ. બહુ મહેનત કરી, પણ હાથ કશું ન લાગ્યું, સમયે
સાથ ન દીધો. સમય ઓછો પડ્યો, ઘણુંબધું કરવું હતું,
આવી વાતો કરીને છેવટે સંતોષ અનુભવીએ છીએ.
માણસ જાણતો નથી કે જેને તું પકડવા માગતો હોય
છે એ ‘‘સમય’’ કદી પકડી શકાતો જ નથી. ‘‘સમય’’
અવિરત ઝરણાંની જેમ વહેતો જ હોય છે. જેમ કોઈ વહેતાં
ઝરણાંમાં પગ મૂકીએ અને વિચારે કે મેં ઝરણાંમાં પગ
મૂક્યો, પણ એટલી વારમાં તો જેના પર પગ મૂક્યો હતો
તે પાણી તો ક્યારનું વહી ચૂક્યું. બસ જીવનની હરેક પળ
નવી હોય છે. માનવી આ સમજવા માગતો નથી અને ‘‘સમય’’ને પકડવામાં મશગૂલ હોય છે. જાણે હમણાં જ
બધા ઓરતા પૂરા કરી લઈશ, જાણે હમણાં જ બધાં
સપનાં સાકાર કરી લઈશ, થોડા સમયમાં આસમાનને
આંબી લઈશ, સમય મળતા બીજા કરતાં આગળ નીકળી
જઈશ, થોડા સમયમાં મોટો જ્ઞાની થઈ જઈશ, મોટો
વક્તા થઈ જઈશ. બસ, આવા ને આવા વિચારમાં સમય
પસાર થઇ જાય છે અને જીવનનો સૂર્યાસ્ત થવા લાગે છે
અને જ્યાં પહોંચવાનું હતું તે રહી જાય છે.
આ ક્યાંક પહોંચવાની માયાજાળ જ માનવીને ભટકાવી
દે છે. જ્યારે આ ઈચ્છાઓની જાળમાંથી બહાર આવી જુએ
છે ત્યારે સમજાય છે કે, અરે ક્યાં દોડતો હતો, મારે તો
ક્યાંય સમયને પકડવાનો હતો જ નહીં, ‘‘મારે તો જ્યાં હું
ઊભો હતો ત્યાં જ પહોંચવાનું હતું.’’ નાહકનો જીવનભર
મથામણ કરતો રહ્યો. હમણાં જ બધું મેળવી લઉં, હમણાં
જ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, હમણાં જ વિશ્વ પર
આધિપત્ય સ્થાપી દઉં, વગેરે વાસનાઓ જ રોકી રાખેલ.
જ્યારે આ બધી દોડ બંધ થાય છે ત્યારે જે જોઈતું હોય
છે એ પ્રાપ્ત થાય છે અને એટલે જ મહાવીર અને બુદ્ધે
કહ્યું કે, નાહકના દોડો છો, ‘‘તમારે ત્યાં પહોંચવાનું છે,
જ્યાં તમે ઊભા છો.’’ કેવી સુંદર વાત, પણ આટલું
સમજતાસમજતા આપણું જીવન પૂરું થઈ જાય છે અને
ખરેખર સમયે સમજાઈ જાય તો જીવન ધન્ય બની જાય.
‘‘સમય’’નો વાંક ન કાઢતાં હજુ સમય છે સમજી જવાનો.
બસ આજ આટલું બસ.