૨ : ૧૪૬ - લોભને થોભ ન હોય

સાહિત્ય જગતમાં જેનું નામ ઉચ્ચ સ્થાન પર છે એવા
ટૉલ્સટૉયની વાર્તા વાંચવાનો મોકા મળે તો ચૂકતા નહીં.
માત્ર વાર્તા વાંચવા કરતાં પણ જીવનમાં ઉતારવાનું ન
ભુલાય એવી અત્યારના યુગને સ્પર્શે એવી એક કથા છે.
જો આ કથાને દરેક માણસ જીવનમાં વણી લે તો સ્વર્ગ
હોય કે ન હોય, પણ આ પૃથ્વી પર જરૂર સ્વર્ગ ઊતરી
આવે. તો ચાલો શરૂ કરું છું એ કથા.
એક નાના એવા ગામમાં નાનું એવું મકાન બનાવી
એક ખેડૂત સુખેથી રહેતો હતો. ત્યાં એક દિવસ સાધુ તેને
ત્યાં રાતવાસો કરવા આવેલ. રાત્રે સાધુ જોડે સત્સંગ કર્યો.
સાધુએ પોતાના જીવનની ખાટીમીઠી વાતો સંભળાવી.
થોડી વાતો ખેડૂતે પણ સંભળાવી. ગ્રામ્યજીવન કેટલું કઠિન
છે, ખેતીવાડી કરી માંડમાંડ ગુજરાન ચાલે છે, ક્યારેક
દુકાળ પડે તો વેપારીના ઉધાર લીધેલા રૂપિયા ચૂકવવામાં
ઘરનાં ઘરેણાં-દાગીના પણ વેંચી નાખવા પડે છે, આવી
બધી દુઃખની વાતો ખેડૂતે સાધુને સંભળાવી.
સાધુને મનમાં થયું કે લાવ આ ગરીબ ખેડૂતને કંઈક
રસ્તો બતાવું.
સાધુએ ખેડૂતને કહ્યું, જો ભાઈ! તું વરસ આખી
આટલી મહેનત કરે છે, કાળી મજૂરી કરે છે, પણ એક
ટંકનું ખાવાનું માંડમાંડ પૂરું થાય છે. એના કરતાં તું
સાયબેરિયા જતો રહે. જ્યારે હું સાયબેરિયામાં યાત્રા કરતો
હતો ત્યારે ત્યાં મેં જોયું કે જમીન બહુ સસ્તી અને સારી
ઊપજ થાય એવી મળે છે, માટે તું અહીંથી ત્યાં જતો રહે. માટે અહીંની ખેતીવાડી વેંચી ત્યાં જમીન ખરીદી લઈશ તો
આ ખેતર કરતાં દશ ગણી જમીન મળશે અને આના
કરતાં તારી ઊપજ દશ ગણી થઈ જશે. ખેડૂતને સાધુની
વાત ગળે ઊતરી ગઈ.
ઘરવાળીને વાત કરી. ઘરવાળા બધાને સાધુની વાત
ગમી ગઈ અને સાયબેરિયામાં જવાનું નક્કી કર્યું. ખેતર
વેંચી કુટુંબ સાથે ખેડૂત સાયબેરિયા પહોંચી ગયો. જમીન
લેવાની વાતચીત ચાલતી હતી ત્યાં તેને સમાચાર મળ્યા કે
સાયબેરિયાના રાજાએ પોતાની જમીન મફતમાં આપવા
નક્કી કરેલ છે, પણ સાથે એક શરત મૂકી છે કે જે
માણસ ‘‘સૂર્યોદય થતાં ચાલવાનું શરૂ કરે અને સૂર્યાસ્ત
થાય ત્યાં સુધીમાં જ્યાંથી ચાલવાનું શરૂ કરેલ હોય ત્યાં
પાછું પહોંચવાનું. તો એ વ્યક્તિને જે જેમીન પર એ
ચાલ્યો હોય એટલી જમીન મફતમાં આપવામાં આવશે.’’
ખેડૂતે રાજાની શરત સ્વીકારી ને ગામના બધાની
હાજરીમાં સૂર્યોદય થતાં ચાલવાનું શરૂ કર્યું. ખાવા-પીવાનું
સાથે લીધેલ, પણ ખાવા-પીવાનું પછી કરીશ એમ વિચારીને
આગળ ને આગળ ચાલતો રહ્યો. આમ ને આમ બપોરના
બાર વાગી ગયા. ભૂખ્યો-તરસ્યો એક ઝાડ નીચે બેસી
થોડુંઘણું ખાધું, પાણી પીધું અને ફરી ચાલવાનું શરૂ કર્યું.
માથા પર સૂરજ આવી ગયો હતો, છતાં પણ વિચારે છે કે
હજુ થોડું વધારે ચાલીશ તો વધારે જમીન શર્ત પ્રમાણે
મળશે. પાછા ફરતી વખતે થોડો જોરથી ચાલીશ. આમ
કરતાંકરતાં સૂરજ ઢળવા લાગ્યો. ખેડૂત પાછો ફરી
જોરશોરથી ચાલવા માંડે છે. પોતાની સાથે ખાવા-પીવાનો
સામાન હતો એ પણ ફેંકી ઝડપથી ચાલવા લાગ્યો.
આસ્તેઆસ્તે સૂરજ ઢળવા લાગ્યો. જેમજેમ સૂરજ ઢળવા
લાગ્યો તેમતેમ ખેડૂત દોડવા લાગ્યો, કારણકે તેને પાછું ફરીને મૂળ જગ્યાએ પહોંચવાનું હતું. ખૂબ તરસ લાગી
હતી, પણ હવે તો એની પાસે પાણી પણ ન હતું, છતાં
પણ ગમે તેમ કરીને મૂળ સ્થાને પહોંચવાનું હતું, એટલે
ખૂબ જોરથી દોડવા લાગ્યો.
સૂરજ ડૂબવાને હવે પાંચ મિનિટ બાકી હતી અને જ્યાં
પહોંચવું હતું એ અંતર પણ પાંચ મિનિટમાં પહોંચી શકાય
એટલું જ દૂર હતું.
ખેડૂતે પોતાની બધી શક્તિ લગાડીને દોટ મૂકી. એક
બાજુ સૂર્યાસ્ત થાય છે અને ખેડૂત પોતાનો હાથ જ્યાંથી
શરૂ કર્યું હતું ત્યાં પહોંચાડી દે છે. રાજા તથા પ્રજા હર્ષની
કિકિયારી સાથે ખેડૂત પાસે જઈને એને ઊભો કરવા તેનો
હાથ પકડે છે, ત્યાં તો ખેડૂતનો હાથ ધડાક દઈને નીચે પડે
છે. ખેડૂત મૂળ સ્થાને પહોંચ્યો, પણ એનું પ્રાણપંખેરું ઊડી
ગયું હતું.
રાજા એટલું જ બોલે છે કે, ‘‘બે ગજ જમીન માટે
માણસ કેટલું દોડે છે’’, રાજાએ બે ગજનો ખાડો ખોદી
ખેડૂતને દફનાવી દીધો. આ કથા આપણા જેવા દરેક
માણસને લાગુ પડે છે. આજનો માનવી પૈસા બનાવવાની
દોડમાં પોતાનું કુટુંબ, પોતાનું સ્વાસ્થ્ય, પોતાનું ભવિષ્ય,
બધું જ ભૂલી જાય છે. આમ ને આમ આપણે બધા
આંધળી દોટમાં બધું જ ભૂલી જઈએ છીએ અને જીવનમાં
ક્યારે સૂર્યાસ્ત થઈ જાય છે એની ખબર પડતી નથી.
જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કાં
તો શરીરથી ભાંગી ગયા હોઈએ છીએ કાં તો મનથી, કાં
તો કુટુંબથી.
‘‘બે ગજ જમીનમાં જવાનું છે’’, માટે સમયસર સમજી
જાવામાં જ મઝા છે.